SURAT

સુરત: ગ્રેજ્યુએટ થયા બાદ પણ નોકરી નહીં મળતા ઇચ્છાપોરના યુવાનનો આપઘાત

સુરત : ઇચ્છાપોરમાં રહેતા યુવાને બી.કોમનો (B.Com) અભ્યાસ પુર્ણ કર્યા બાદ પણ તેને નોકરી (Job) નહીં મળતા માનસિક તણાવમાં આવી જઇ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઇચ્છાપોર વિસ્તારની જયરાજ સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઇ બારોટના પુત્ર શોવેન બારોટ (ઉ.વ.21) થોડા સમય પહેલા જ બી.કોમનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. અભ્યાસ પત્યા બાદ શોવેન નોકરીની શોધમાં હતો. જોકે તેને નોકરી નહીં મળતા હતાશામાં સરી પડ્યો હતો. દરમિયાન ગઇકાલે શોવેને પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ ઇચ્છાપોર પોલીસને થતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતકના પિતા ફર્નિચરનું કામ કરતા હોવાનું તેમજ તેમને શોવેન ઉપરાંત એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

કેન્સરમાં માતાના નિધન બાદ આઘાત સહન નહીં થતા પૂણાગામના યુવાનનો આપઘાત
સુરત : પૂણાગામમાં માતાનું કેન્સરની બિમારીને કારણે નિધન થતા હતાશામાં આવી ગયેલા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મુક્તિધામ સોસાયટીમાં રહેતા લહેરસિંગ મદનસિંહ રાજપુત (ઉ.વ.23) મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન સોમવારે રાત્રિના સમયે લહેરસિંગે ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેનો ભાઇ સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં મંગળવારે બપોર બાદ લહેરસિંગનું મોત નિપજ્યું હતું. વધુમાં લહેરસિંગની માતાનું 6 મહિના પહેલા કેન્સરની બિમારીને કારણે મોત થયું હતું. લહેરસિંગ માતાની ઘણી સેવા ચાકરી કરી હતી. માતાના મોતના મોતનો આઘાત સહન નહીં કરી શક્તા લહેરસિંગે અંતિમ પગલું ભરી લીધું હતું.

ડિંડોલીના રંગારાનું ટ્રેન નીચે કપાઇ જતા મોત
સુરત : ડિંડોલી વિસ્તારમાં રહેતો અને કલર કામ કરતો યુવાન બે દિવસથી ગુમ થઇ ગયા બાદ મંગળવારે તેની નવાગામ ચેતનનગર નજીક રેલવે ટ્રેક ઉપરથી બંને પગ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી યુવકે આત્મહત્યા કરી કે અકસ્માતે મોત નિપજ્યું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડીંડોલી જુના જકાતનાકા પાસે ભરવાડની ચાલમાં રહેતા રામસિંગ ગુલપતરી નિશાદ (ઉ.વ.32) રંગારાનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. દરમિયાન બે દિવસથી રામસિંગ નિશાદ ઘરેથી કલર કામ માટે જઇ રહ્યો હોવાનું કહી નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો. પરિવારજનો દ્વારા તેની શોધ-ખોળ હાથ ધરાઇ હતી. જોકે કોઇ ભાળ મળી ન હતી. બીજી તરફ મંગળવારે સવારના સમયે નવાગામ જુના જકાતનાકા પાસે ચેતનનગરની સામેના રેલવે ટ્રેક ઉપરથી રામસિંગ નિશાદની બંને પગ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર રામસિંગે આપઘાત કર્યો કે અકસ્માતે ટ્રેન અડફેટે આવતા તેનું મોત થયું છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top