Surat Main

ઉત્સવપ્રિય સુરતીઓને આ વર્ષે ઉત્તરાયણ મોંઘી પડશે: પતંગ અને દોરીની કિંમતોમાં ધરખમ વધારો

ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની મહામારીની વેપારીઓના ધંધાને પણ અસર થઇ રહી છે. મોટા ભાગે દિવાળી બાદ તરત જ કેટલાક વેપારીઓ પતંગો હોલસેલમાં ખરીદી લેતા હોય છે, જો કે આ વર્ષે કોરોનાના પગલે બજારમાં પતંગો જ ઓછી આવી છે, જેને કારણે હાલ પતંગ બજારમાં પણ મંદી રહેશે.

આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો
સામાન્ય રીતે ઉત્તરાયણના તહેવારમાં કરોડો રૂપિયાની પતંગો અને ફિરકીનું વેચાણ થતું હોય છે, જોકે સુરત શહેરમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉનથી બજારમાં પતંગો ઓછી આવી છે અને પતંગો ઓછી બની પણ છે, જેને કારણે જ વેપારીઓને ભાવવધારો કરવાની ફરજ પડી છે. આ વખતની ઉત્તરાયણમાં પતંગ-ફિરકીબજારમાં બહુ ભીડ જોવા મળવાની શક્યતા પણ ઓછી છે. જેથી વેપારીઓએ આ વર્ષે ભાવમાં પણ 20થી 25 ટકાનો વધારો કરવો પડ્યો છે.

અવાજ કરતાં રમકડાંની તો કોઈ ખરીદી જ નથી.
મળતી માહિતી મુજબ જે રેગ્યુલર પતંગ આવે છે એવા 1000 પતંગનું બંડલ રૂ. 2600થી 2800માં ગત વર્ષે મળતું હતું, જેના આ વર્ષે રૂ. 3500 થઈ ગયા છે. તદઉપરાંત આ વર્ષે ઉત્તરપ્રદેશની બરેલીની જે ફિરકીઓ આવતી હોય છે એ ખૂબ જ ઓછી આવી છે, જેને કારણે બરેલી દોરીનું વેચાણ ઓછું હોવાથી ફિરકીના ભાવ પણ વધ્યા છે. જે 5000 વાર દોરીની ફિરકીના ભાવ 600થી 700 રૂપિયા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રિટેલમાં ગ્રાહકોની ખરીદી હજી દર વર્ષે જોઈએ એવી નથી. ત્યાં જ હોલસેલમાં પણ વધુ ભાવ હોવાથી પતંગો મોંઘી થઈ ગઈ છે. સાથે જ પિપૂડાં અને અવાજ કરતાં રમકડાંની તો કોઈ ખરીદી જ નથી થઈ.

રાંદેર સહિતના પતંગ બજારમાં વેપારને મોટી અસર
પતંગ માટે જાણીતા એવા રાંદેર વિસ્તારમાં આ વર્ષે મંદી જોવા મળી રહી છે. કોઈ જ વેપારીઓએ આ વર્ષે વધુ પડતું પ્રોડક્શનનું જોખમ લીધું નથી. ત્યાં જ લોકોએ પણ કોરોનાને કારણે પતંગ અને ફિરકીના ઓર્ડર ઓછા જ બુક કરાવ્યા છે. મહત્વની વાત છે કે લોકો ખરીદી જ ઓછી કરશે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પતંગ-ફિરકીના ઓછા માલ મગાવ્યા છે, સુરતના રાંદેર અને ડબગરવાડ સહિતના પતંગ બજારમાં આ વર્ષે દર વર્ષ જેવી રોનક નહિ રહે. રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી અમલમાં આવી જશે, માટે રાતે 9 કે 9.30 સુધી જ દુકાનો-બજાર ચાલુ રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top