SURAT

પાલ ગૌરવપથ પર સર્કલ ઠોકી બેસાડી દેનાર યશવી ફાઉન્ડેશન પાલિકાની નોટિસને પણ ધોળીને પી ગયું

સુરત: પાલના ગૌરવપથ પર જાણે મનપાના ‘ગેરકાયદે ઘરજમાઈ’ બની ગયેલા યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તાઓએ ગૌરવપથના હજીરા રોડ તરફના છેડા પર ગેરકાયદે રીતે ઠોકી બેસાડેલા ઓપરેશન સિંદૂરના નામના સર્કલને 24 કલાકમાં હટાવી દેવા માટે મનપા દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં પણ બુધવારની રાત્રિ સુધી સુધી સર્કલ હટાવવામાં આવ્યું નહોતું.

  • પાલના ગૌરવપથ પર ઈચ્છા થાય ત્યારે પોતાના નામના સર્કલો ઠોકી બેસાડવામાં યશવી ફાઉન્ડેશન ‘ઉસ્તાદ’
  • ઓપરેશન સિંદૂરના નામે ખડકી દેવામાં આવેલા પોતાના નામના સર્કલને હટાવી દેવા માટે રાંદેર ઝોને નોટિસ આપી હતી
  • નોટિસ છતાં બુધવારની રાત સુધી સર્કલ હટાવાયું નહોતું, મનપા તંત્ર ‘શું કરી લેશે’ તેવો હુંકાર
  • 24 કલાકમાં સર્કલ હટાવી દેવા નોટિસ છતાં યશવી ફાઉન્ડેશન મનપાને ‘ભાજીમૂળા’ સમજે છે!

જેને પગલે મનપાના રાંદેર ઝોનની આબરૂ દાવ પર લાગી ગઈ છે. રાંદેર ઝોનની નોટિસને પણ ઘોળીને પી ગયેલું યશવી ફાઉન્ડેશને જાણે સુરત મહાપાલિકાને ખિસ્સામાં લઈને ફરી રહ્યું છે ત્યારે હવે મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલ કડક પગલા લેવામાં આવે તેવી માંગણીઓ થઈ રહી છે.

સુરત મહાપાલિકા દ્વારા સર્કલના વિકાસ માટે એક નીતિ બનાવવામાં આવી છે. જેમાં કોઈપણ સર્કલ કે ટ્રાફિક આઈલેન્ડ માટે પહેલા મનપાની મંજૂરી લેવાની રહે છે. બાદમાં તે માટે નક્કી થયેલું પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. ત્યારબાદ કેવું સર્કલ બનાવવાના છો તેની ડિઝાઈન બનાવીને તેને પણ મનપા પાસે મંજૂર કરાવવાની રહે છે. આ તમામ પ્રક્રિયા થયા બાદ જ જે તે વ્યક્તિ કે સંસ્થા જે તે સર્કલને ડેવલપ કરી શકે છે. પરંતુ આ નીતિને યશવી ફાઉન્ડેશનના સંચાલકોએ બાજુ પર મુકીને ઝોનના કેટલાક અધિકારીઓની સાંઠગાંઠમાં બારોબાર ગેરકાયદે ઓપરેશન સિંદૂરના નામથી સર્કલ બનાવી દીધું હતું. આ સર્કલનને કારણે ટ્રાફિકની સમસ્યા અને વાહનચાલકો મુશ્કેલી મુકાતા હોવા છતાં પણ યશવી ફાઉન્ડેશન તમામ સરકારી તંત્રોને ભાજીમૂળા સમજીને પોતાની મનમાની કરી રહ્યું છે.

ભૂતકાળમાં પણ યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તાઓએ ગૌરવપથ પર પોતાની જાહેરાતો કરવા માટે સર્કલો પર લાઈટો લગાડીને વિવિધ પ્રતિકૃતિઓ ગોઠવી દીધી હતી. જો તે સમયે અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા પરંતુ આ વખતે ફરી યશવી ફાઉન્ડેશન પોતાની જૂની પ્રવૃત્તિ ચાલુ રાખી ગેરકાયદે લાઈટિંગ સાથે ઓપરેશન સિંદૂર સર્કલ ઠોકી બેસાડતાં મનપાના રાંદેર ઝોને 24 કલાકમાં આ ગેરકાયદે સર્કલ હટાવી દેવા માટે નોટિસ આપી હતી. જોકે, યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તાઓએ રાંદેર ઝોનના અધિકારીઓ ‘શું કરી લેવાના?’ તેમ સમજીને બુધવારની રાત સુધી સર્કલ હટાવ્યું નહોતું. જેને કારણે રાંદેર ઝોનના અધિકારીઓ નબળા સાબિત થયા હતા. જોકે, હવે આવતીકાલે રાંદેર ઝોન દ્વારા શું કરવામાં આવે છે તે જોવું રહ્યું!

યશવી ફાઉન્ડેશન ગેરકાયદે સર્કલો બનાવીને પોલીસ-મનપાને ચેલેન્જ ફેંકી રહ્યું છે
સુરતમાં ટ્રાફિકની મોટી સમસ્યા સર્જતા સર્કલોને હટાવવા માટે કામગીરી ચાલી રહી છે. પોલીસ અને મનપા દ્વારા સંયુક્તપણે અનેક વિસ્તારોમાંથી સર્કલો હટાવી દેવામાં આવી રહ્યા છે પરંતુ આખી સુરતની પોલીસ અને મનપાના પણ જાણે ‘બાપ’ હોય તેમ યશવી ફાઉન્ડેશન દ્વારા જ્યારે ઈચ્છા થાય ત્યારે પાલના ગૌરવપથ પર પોતાના લાઈટિંગવાળા સર્કલો ખડકી દેવામાં આવે છે અને વાહનચાલકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં ક્રેટોસ સર્કલ ખાતે પણ આવી જ રીતે રાત્રે રસ્તો બંધ કરીને સર્કલ ઊભું કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને કારણે અનેક વાહનચાલકોએ લાંબા ફેરા મારવા પડ્યા હતા.

Most Popular

To Top