SURAT

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાંથી છોટા શકીલના કહેવાતા 3 ગેંગસ્ટરને ઉઠાવી ગઇ

સુરત: (Surat) મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch) સુરતમાંથી છોટા શકિલના કહેવાતા 3 ગેંગસ્ટરને ઉઠાવી ગઇ છે. તેમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં એન્ટી એકસ્ટ્રોશન સેલ દ્વારા રાંદેરમાંથી 3 ગુર્ગાઓને ઉઠાવવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં મુંબઇના ઉદ્યોગપતિ પાસેથી 13 કરોડ ઉછીના લીધા પછી તે પરત નહીં આપીને તેને છોટા શકીલ ગેંગની (Chota Shakil Gang) ધમકીઓ આપવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એકસ્ટ્રોશન સેલ દ્વારા અસલમ નાવીવાલા (ઉં.વ.63), ઇલ્યાસ કાપડિયા (ઉં.વ.42), મીરઝા આરિફ બેગ (ઉં.વ.52)ની ધરપકડ કરવામાં આવી છે.

  • મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં રેડ કરી છોટા શકીલ ગેંગના નામે ધમકી આપનાર માથાભારે ગુર્ગાઓને પકડ્યા
  • ઇલ્યાસને હાલમાં જ ગુજસીકોકમાં જામીન મળ્યાં હતાં

મુંબઇના ઉદ્યોગપતિ દ્વારા તેર કરોડ રૂપિયા પરત માંગવામાં આવતાં નાવીવાલા અને કાપડિયા દ્વારા છોટા શકિલની ધમકી આપવામાં આવી હતી. દરમિયાન ફરિયાદી દ્વારા આરોપીઓનું બેક ગ્રાઉન્ડ ભૂતકાળમાં પણ દાઉદ ગેંગ સાથે હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત ફરિયાદી પાસે પચાસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન સુરતમાં ફરીથી છોટા શકિલ અને દાઉદ ગેંગના કનેક્શન નીકળતાં આ શહેરમાં હાલમાં પ્રવર્તતી શાંતિને ગમે ત્યારે પલીતો ચંપાવાની શક્યતા છે.

ઇલ્યાસ કાપડિયાને ગુજસીકોકમાંથી હાલમાં જ બેઇલ મળેલા
ઇલ્યાસ કાપડિયાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ હાલમાં ભલે ઉઠાવી ગઇ છે. પરંતુ કમિશનર અજય તોમરે આ આરોપીને ગુજસીકોકમાં નાંખ્યો હતો. તેમાં તેના ચાર મહિના પછી હાલમાં જામીન થયાં હતાં. આ ઉપરાંત ગુજસી કોકની ફરિયાદ મીરઝા આરિફ બેગ અને અસલમ નાવીવાલા પર છે. આ લોકો પર પણ ગુજસીકોક દાખલ કરવાની તૈયારી થઇ રહી હોવાની વિગત જાણવા મળી છે. આ તમામ આરોપીઓ હીસ્ટ્રીશીટર હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top