SURAT

સુરતના વરાછાની 12 સાયન્સનો અભ્યાસ કરી ચૂકેલી યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી

સુરત: વરાછાના (Varacha) યોગી ચોકમાં રહેતી અને 12 સાયન્સનો (Science) અભ્યાસ કરી ચૂકેલી યુવતીને સ્ટોન (Stone) ચોંટાડવા બાબતે માતાએ ઠપકો આપતાં આ યુવતી ઘરેથી ભાગી ગઇ હતી અને ઝેરી દવા પીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગરના મહુવાના લોમડી ગામના વતની અને હાલ યોગી ચોકમાં આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીમાં રહેતા ઓધા માણીયા ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીકામ કરી પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્રનું ભરણપોષણ કરી રહ્યા છે. જે પૈકી પુત્રી 24 વર્ષીય પાયલ 12 સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ ઘરે જ સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામ કરી રહી હતી.

બુધવારે પાયલને સ્ટોન ચોંટાડવાની ઇચ્છા ન હોવાથી તે ઘરમાં આરામ કરી રહી હતી. જેને લઇ તેની માતાએ ઠપકો આપીને સ્ટોન ચોંટાડવાનું કહેતાં પાયલ ઘરેથી જતી રહી હતી. પાયલ ઘરે નહીં મળતાં તેના ભાઇએ ફોન કરીને પૂછપરછ કરતાં પાયલ વેલંજા રોડ ઉપર ગોપીન ગામ નજીક હોવાનું જણાવ્યું હતું. ત્યાં જઇને તપાસ કરતાં પાયલના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. પાયલને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં ઝેરી દવા પીધી હોવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આત્મહત્યા કરવા જતાં ઇસમને સરથાણા પોલીસે બચાવી લીધો
સુરત : સરથાણામાં રહેતો એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરવા જઇ રહ્યો હતો. જે અંગે પોલીસને માહિતી મળતાં પોલીસે આ યુવકને કામરેજ-આંબોલી તાપી નદીના પુલ પાસેથી પકડી પાડ્યો હતો અને આત્મહત્યા કરે તે પહેલાં જ તેને ઉગારી લીધો હતો. સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને એક મહિલાનો મોબાઇલ ફોન આવ્યો હતો અને તે મહિલાએ જણાવ્યું કે, મારા પતિ આત્મહત્યા કરવા માટે ગયા છે તેમને બચાવી લો. પોલીસે આ યુવકનો મોબાઇલ નંબર લઇ તે નંબર ટ્રેસ કર્યો હતો, જેમાં આ યુવકનું લોકેશન કામરેજના આંબોલી તાપી નદીના પુલ પાસેનું જાણવા મળ્યું હતું. સુરત સરથાણા પોલીસની એક પીસીઆર વાન તાત્કાલિક કામરેજ પહોંચી હતી. સરથાણા પોલીસે કામરેજ પોલીસની પણ મદદ લઇ આ યુવકને આત્મહત્યા કરે એ પહેલા જ બચાવી લીધો હતો અને તેને સમજાવીને પરત ઘરે મોકલ્યો હતો.

Most Popular

To Top