SURAT

‘મારા પર પીધેલાનો કેસ કર્યો, હવે હું જોઈ લઈશ’ કહીને સુરતના આધેડે ASIને લાફો મારી દીધો

સુરત : ગોડાદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) પીસીઆર (PSI) બે જણાને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારે તેમનું સમાધાન કરાવી રહેલા એએસઆઈને (ASI) આધેડે ઉશ્કેરાઈને લાફો મારી દેતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ રજનીકાંત ખુમાભાઇએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગીરજાશંકર તેરસનાથ યાદવ (ઉ.વ.૫૩ ધંધો.વેપાર રહે.૧૮૬ રાધા રમણ સોસાયટી સાબર ગામ કડોદરા) ની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાત્રે ગોડાદરા પોલીસની પીસીઆર વાન ગોડાદરા ચિન્મય રો હાઉસની સામે હળપતિવાસમાં ઝઘડો ચાલતો હોવાથી ત્યાંથી પકડીને લાવી હતી. ત્યારે બંને પક્ષ વચ્ચે ત્યાં પોલીસ સ્ટેશનમાં ઝપાઝપી થઈ હતી.

એએસઆઈ તેમને સમજાવવા જતા ગીરજાશંકરે જોર જોરથી બુમો પાડી કહેવા લાગ્યો હતો કે તમે પોલીસે મારા પર અગાઉ પીધેલાનો કેસ કર્યો હતો, હું તમને જોઇ લઈશ. એમ કહીને એએસઆઈને લાફો મારી દીધો હતો. જેથી તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.

‘આગળ ચોરી થઈ છે, પોલીસવાળા ઊભા છે, તમારા દાગીના આપી દો’
સુરત : મોટા વરાછા ખાતે બપોરે ચાલવા નીકળેલા આધેડને બે અજાણ્યાઓએ ‘આગળ ચોરી થઈ છે પોલીસ ઉભી છે, પહેરેલા દાગીના કાઢી આપો કાગળમાં વીટાળી આપીએ’ તેમ કહીને 1.30 લાખના દાગીના લઈને નીકળી જઈ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

કામરેજ ખાતે કેનાલ રોડ પર આક્રુતિ બંગલોઝમાં રહેતા 59 વર્ષીય ત્રિકમભાઈ મોહનભાઈ દેસાઈ કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 29 જાન્યુઆરીએ બપોરે તેઓ ચાલવા નીકળ્યા હતા. ત્યારે સંસ્કારદિપ સ્કુલ પાસે લજામણી ચોક પાસે મોટા વરાછા પાસે પાછળથી એક મોટર સાયકલ ચાલક તેમની પાસે આવ્યો હતો. અને આગળ ચોરી થઈ છે અને પોલીસવાળા ઉભા છે, તમારે કિમતી ઘરેણા પહેરીને રોડ ઉપર નીકળવાનું નહી, તમે પહેરેલા દાગીના આપી દો તમને કાગળમાં વિટાળીને પાછા આપી દઉ છું તેમ કહ્યું હતું. જોકે ત્રિકમભાઈએ ના પાડી હતી. તેવામાં બીજો એક વ્યક્તિ આવીને કહેવા લાગ્યો કે તમે ઘરેણા આપી દો તમને કાગળમાં વીટાળીને પાછા આપી દેશે. તેમ કહેતા ત્રિકમભાઈએ ગળાની સોનાની રૂદ્રાક્ષની સવા બે તોલાની આશરે 80 હજારની માળા, એક હીરા જડીત સોનાની વીટી વજન ૧૦ ગ્રામ આશરે 50 હજારની મળીને કુલ 1.30 લાખની ઉતારીને તેમને આપી દીધી હતી. બાદમાં તે બંન્ને તેની મોટર સાયકલ ઉપર બેસીને નાસી ગયા હતા.

Most Popular

To Top