SURAT

બ્લાઈન્ડ ગેંગરેપ કેસ સુરત પોલીસે એક સ્કેચની મદદથી બે દિવસમાં ઉકેલ્યો, આદિમાનવ જેવા નરાધમને..

સુરત: સુરતના (Surat) દેવધ ગામ નજીક કુંભારિયા જવાના રસ્તા પર કેળાંના ખેતરમાં યુવતી પર નરાધમો દ્વારા કરાયેલા ગેંગરેપ (Gang Rape) કેસને સુરત પોલીસે બે દિવસના ટૂંકાગાળામાં ઉકેલી દીધો છે. અજાણ્યા નરાધમોને પકડવા માટે કોઈ જ લીડ નહીં હોવા છતાં માત્ર એક સ્કેચની (Sketch) મદદથી સુરત પોલીસે ત્રણ આરોપીને પકડ્યા છે. હજુ એક આરોપી ફરાર છે. આ કેસ ઉકેલવામાં સ્કેચ આર્ટીસ્ટની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

ગઈ તા. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે દેવધ ગામ નજીક રઘુવીર માર્કેટની સામે કુંભારીયા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા કેળાના ખેતર પાસે યુવતી તેના પ્રેમી સાથે બાઈક પર એકાંતની પળો માણી રહી હતી ત્યારે ચાર જણા આવ્યા હતા અને બંનેને ધાકધમકી આપી કેળાંના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં પ્રેમીને દોરડાંથી બાંધી દઈ તેની નજર સામે જ પ્રેમિકા પર ગેંગરેપ કર્યો હતો. તે રાત્રે ઘરે જતા રહ્યાં બાદ યુવતીએ બીજા દિવસે સવારે પોલીસને ફરિયાદ કરી હતી. બીજી તરફ ગભરાયેલો પ્રેમી વતન જતો રહ્યો હતો. પોલીસે વિશ્વાસ અપાવતા બંને જણાએ આરોપી વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. જોકે, કેળાંના ખેતર તથા આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા. તેમજ આરોપીઓ સાવ અજાણ્યા હોય ફરિયાદી તેની ઓળખ કરાવી શકતા નહોતા.

આ બ્લાઈન્ડ કેસને ઉકેલવો સુરત શહેર પોલીસ માટે પડકાર બની ગયો હતો, ત્યારે ગુજરાત પોલીસમાં અધિકૃત રીતે નિયુક્ત કરાયેલા ખાનગી સ્કેચ આર્ટિસ્ટ દિપેન જગીવાલા પોલીસની વ્હારે આવ્યા હતા. ફરિયાદી યુવતી દ્વારા ચાર પૈકી એક આરોપીનું આછુંપાતળું વર્ણન આર્ટિસ્ટ સમક્ષ કરવામાં આવ્યું હતું, જેના આધારે આર્ટિસ્ટે આરોપીનો આબેહુબ સ્કેચ બનાવ્યો હતો, જેની મદદથી સુરત પોલીસ 3 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે, શંકાસ્પદોના સ્કેચ બાતમીદારોને મોકલવામાં આવ્યા હતા. દરમિયાન એક બાતમીદાર તરફથી એવી બાતમી મળી હતી કે સ્કેચમાં દર્શાવ્યા મુજબના શંકાસ્પદો ન્યુ બોમ્બે માર્કેટ સામે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ બાતમીના આધારે સુરત શહેર પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યા હતા.

પોલીસથી બચવા માથાના વાળ કપાવી નાંખ્યા
જે આરોપીનો સ્કેચ તૈયાર કરાયો હતો તે આરોપીએ પોલીસની નજરથી બચવા માથાના વાળ કપાવી નાંખ્યા હતા, પરંતુ સ્કેચ એટલો આબેહુબ હતો કે તેની ઓળખ થઈ ગઈ હતી એમ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

સ્કેચ આર્ટીસ્ટ દિપેન જગીવાલાએ કહ્યું કેવી રીતે બન્યો સ્કેચ
સ્કેચ આર્ટીસ્ટ દિપેન જગીવાલાએ કહ્યું કે, આવા કેસમાં કામગીરી કરવી ખૂબ જ કપરી હોય છે. યુવતી ખૂબ ગભરાયેલી હતી. ઘટના બની ત્યારે તે એક જ આરોપીને જોઈ શકી હતી. તેથી તે તેનું વર્ણન આછુંપાતળું જણાવી રહી હતી. યુવતી વારંવાર એક જ રટણ કરતી હતી કે આરોપી આદિમાનવ જેવો દેખાતો હતો. બપોરે 2.30થી સાંજના 7 વાગ્યા સુધી સાડા ચાર કલાકની મહેનતના અંતે શકમંદનો સ્કેચ તૈયાર થયો હતો. આ સ્કેચની મદદથી આરોપી પકડાયો તેનો મને સંતોષ છે.

આરોપીઓએ ગુનો કબૂલ્યો, કહ્યું યુવક-યુવતી ખેતરમાં બેઠાં હતાં અને..
ધરપકડ બાદ આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા કહ્યું કે, ગઈ તા. 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે પોતે કુંભારિયા ગામથી દેવધ ગામ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે કેળાંના ખેતરમાં છોકરો અને છોકરી બેઠાં હતાં. તેથી તેઓ પાસે જઈ આરોપી વિદેશી તથા દિપક યાદવે બંનેને ધમકાવ્યા હતા. ત્યાર બાદ છોકરાનું ગળું દબાવી માથાના ભાગે લાકડીનો ઘા માર્યો હતો. રસ્તા પર પડેલા દોરડાથી તેના હાથ પગ બાંધી દીધા હતા અને વિદેશી ઉર્ફે વિકાસ યુવતીને ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ અન્ય આરોપીઓએ વારાફરતી રેપ કર્યો હતો. છેલ્લે યુવક યુવતીના મોબાઈલ ફોન લઈ ભાગી ગયા હતા. ઘટના બાદ તેઓ નિયતક્રમ મુજબ સરદાર માર્કેટમાં પોટલા ધોવાનું કામ કરવા લાગ્યા હતા. આ કેસમાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.

આ આરોપી પકડાયા
(1) વિદેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલા S/O ઉમેશ યાદવ (ઉ.વ. 22 ધંધો:- સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ રહે. દેવા ભરવાડના મકાનમાં, રાજીવનગર ઝુંપડપટ્ટી, ન્યુ બોમ્બે માર્કેટની સામે પુણા, સુરત મુળવતનઃ-મરીગામ પોસ્ટ- સતપુરા થાના:-મતપુરા જિલ્લો-સતપુરા બિકાર), (2) ગોપાલ સુખદેવ મન્ના (ઉ.વ. 25 ધંધો:- સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ રહે. મહેન્દ્રભાઇના મકાનમાં, રાજીવનગર ઝુંપડપટ્ટી, ન્યુ બોમ્બે માર્કેટની સામે, પુણા, સુરત મુળ વતન:- આશાસુનગામ પોસ્ટ:- ધનવાડ થાના:- બડાબજાર જિલ્લા-આસાસુર પશ્ચિમ બંગાળ), (3) જિતેન્દ્રકુમાર ઉર્ફે ફુલચંદ S/O મનોહર યાદવ (ઉ.વ.21 ધંધો:- સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ઉંચકવાનો રહે. મુકેશભાઇ ઉર્ફે મુકાના મકાનમાં જીવનગર ઝુંપડપટ્ટી, ન્યુ બોમ્બે માર્કેટની સામે, પુણા, સુરત મુળવતન:- તારકર મરકારી ટોલા પોસ્ટ- ગોસવરી થાના:-મુકાવા જિલ્લો:- પટના બિહાર).

Most Popular

To Top