સુનિલ ગાવસ્કરને વિશ્વાસ : ઓસ્ટ્રેલિયામાં વિરાટ વગર પણ ભારત જીતશે

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં પહેલી ટેસ્ટ પુરી થયા પછી બાકીની ત્રણ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી મામલે ટીમના પ્રદર્શન પર પડનારી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભારતીય ટીમના માજી કેપ્ટન, મહાન બેટ્સમેન અને ગુજરાત મિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું કહેવું છે કે કોહલી વિના પણ ભારતીય ટીમ ઘણી મજબૂત છે. ગાવસ્કરે કહ્યું હતું કે જો તમે ઇતિહાસ જોશો તો ટીમ ઇન્ડિયાએ એ દરેક મેચ જીતી છે જેમાં વિરાટ નથી રમ્યો, પછી તે ઓસ્ટ્રેલિયા સામેની ધર્મશાળા ટેસ્ટ હોય કે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ કે 2018માં રમાયેલી નિદાહસ ટ્રોફી હોય.

ગાવસ્કરે એવું સ્વીકાર્યું હતું કે કોહલીની ગેરહાજરીમાં અજિંકેય રહાણે માટે ટેસ્ટમાં કેપ્ટનશિપ મોટો પડકાર બની શકે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે જો કે મને એવી આશા છે કે તે આ ભૂમિકા સુપેરે પાર પાડશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે પેટરનીટી લીવ લેવાના કોહલીના નિર્ણયની પ્રશંસા કરી હતી. જ્યારે માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગનું માનવું છે કે કોહલીની ત્રણ ટેસ્ટમાં ગેરહાજરીમાં ભારતના વિવિધ ખેલાડીઓ પ્રેશર અનુભવશે કારણકે કોહલીની બેટિંગ અને નેતૃત્વ ક્ષમતાની ખોટ સાલશે. પોન્ટીંગે કહ્યું હતું કે રહાણે કેપ્ટન તરીકેની જવાબદારી તો સંભાળશે પણ તેનાથી તેના પર વધારાનું પ્રેશર આવશે અને તેના કારણે ચોથા ક્રમે બેટિંગ કરવા કોઇ અન્ય ખેલાડી શોધવો પડશે.

Related Posts