SURAT

સુરતમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં 9 માસના પુત્રના ભવિષ્યને ધ્યાને રાખી કોર્ટે આપ્યો આ આદેશ

Advertisement

સુરત: (Surat) ઉધનામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં માસૂમ બાળકની (Child) સામે જ તેની માતાએ આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ કેસમાં મૃતકના 9 મહિનાના બાળકની સારસંભાળ લેવાની વાતને ધ્યાને રાખીને કોર્ટે (Court) મૃતકના પતિને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ ઉધનાના હરીનગર પાછળ કાશીનગરમાં રહેતો ચેતન રાજેન્દ્ર રાણેએ ઉધના વિસ્તારમાં જ રહેતી અને સગીરાની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. ચેતન અને સગીરા જ્યાં રહેતા હતા. ત્યાં તેઓના સમાજના અગ્રણીઓ પણ સમજાવવા માટે ગયા હતા. પરંતુ ચેતને તેઓની સાથે ગાળાગાળી કરી હતી. બીજી તરફ આ સગીરાને એક સંતાનનો જન્મ થયો હતો. જેની ઉંમર હાલમાં 9 મહિનાની છે. બીજી તરફ ચેતનને સિગારેટ પીવાની કૂટેવ હોવાથી ઘરમાં ઝઘડા થયા હતા, આ વાતથી કંટાળી સગીરાએ થોડા દિવસો પહેલા જ સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે ચેતનની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ચેતનની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા માટે ચેતને એડવોકેટ રોહન કિરીટ પાનવાલા મારફતે કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન ચેતને મૃતકને કઇ બાબતે અને ક્યારે ત્રાસ આપ્યો હતો તે રજૂ કરી શક્યા ન હતા. આ ઉપરાંત ચેતનને 9 મહિનાનો બાળક પણ હોય તેના ભવિષ્ય અને તેના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને કોર્ટે આરોપી ચેતનને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો.

પત્ની અને બાળકને ભરણપોષણ ચુકવવામાં નિષ્ફળ પતિને ફેમિલી કોર્ટની 390 દિવસની સજા
સુરત : પત્નીને ભરણપોષણ ચૂકવવામા નિષ્ફળ ગયેલા પતિને સુરતની ફેમિલી કોર્ટે 390 દિવસની સજા ફટકારી છે. પતિ જેલમાં જતા બાકી રિકવરી વસૂલવા પત્નીએ રેવન્યુ રાહે કાર્યવાહી કરવાની રહેશે.

આ કેસની વિગત એવી છે કે, કતારગામ રેલ રાહત કોલોની ખાતે રહેતા મીનાબેનના લગ્ન તા.05/12/2008 ના રોજ વેડરોડ સ્થિત વિજય નગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ (બન્ને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે થયાં હતાં. જેમાં તેમને હાલ એક પુત્ર (ઉં.વ. 8) છે. જે પુત્ર મેન્ટલ ચેલેન્જ હોવાની જાણ થતાં પતિ પત્નિ વચ્ચે ઝઘડા શરુ થયાં હતાં તથા સાસુ અને નણંદ પણ નાની-નાની વાતે મીનાબેન સાથે ઝઘડો કરતા હતા. જેનાથી કંટાળી તેમણે પિયરનો આશરો લીધો હતો અને પુત્ર તથા પોતાના માટે ભરણપોષણ મેળવવા એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. જે અરજીમાં બાળકના રૂ.2000 અને પત્નિના રૂ.3500 મળી કુલ રૂ.5500 દર મહિને ચૂકવવા પતિને કોર્ટે આદેશ કર્યો હતો.

દરમ્યાન પતિ સમયસર ભરણપોષણ નહીં ચૂકવતાં 39 માસની ખોરાકીની રકમ રૂ.2,17,000 (અંકે રૂપિયા બે લાખ સત્તર હજાર) ચડી ગઈ હતી. જેમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની ફેમિલી કોર્ટે એક માસના દસ દિવસ લેખે પતિને 390 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. જો પતિ રિકવરીની રકમ ભરી દે તો પણ જેલ મુક્ત કરવાનો કોર્ટે હુકમમાં નિર્દેશ કર્યો હતો. અને જો ન ભરે તો રિકવરીની રકમ રેવન્યુ રાહે પત્ની વસૂલી શકશે.

Most Popular

To Top