સુરત: (Surat) ઉધના વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલકે બહેન ગરબા (Garba) રમવા માટે ગયા બાદ એકલતાનો લાભ લઇ ફાંસો ખાઇ લીધો હતો. મૃતકની પત્ની 5 વર્ષથી પિયર મુંબઇ જતી રહેતા ઉધનામાં બહેન અને પુત્રી સાથે રહેતો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના વિસ્તારના ડીલક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ભીમાભાઇ પવાર (ઉ.વ.35) ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તેણે રવિવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. અરવિંદની બહેન ગરબા રમવા માટે ગઇ ત્યારે તેણે છતના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પોલીસને (Police) કરવામાં આવતા પોલીસે સ્થળ તપાસ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો. વધુમાં પોલીસના જણાવ્યા મુજબ અરવિંદની પત્ની 5 વર્ષથી તેની પુત્રીને લઇ મુંબઇ પિયરમાં રહેવા ચાલી ગઇ હતી. અરવિંદભાઇ તેને પરત સાસરીમાં ચાલી આવવાનું કહેતા હતા પરંતુ તેણી આવી ન હતી. આ કારણોસર તેણે પગલું ભરી લીધું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.
દંપતિ વચ્ચે શાકભાજી લેવા મુદ્દે ઝઘડો થતા પત્નીએ ફાંસો ખાઇ લીધો
સુરત : ડિંડોલી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે શાકભાજી લેવા મુદ્દે ઝઘડો થતા પત્નીએ માઠુ લગાડી ફાંસો ખાઇ લીધો હતો. પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ ડીંડોલી ચિંતાચોક પાસે રહેતા મહાજનદેવી નીતિશકુમાર બદરીબિંદ (ઉ.વ.23) સોમવારે પોતાના ઘરે છતના હુંક સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પરિવારને થતા પોલીસને જાણ કરાઇ હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મહાજનદેવીનો પતિ સાથે શાકભાજી લેવા મુદ્દે ઝઘડો થયો હતો. પતિની વાતનું મહાજનદેવીને માઠું લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હતો. મૃતકને સંતાનમાં અઢી વર્ષનું બાળક છે. માતાના અંતિમ પગલાથી પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.