સુરત: (Surat) ચોમાસાની સિઝનમાં દર વર્ષે રસ્તાઓની હાલત બદતર થઈ જાય છે અને મનપાની નબળી કામગીરીની પોલમપોલ દેખાઈ આવે છે. આ વર્ષે પણ ચોમાસા દરમિયાન શહેરના મોટા ભાગના રસ્તા (Roads) પર ખાડા (Pits) પડી ગયા છે અને તેને કારણે શહેરીજનોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તાર એવા સેન્ટ્રલ ઝોનમાં ઘણા રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. જેથી બુધવારે મેયર હેમાલી બોઘાવાલાએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે, આવનારા 15 દિવસમાં તમામ રસ્તાનાં પેચવર્ક પૂર્ણ કરી દેવામાં આવે. ઉપરાંત મેયર (Meyor) હેમાલી બોઘાવાલાએ રાંદેરમાં ઝોનમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની સામે ફાયર સ્ટેશન માટેના પ્લોટ, વરિયાવમાં બોક્સ ડ્રેઇનનાં કામ તેમજ સેન્ટ્રલ ઝોનમાં વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ બાબતે રાઉન્ડ લઇ નિરીક્ષણ કર્યા બાદ જરૂરી સૂચનાઓ આપી હતી.
શહેરના રસ્તાની સાથે સાથે બ્રિજ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. જ્યાં ને ત્યાં ખાડાઓને કારણે વાહનચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. તેમજ વરસાદ પણ હજી ગયો નથી. આથી રસ્તાઓની હાલત વધુ ને વધુ બદતર થઈ રહી છે. જેના પગલે બુધવારે મેયરે ખુદ રસ્તાઓની રિપેરિંગની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ જો વરસાદ હવે ન આવે તો ઝડપથી 15 દિવસમાં એટલે કે, તા.5થી 7 ઓક્ટોબર સુધીમાં સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તા રિપેર કરી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તબક્કાવાર અન્ય ઝોનના રસ્તા પણ રિપેર કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું.
વડોદમાં રિપેરિંગ કામ માટે ખાલી કરાવી સીલ કરેલાં આવાસનાં સીલ તોડી લોકો ત્યાં રહેતા થયા
સુરત: શહેરના પાંડેસરા વડોદ ગામમાં આવેલા 331 આવાસમાં મનપા દ્વારા ખાલી કરાવી સીલ મારવામાં આવ્યાં હતાં. આ આવાસના સીલ તોડી ફરીથી લોકો ત્યાં રહેવા લાગતાં મનપાના ડેપ્યુટી ઇજનેરે પાંડેસરામાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ ખાતે ગોવિંદધામ રો-હાઉસમાં રહેતા 57 વર્ષીય ઓજસભાઈ હરેશચંદ્ર દેસાઈ મનપામાં સ્લમ અપગ્રેડેશન વિભાગમાં ડેપ્યુટી ઇજનેર છે. તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મનપા દ્વારા પાંડેસરા વડોદ ખાતે અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં 34 બિલ્ડિંગ્સમાં 612 આવાસનું નિર્માણ કરાયું છે. જેમાં ડ્રો થકી 186 આવાસ બાવરી સમાજના લોકોને અને 79 આવાસો શહેર વિકાસના નડતરરૂપ ઝૂપડપટ્ટીના અસરગ્રસ્ત લાભાર્થીઓને મળી કુલ 265 આવાસો ફાળવવામાં આવ્યાં હતાં.
આમાં ફાળવવાના બાકી 347 આવાસ પૈકી 331 આવાસમાં બાવરી સમાજના લોકો દ્વારા ગેરકાયદે રીતે કબજો લઈ વસવાટ કરતા હતા. ગેરકાયદે કબજો કરનાર બાવરી સમાજના લોકોને ખાલી કરાવી આવાસોનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું જરૂરી હતું. ગત 16 જુલાઈએ આ આવાસનો ગેરકાયદે કબજો ખાલી કરાયો હતો. અને તમામ 331 આવાસને સીલ મરાયાં હતાં. આવાસમાં ફરીથી ગેરકાયદે કબજો નહીં થાય એ માટે 16 જુલાઈ-2021થી 3 પાળીમાં કુલ 12 સિક્યોરિટી ગાર્ડને ત્યાં નોકરી ફાળવવામાં આવી હતી. આ તમામ કામગીરી બાદ 26 જુલાઈ-2021 પછી પૂર્વગામી ડે.ઇજનેર નીરવ પુનીવાલા તથા કોન્ટ્રાક્ટર અનિલ પ્રજાપતિ સહિતના અધિકારી સાઈટ વિઝિટ ઉપર ગયા હતા. ત્યારે ઘણા આવાસનાં સીલ તોડીને ફરી લોકો ત્યાં રહેવા લાગ્યા હતા. આ તમામ ફ્લેટ હોલ્ડર્સની સામે ગેરકાયદે પ્રવેશની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.