સુરત: આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે સુરત જળ સંરક્ષણના ક્ષેત્રે એક આશાનું કિરણ બનીને ઉભર્યું છે. જળ સંચય જન ભાગીદારી અભિયાન (JSJB) હેઠળ ભારતના ટોપ 10 શહેરમાં સુરતનો સમાવેશ થયો છે. જે દર્શાવે છે કે આ શહેરે પાણીની ટકાઉ વ્યવસ્થા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.
- આજે વિશ્વ પર્યાવરણ દિવસ: આવનાર પેઢીઓ માટે પૃથ્વી બચાવી રાખવા જળનું સંચય ખૂબ જરૂરી
- જલ સંચય જન ભાગીદારી અભિયાન: જળ સંરક્ષણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ
- કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં સુરત વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જળ સંરક્ષણમાં ચમકે છે
આ અભિયાન, જે ભારત સરકારના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ દ્વારા કેચ ધ રેઇન થીમ હેઠળ ચલાવવામાં આવે છે. તે દેશભરમાં વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં દેશભરમાં આ અભિયાન ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જળ સંચય જન ભાગીદારી અભિયાન એ એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જેનો ઉદ્દેશ ભૂગર્ભજળનું સ્તર વધારવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને પાણીના સંસાધનોનું ટકાઉ સંચાલન કરવું છે.
આ અભિયાનમાં સ્થાનિક સમુદાયો, કોર્પોરેટ્સ, સરકારી સંસ્થાઓ અને નાગરિકોની સહભાગીદારી દ્વારા વિવિધ પ્રકારની જળ સંરક્ષણ રચનાઓ બનાવવામાં આવે છે. સુરત જિલ્લામાં આ અભિયાન હેઠળ બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચર, રિચાર્જ પીટ, વેલ રિચાર્જ સ્ટ્રક્ચર, રૂફ ટોપ રિચાર્જ સ્ટ્રક્ચર, ચેક ડેમ, પોન્ડ રિજુવેનેશન, ગેબિયન વોલ અને પરકોલેશન પીટ્સ જેવી રચનાઓ બનાવવામાં આવી છે. અને આ કામગીરીમાં સુરત શહેર દેશમાં 10 માં ક્રમે આવે છે.
જ્યારે ગુજરાતમાં એક માત્ર સુરત શહેર દ્વારા પાણીની ટકાઉ વ્યવસ્થા માટે નોંધપાત્ર પ્રયાસો કરાયા છે. ભવિષ્યમાં, આ રચનાઓ દ્વારા વરસાદી પાણીનો વધુ સારી રીતે સંગ્રહ થશે, જે દુષ્કાળની સ્થિતિમાં પણ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત, આ પહેલ પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપે છે, જે પર્યાવરણની દૃષ્ટિએ લાંબા ગાળે ફાયદાકારક છે.
જળ સંરક્ષણના લાભો: વર્તમાન અને ભવિષ્ય
આ અભિયાનના લાભો વર્તમાનમાં અને ભવિષ્યમાં દેખાઈ રહ્યા છે. સુરત જિલ્લામાં બનાવવામાં આવેલી રચનાઓ દ્વારા ભૂગર્ભજળનું સ્તર વધ્યું છે, જે ખેતી અને ઘરેલું ઉપયોગ માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરે છે. ઉદાહરણ તરીકે, કામરેજ તાલુકાના સેવણી ગામમાં નવું બોરવેલ રિચાર્જ સ્ટ્રક્ચર અને ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામમાં એક્ઝિસ્ટિંગ વેલ રિચાર્જ સ્ટ્રક્ચર જેવા કામોએ સ્થાનિક પાણીની સમસ્યાઓને ઘટાડી છે.
ખર્ચ અને ડિઝાઇન: વ્યવહારુ અને કાર્યક્ષમ અભિગમ
આ પ્રોજેક્ટ્સમાં વિવિધ પ્રકારની રચનાઓનો ખર્ચ પણ ધ્યાનમાં લેવાયો છે. ઉદાહરણ તરીકે, એક્ઝિસ્ટિંગ બોર રિચાર્જ સ્ટ્રક્ચરનો ખર્ચ રૂ. 65,000 પ્રતિ યુનિટ, રિચાર્જ પીટ સિસ્ટમનો ખર્ચ રૂ. 5,300 થી રૂ. 8,200 પ્રતિ યુનિટ, નવું બોર રિચાર્જ સ્ટ્રક્ચર રૂ. 50,000 પ્રતિ યુનિટ, અને રૂફ ટોપ રિચાર્જ સ્ટ્રક્ચર રૂ. 25,000 પ્રતિ યુનિટ છે. આ ખર્ચ દર્શાવે છે કે આ રચનાઓ આર્થિક રીતે વ્યવહારુ છે અને નાના ગામડાઓમાં પણ અમલમાં મૂકી શકાય છે.
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આ રીતે આયોજન
સુરત જિલ્લામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ 27,592 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 4,437 કામો પૂર્ણ થયા છે અને 23,155 કામો ચાલુ છે. આ કામો મલ્ટિનેશનલ કંપનીઓ, સ્થાનિક ઔદ્યોગિક સંગઠનો, MSME યુનિટ્સ, PSU કંપનીઓ અને કો-ઓપરેટિવ બોડીઝના સહયોગથી કરવામાં આવ્યા છે. ઉપરાંત, આ પ્રોજેક્ટ્સ માટે ભંડોળના વિવિધ સ્ત્રોતો જેવા કે MGNREGA (20,000 કામો), 15મું ફાઇનાન્સ ફંડ (500 કામો), CAMPA ફંડ (7,850 કામો), અને ફોરેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (23,692 કામો) માંથી ઉપયોગ કરવામાં આવ્યો છે.
દેશના ટોપ 10 શહેરોમાં જળ સંચય
- મધ્ય પ્રદેશ પૂર્વ નિમાર 128966
- રાજસ્થાન ભીલવાડા 108360
- છત્તીસગઢ બાલોદ 101317
- તેલંગાણા અદિલબાદ 99659
- રાજસ્થાન બાડમેર 91532
- તેલંગાણા મંચેરિયલ 87419
- તેલંગાણા નાલગોંડા 86531
- તેલંગાણા વારંગલ 75721
- તેલંગાણા નિર્મલ 69140
- ગુજરાત સુરત 67086