પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો: પિતા-પુત્રના ઝઘડામાં પિતાએ જ પુત્રનું ગળુ દબાવી હત્યા કરી હતી

સુરત: (Surat) ચોકબજારમાં ત્રણ દિવસ પહેલા એક યુવકના મોતને લઇને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો. આ યુવકનું ગળુ દબાવ્યા બાદ મોત થયાનું બહાર આવતા પોલીસે (Police) મૃતકના પિતાની પુછપરછ કરી હતી. જેમાં પિતા ભાંગી પડ્યા હતા અને પુત્રને દોરી વડે ફાંસો આપીને હત્યા (Murder) કર્યાની કબૂલાત કરી હતી. અને પુત્રનું આત્મહત્યાથી મોત થયાની સ્ટોરી ઊભી કરી દીધી હતી. પોલીસે પિતાની (Father) સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

  • પિતા-પુત્રના ઝઘડામાં પિતાએ જ પુત્રનું ગળુ દબાવી હત્યા કર્યાનો પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ
  • ચોકબજાર પોલીસે પિતાની સામે પુત્રની હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
  • સાગરે કોઇ સાડી વડે ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું
  • સાગરને દોરી વડે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું

વેડરોડ મરાઠી સ્કુલની સામે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા સાગર કારભારી માળી (ઉ.વ.૨૫)ની ત્રણ દિવસ પહેલા તેના જ ઘરમાંથી લાશ મળી આવી હતી. સાગરે કોઇ સાડી વડે ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. આ બાબતે સાગરના પિતાએ પોલીસને જાણ કરીને સાગરને નવી સિવિલમાં લઇ ગયા હતા. સાગરનું મોત થતો શરૂઆતમાં ચોકબજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સાગરની ડેડબોડીનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જ્યાં સાગરને દોરી વડે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે સાગરના પિતા કારભારી માળીની આકરી પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને જણાવ્યું હતું કે, ઘટનાના એક દિવસ પહેલા સાગર અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. બનાવના એક દિવસ પહેલા જ સાગરની પત્ની સુરત આવી હતી અને પોતાનો સામાન લઇને જતી રહી હતી. સાગર તેની પત્નીને રેલવે સ્ટેશને મુકવા માટે પણ ગયો હતો. સાગર અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતા કારભારી ભાઇ પણ વચ્ચે પડતા હતા અને પિતા-પુત્રનો ઝઘડો વધતો હતો. કંટાળી ગયેલા કારભારી ભાઇએ આખરે દોરી વડે સાગરનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનું કબૂલ્યું હતું. બનાવ અંગે ચોકબજાર પોલીસે કારભારી માળીની સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related Posts