SURAT

સુરતના માન દરવાજામાં રહેતી આર્મીમેનની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

સુરત: (Surat) માન દરવાજા ટેનામેન્ટ પાસે આર્મીમેનની (Army Man) પત્ની (Wife) ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું. આ મહિલાને હાથમાં અને પગમાં ઇજા થઇ હતી. જો કે, હાલમાં તેણીની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. બીજી તરફ આ મહિલા ઉપર તેના જ પતિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલાના પરિવારજનોએ કર્યા હતા. આ બાબતે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માન દરવાજા ટેનામેન્ટ વિસ્તારમાં રહેતી નંદાબેન વિનોદભાઇ મોરે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પિયરમાં રહે છે. તેમનાં લગ્ન મહારાષ્ટ્રમાં રહેતા વિનોદભાઇ મોરેની સાથે થયાં હતાં. વિનોદભાઇ આર્મીમાં નોકરી કરે છે, પરંતુ પારિવારીક ઝઘડાના કારણે વિનોદભાઇ અને નંદાબેન અલગ અલગ રહે છે. તેમની વચ્ચે સુરતની કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. શનિવારે સાંજના સમયે નંદાબેન ઘરની પાસે હતાં ત્યારે ત્રણથી ચાર ઇસમ બે બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અચાનક જ નંદાબેન ઉપર ફાયરિંગ કર્યું હતું. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટનામાં નંદાબેનને હાથ અને પગમાં ઇજા થઇ હતી અને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

હાલ મહિલાની તબિયત સારી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. સાથે જ પોલીસના જણાવ્યા પ્રમાણે નંદાબેન અને વિનોદભાઇની વચ્ચે પારિવારીક ઝઘડામાં આ ફાયરિંગ થયું હોવાની શક્યતા છે. વિનોદભાઇ પોતે આર્મીમેન છે અને તેઓએ ફાયરિંગ કર્યું હોઇ શકે અથવા તો પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ડિંડોલીમાં મહિલા બુટલેગર રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી મૃત મળી
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં મહિલા રહસ્યમય સંજોગોમાં ઘરમાંથી બેભાન મળી આવી હતી. મહિલાનું નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરતા ગળે ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મળતી માહિતી મુજબ નીલગીરી રેલવે ફાટક પાસે જયરાજ નગર ખાતે રહેતી 30 વર્ષીય પુજા રાકેશ શાહુ દારૂ વેચવાનું કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે રાત્રે પુજા ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. પુજાને તેના પતિએ સ્મીમેરમાં ખસેડી હતી. જ્યાં તબીબે તપાસીને મૃત જાહેર કરી હતી. ડિંડોલી પોલીસને જાણ કરાતા પોલીસે જરૂરી કેસ પેપર તૈયાર કરી પુજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મહિલાએ ફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ડિડોલી પોલીસને જાણ કરાતા પોલીસે પણ અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top