Dakshin Gujarat

યુ.પી.માં રહેતી પ્રેમિકાનું મોત થયાના બે દિવસ બાદ સુરતમાં રહેતા પ્રેમીનો આપઘાત

સુરત: સચિન (Sachin) જીઆઇડીસીમાં (GIDC) રહેતા અને એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતા 19 વર્ષિય યુવાને ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લીધો હતો. યુવાનની પ્રેમિકાએ બે દિવસ પહેલાં જ વતન ઉત્તર પ્રદેશમાં (UP) નિધન (Death) થતાં યુવાને તેના વિરહમાં આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના દ્વારકાપુરી મંગરોલના વતની અને ત્રણ ચાર મહિના પહેલાં જ હમવતનીઓ સાથે સચિન જીઆઇડીસી બરફ ફેક્ટરી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતો દીપેન્દ્ર સુરેશ પ્રજાપતિ (ઉં.વ.19) સચિન જીઆઇડીસીના એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ગઇકાલે મોડી સાંજે દીપેન્દ્રએ પંખા સાથે ગમછો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, ચાર બહેનના એકના એક ભાઇ દીપેન્દ્રને તેના વતનનાં એક ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીનું બે દિવસ પહેલાં જ મોત થતાં દીપેન્દ્ર હતાશામાં આવી ગયો હતો. પ્રેમિકાના મોતની જાણ થયા બાદ તેના વિરહમાં દીપેન્દ્રએ આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ સગીરાનો આપઘાત
જંબુસર: જંબુસર પંથકમાં એક સગીરાએ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોત વહાલું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ જંબુસરના એક ગામમાં ૧૫ વર્ષીય સગીરાએ ગામની સીમમાં પીલુડીના ઝાડ પર દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતાં સીમમાં લોકટોળા ઊમટી પડ્યાં હતાં. જે બાબતે જંબુસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક સગીરાના પાર્થિવ દેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Most Popular

To Top