Gujarat

તબીબો પહોંચ્યા માદરે વતન: સુરતના ઉદ્યોગપતિ-યુવાનો કોરોના સંક્રમિત સૌરાષ્ટ્રની વ્હારે

સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી છે. અમરેલી, જામનગર, પોરબંદર, દ્વારકા લગભગ તમામ જિલ્લાઓમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. ત્યારે વતનમાં જ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સુરતના તબીબો સૌરાષ્ટ્રના (Saurashtra) વ્હારે આવ્યા છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે સુરતથી ડોક્ટરોની ટીમ ચાર્ટર પ્લેન (Charter plane) મારફતે રવિવારે સૌરાષ્ટ્ર પહોંચી ગઈ છે. સુરતના 14 એમડી (MD) ડોક્ટરો રવિવારથી સૌરાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરશે. સુરતના ઉદ્યોગપતિઓ અને કાર્યકરો સેવા સંસ્થા સાથે જોડાઇને સૌરાષ્ટ્રમાં આઇસોલેશન સેન્ટર, ડોક્ટર (Doctors) અને પેરા મેડિકલની ટીમ અને યુવા કાર્યકર્તાઓ સાથે સંકલન કરી સૌરાષ્ટ્રમાં કામગીરી શરૂ કરી છે. આ પહેલા શનિવારે સુરતના સેવાભાવી લોકો સરથાણા જકાતનાકાથી નીકળી સૌરાષ્ટ્રમાં કાર (Car) લઇને રવાના થયા હતા. આ કાર્યમાં રાષ્ટ્રધ્વજ સાથે લઈ રાષ્ટ્રભાવના સાથે કુમારિકાઓએ કંકુ-તિલક કરી હિન્દુ સંસ્કૃતિ મુજબ મીઠું મોં કરાવી વતનને વહારે વાહનો રવાના કરાવ્યાં હતાં.

સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લા અને તાલુકામાં મળી રહે એવા હેતુથી સુરતના ઉદ્યોગપતિઓ, કોરોના વોરિયર્સ, સેવાભાવી સંસ્થાઓના સભ્યો અને ચિકિત્સકો સૌરાષ્ટ્ર પહોંચી ગયા છે. ડોકટરોની ટીમને ચાર્ટર પ્લેન મારફતે સૌરાષ્ટ્ર પહોચાડવામાં આવ્યા છે. સંક્રમણ ઘટે ત્યાં સુધી આ ડોકટરો ગામડામાં સેવા આપશે. સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે સ્થિતિ વણસતા દર્દીઓ સારવાર માટે સુરત આવી રહ્યા છે. જેને લઈને સુરતમાં રહેતા પરંતુ મૂળ સૌરાષ્ટ્રના યુવાનો અને ઉદ્યોગકારોમાં ચિંતામાં વધી હતી.

જેને ધ્યાનમાં રાખીને સુરતની સેવા સંસ્થા દ્વારા વતન જઈને દર્દીઓને ત્યાં જ સાજા કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મેડિકલ સ્ટાફ તેમજ યુવાનોની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરવામાં આવ્યું છે.સુરત એરપોર્ટ ખાતેથી સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં 9 જેટલા ડોક્ટરોની ટીમ તેમજ અન્ય 9 ડોક્ટરો બાય રોડ સેવા આપવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. કુલ 18 ડોક્ટરો આજે સૌરાષ્ટ્ર પહોંચી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયા છે.

સામાજિક સંસ્થાના સેવાભાવી લોકોએ સૌરાષ્ટ્રમાં સરવે કર્યા બાદ લોકોમાં રહેલા ડર, ગેરસમજ અને આરોગ્યલક્ષી સેવાઓના અભાવે વધી રહેલા કોરોનાને કાબૂમાં લેવા વિશિષ્ઠ આયોજન કરી 7 દિવસ ‘મારા વતનને અને ચાલો જઈએ વતનની વહારે’ સેવાભાવીઓએ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં 7 દિવસમાં 500 કાર સાથે એમ્બ્યુલન્સ, ડોક્ટરો, જરૂરી દવાઓ લઈને ત્યાં પહોંચશે. સાથે સાથે ગ્રામજનોમાં રહેલા કોરોનાના ડરને દૂર કરવા માટેના પ્રયાસો થશે. આ કાર્યની શુભ શરૂઆતમાં શનિવારે સાંજે 6 કલાકે સરથાણા જકાતનાકાથી સેવા સંસ્થાના પ્રમુખ મહેશ સવાણી તેમજ કાનજી ભાલાળા મારુતિ વીર જવાન યુવાન ટીમના કરૂનેશ, વિપુલ બુહા, વિપુલ સાચપરા, વલ્લભ ચોથાણી, વિપુલ તળાવીયા, ડો.ગૌતમ શિહોરા, પીયૂષભાઈ વેકરિયા સહિતના સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top