સુરત: સુરત (Surat)માં ક્યારેય વિમાનો ઉડશે નહીં એવી મજાક ઉડાવી નિયમોને માળિયે ચઢાવી એરપોર્ટની આસપાસ આકાશને આંબતી ઊંચી ઈમારતો બનતી હતી ત્યારે આંખે પાટા બાંધી દેનારા DCGA (ડીરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)અને (surat airport authority) એએઆઈ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના જે તે સમયના અધિકારીઓની લાપરવાહીના લીધે અત્યારે 27 ઈમારતના 3000 ફ્લેટધારકો અને લાખો પેસેન્જરોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.
હવાઈ મુસાફરો (passenger)ની ચિંતા કરતી ગુજરાત હાઈકોર્ટે (Gujarat high court )ડિમોલીશન (dimolistion)ની કામગીરી ઝડપથી કરવા નિર્દેશ આપ્યા બાદ પણ એએઆઈ, ડીજીસીએ અને સંબંધિત સરકારી એજન્સીઓ એકબીજા પર ખો આપવાની ગુનાહિત રમત રમી રહ્યાં છે ત્યારે તક્ષશિલા જેવો કાંડ સુરતના આકાશ પર તોળાઈ રહ્યો હોવાનો ભય ઉભો થયો છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટને મળેલી ચોંકાવનારી માહિતી અનુસાર વર્ષ 2008 બાદ સતત 9 વર્ષ સુધી એએઆઈ દ્વારા ઓએલએસ (ઓબ્સ્ટેકલ લિમીટ સરવે) કરવામાં આવ્યો જ નહોતો. એરપોર્ટની નજીકના વિસ્તારોમાં બનતી ઈમારતોનો સતત કરાતા સરવેને ઓએલએસ કહેવામાં આવે છે. સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સરવે 2005 બાદ સીધો 2007 અને ત્યાર બાદ છેક 2016માં જ કરાયો છે.
જોકે, વિવાદ ઉભો થયો ત્યાર બાદ રાજ્ય સરકારના એવિએશન વિભાગના કેપ્ટન અજય ચૌહાણે સુરતના કલેક્ટરને પત્ર લખ્યો ત્યાર બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા 2016,2017 અને 2019 એમ 6 વર્ષમાં 3 વર્ષ કરાયો છે, જે દર્શાવે છે કે 2008થી 2016ના 9 વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ ઓથોરિટીએ બેદરકારી દાખવી છે, જેના પરિણામે અત્યારે આ વિવાદ વકર્યો છે. આ એ જ વર્ષો હતો જ્યારે સુરત એરપોર્ટ અને શહેરના વેસુ તરફના વિસ્તારનો વિકાસ ચાલી રહ્યો હતો. એરપોર્ટ પર રનવે, ટર્મિનલ સહિતના વિકાસ કાર્યો ચાલતા હતાં ત્યારે રનવે પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેટલીક ઈમારતો રનવેના ફનલને ભવિષ્યમાં અંતરાયરૂપ બનશે. શહેરના કેટલાંક જાગૃત નાગરિકો દ્વારા તે સમયના એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતું હતું ત્યારે અધિકારીઓ એમ કહીને વાતને ઉડાવી દેતાં કે સુરતમાં ક્યારેય વિમાનો ઉડવાના જ નથી અને જ્યારે ઉડશે ત્યારે નડતરરૂપ ઈમારતો તોડી પાડીશું.
હવે જ્યારે સુરત એરપોર્ટ પર માસિક 1.50 લાખ પેસેન્જરનો ટ્રાફિક નોંધાઈ રહ્યો છે ત્યારે તે જ ઈમારતો એએઆઈ, ડીજીસીએ સહિત તમામ સંબંધિત સરકારી એજન્સીઓ માટે ગળામાં ફસાયેલી ફાંસ સમાન બની ગઈ છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ અનુસાર 27 ઈમારતો નડતરરૂપ છે, જેના 3000 ફલેટમાં રહેતા હજારો રહીશોના મકાનો તોડી પાડવા પડે તેમ છે. રેલો આવતા એરપોર્ટ ઓથોરિટી અને ડીજીસીએ કોર્ટ સમસ્ત નતમસ્તક થયા છે, પરંતુ હજારો રહીશોનું હિત સચવાયેલું હોય સરકારી એજન્સીઓ હજુ પણ ડિમોલીશનની કાર્યવાહી કરવાથી બચી રહી છે. આ સમગ્ર કાર્યવાહી કરતા ક્યાંકને ક્યાંક એજન્સીઓ અટકી રહી છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે જે તે સમયે બિલ્ડરોએ તમામ મંજૂરી લીધા બાદ ઈમારતો બાંધી છે, તેના આધારે પાલિકાનું બીયુસી, વીજકંપનીએ વીજમીટરો અને બેન્કોએ લાખો-કરોડોની લોન ઈશ્યુ કરી છે.
આ નડતરરૂપ ઈમારતોમાં રહેતા રહીશોના મકાનો તોડી પાડવામાં આવે તો તેઓને વળતર ચૂકવવું પડે અને તે કોણ ચૂકવશે તે મોટો પ્રશ્ન છે. આ સમગ્ર મામલામાં કસૂરવાર કોણ છે તે શોધવા કરતાં હવે નડતરરૂપ ઈમારતમાં રહેતા રહીશો અને રોજ શહેરના આકાશ પર ઉડતા વિમાનમાં મુસાફરી કરતા લાખો મુસાફરોના જીવનું રક્ષણ કરવા નક્કર પગલાં ભરવા જોઈએ તે સમયની માંગ છે.