SURAT

સુરતના વરાછામાં પરિણીતાનો જીદ્દી સ્વભાવ તેને જ ભારે પડ્યો

સુરત : વરાછામાં (Varacha) ઘરકંકાશને કારણે પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસના (Police) જણાવ્યા અનુસાર મૃતક જીદ્દી સ્વભાવની (Nature) હતી. સ્મીમેર હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વરાછા બજરંગનગર સોસાયટીમાં રહેતી રંજનબેન હિતેશભાઇ પરમાર (ઉ.વ.34)એ સોમવારે બપોરના સમયે પોતાના ઘરે અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. પતિને જાણ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સાંજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પતિ હિતેશ પરમાર રત્નકલાકારનું કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. બનાવ અંગે વરાછા પોલીસ મથકના એએસઆઇ સતિષભાઇએ જણાવ્યું હતું કે, રંજનબેનનાં પિયર પક્ષના કહ્યા પ્રમાણે રંજનબેન જીદ્દી સ્વભાવની હતી. સ્વભાવને કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. દરમિયાન કંકાશને કારણે રંજનબેને આત્મહત્યા કરી લીધી હતી.

પત્ની સાથે આડા સંબંધના વહેમમાં યુવાન પર પતિનો કટરથી જીવલેણ હુમલો
વલસાડ : વલસાડના નાનકવાડા ગામે રહેતા યુવાન પર પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ધોબી તળાવમાં રહેતા એક યુવાને હુમલો કર્યો હતો. તેણે યુવાનના ગળાથી છાતીના ભાગમાં કટરથી ઘા કરતાં ઘાયલ યુવાનને સિવિલ હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો અને તેને 34 ટાંકા લેવા પડ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના નાનકવાડામાં રહેતો જય કાર્તિક પટેલ ધોબી તળાવમાં કપડાં ધોવાની નોકરી કરે છે. 3 દિવસ અગાઉ તે પોતાની સાથે જ કપડાં ધોવાની નોકરી કરતી એક મહિલા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. જેને મહિલાનો પતિ જોઇ ગયો હતો. જેની અદાવતમાં ગતરોજ જય કપડાં ધોવા ગયો ત્યારે મહિલાનો પતિ અજય બચુ રાઠોડ ત્યાં કટર લઇને આવ્યો અને તેની સાથે બોલાચાલી કરી તેને ગળાના ભાગે કટર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના પગલે જયના શરીર પર ગળાથી લઇ છાતી સુધીની ચામડી કપાઇ ગઇ હતી અને તેને સારવાર અર્થે સિવિલમાં લઇ જવો પડ્યો હતો. જ્યાં તેને 34 ટાંકા લેવા પડ્યા હતા. આ સંદર્ભે જયના પિતા કાર્તિકે વલસાડ પોલીસ મથકે અજય રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top