ભારત-ચીન બોર્ડર ટેન્‍શનની પાછળ ભારતીય શેરબજારમાં વધઘટ જોવા મળશે

ભારતીય શેરબજારમાં સતત બીજા સપ્‍તાહમાં તેજીનો દોર જળવાઇ રહેલો જોવા મળ્‍યો હતો, પરંતુ આગામી સપ્‍તાહમાં કોરોનાના કેસોમાં સતત થઇ રહેલી વૃદ્ધિથી વૈશ્વિક રોકાણકારોની ચિંતામાં થઇ રહેલો વધારો તેની સાથે મેક્રો ઇકોનોમી ડેટાની જાહેરાત ઉપર બજારની નજર રહેશે. ભારતીય શેરબજાર માટે ભારત-ચીન બોર્ડર વધી રહેલું ટેન્‍શન પણ રોકાણકારોને ચિંતા સતાવી રહી છે અને તેની પાછળ શેરબજારમાં વધઘટ જોવા મળી શકે છે.

વિતેલા સપ્‍તાહમાં એફઆઇઆઇની ચોખ્‍ખી ખરીદી જોવા મળી હતી, જ્‍યારે ઘરેલું સંસ્‍થાઓની વેચવાલી રહી હતી. જોકે, વિતેલા સપ્‍તાહમાં સંસ્‍થાકીય ખરીદ-વેચાણના બદલે ટ્રેડરોના હાથમાં બાજી જોવા મળી હતી અને ટ્રેડરોના જોરદાર કામકાજ જોવાયા હતા. જુલાઇસીરિઝની ધમાકેદાર તેજી સાથે શરૂઆત થઇ છે, પરંતુ આ તેજી સીરિઝના અંત સુધી ચાલુ રહેશે કે કેમ? તેની ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. જોકે, જુન સીરિઝનો શાનદાર અંત આવ્‍યો છે.

અનલોક-1 બાદ ઓટો કંપનીઓના વાહનોના વેચાણ ઉપર રોકાણકારોની નજર રહેલી છે. ખાસ કરીને ટુ વ્‍હીલર્સના વેચાણ વધવાનો આશાવાદ જોવાઇ રહયો છે. જે આગામી 1લી જુલાઇના રોજ આંકડા જાહેર થશે તેની ઉપર નજર મંડરાયેલી જોવા મળી છે. આ ઉપરાંત, એનટીપીસી, ઓએનજીસી સહિતની કંપનીઓના કવાર્ટરલી પરિણામો જાહેર થનારા છે અને પરિણામો સેકટર ઉપર અસર કરશે.

મેક્રો ઇકોનોમી ડેટામાં મેન્‍યુફેકચરીંગ પીએમઆઇ ડેટા 1લી જુલાઇએ, અને સર્વિસીસ સેકટરના પીએમઆઇ ડેટા 3જી જુલાઇએ જાહેર થનારા છે, તેની ઉપર પણ નજર રહેશે. વૈશ્વિક સ્‍તરે ચીનના એનબીએસ મેન્‍યુફેકચરીંગ પીએમઆઇ ડેટા 30મી જુન, કેક્ષીન મેન્‍યુફેકરીંગ પીએમઆઇ ડેટા 1લીજુલાઇ, યુએસના મેન્‍યુફેકચરીંગ પીએમઆઇ ડેટા 1લી જુલાઇએ, નોન ફાર્મ પેરોલ ડેટા 2જી જુલાઇએ, યુરો એરીયા બિઝનેસ કોન્‍ફીડન્‍સ ડેટા 29મી જુન અને મેન્‍યુફેકરીંગ પીએમઆઇ ડેટા 1લી જુલાઇએ જાહેર થનારા છે. આ તમામ મેક્રો ઇકોનોમી ડેટા ઉપર બજારની નજર રહેશે.

બીજી તરફ, વિશ્વભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહયો છે અને કોરોનાસક્રમિત લોકોનો આંકડો એક કરોડ પહોંચી રહયો છે અને પાંચ લાખ લોકોના મોતની નજીક છે, ત્‍યારે આ કોરોના સંક્રમણની વૃદ્ધિને અટકાવવા અનેક પ્રયાસો કરાયા છે, પરંતુ હજુય સુધી સફળતા મળી નથી, ત્‍યારે તેની આવનારા સમયમાં કેવી અસર કરે છે તે જોવાનું રહેશે. ભારતમાં કોરોનાના કેસો 1.90 લાખ છે, જ્‍યારે 15301 લોકોના મોત થયા છે.

વિતેલા સપ્‍તાહમાં ભારતીય શેરબજારમાં સેન્‍સેક્‍સ 439.54 પોઇન્‍ટ એટલે કે 1.27 ટકા વધીને 35000 પોઇન્‍ટની સપાટી કૂદાવીને 35171.27 પોઇન્‍ટના બંધ રહયા હતા. જ્‍યારે નિફટી 138.60 પોઇન્‍ટ એટલે કે 1.35 ટકા વધીને 10400ની નજીક 10383 પોઇન્‍ટના બંધ રહયા હતા. બીએસઇ મિડકેપ ઇન્‍ડેક્‍સ 454.60 પોઇન્‍ટ એટલે કે 3.55 ટકા વધીને 13258.44 પોઇન્‍ટ અને સ્‍મોલકેપ ઇન્‍ડેક્‍સ 353.17 પોઇન્‍ટ એટલે કે 2.88 ટકા વધીને 12630.28 પોઇન્‍ટના મક્કમ બંધ રહયા છે.

વિતેલા સપ્‍તાહની શરૂઆત વૈશ્વિક સંકેતોના પગલે અસ્‍થિર માહોલ વચ્‍ચે સુધારાથી શરૂઆત થઇ છે, જેમાં સેન્‍સેક્‍સ 179.59 પોઇન્‍ટ એટલે કે 0.52 ટકા વધીને 34911.32 પોઇન્‍ટ અને નિફટી 66.80 પોઇન્‍ટ એટલે કે 0.65 ટકા વધીને 10311.20 પોઇન્‍ટના બંધ રહયા હતા. બીજા દિવસે મંગળવારે વૈશ્વિક સારા સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં સેન્‍સેક્‍સ 519.11 પોઇન્‍ટ એટલે કે 1.49 ટકા ઉછળીને35430.43 પોઇન્‍ટ અને નિફટી 159.80 પોઇન્‍ટ એટલે કે 1.55 ટકા વધીને 10471 પોઇન્‍ટના બંધ રહયા હતા.

બુધવારે વિશ્વભરમાં કોરોના કહેર વધ્‍યો હતો, જેમાં અમેરિકામાં કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવતા અમેરિકન બજારો સંકોચાયા હતા, જેની પાછળ સેન્‍સેકસ 561.45 પોઇન્‍ટ એટલે કે 1.58 ટકા ઘટીને 34868.98 પોઇન્‍ટ અને નિફટી 165.70 પોઇન્‍ટ એટલે કે 1.58 ટકા ઘટીને 10305.30 પોઇન્‍ટના નરમ બંધ રહયા હતા.

ગુરૂવારે જુન સીરિઝનો અંતિમ દિવસ હોવાથી તોફાની વધઘટ જોવા મળી હતી અને બેઉતરફી વધઘટથી સેન્‍સેક્‍સ-નિફટી નજીવા ઘટાડા સાથે બંધ રહયા હતા. જેમાં સેન્‍સેક્‍સ 26.88 પોઇન્‍ટ એટલે કે 0.08 ટકા ઘટીને 34842.10 પોઇન્‍ટ અને નિફટી 16.4 પોઇન્‍ટ એટલે કે 0.16 ટકા ઘટીને 10288.90 પોઇન્‍ટના નરમ બંધ રહયા હતા. જ્‍યારે શુક્રવારે જુલાઇ સીરિઝનો પ્રારંભ થયો હતો અને નવેસરથી ખરીદી નીકળતા સેન્‍સેક્‍સ 329.17 પોઇન્‍ટ એટલે કે 0.94 ટકા વધીને 35171.27 પોઇન્‍ટ અને નિફટી 94.10 પોઇન્‍ટ એટલે કે 0.91 ટકા વધીને 10383 પોઇન્‍ટના બંધ રહયા હતા.

વિતેલા સપ્‍તાહમાં લાર્સનને વિવિધ કોન્‍ટ્રાક્‍ટના ઓર્ડર મળ્‍યાના અહેવાલના પગલે 7.22 ટકા ઉછળ્‍યો હતો. એશિયન પેઇન્‍ટસમાં 4.43 ટકા, આઇઓસી 4.52 ટકા, પાવરગ્રીડ 4.55 ટકા ઉછળ્‍યા હતા. વિતેલા સપ્‍તાહમાંસરકારી કંપનીઓમાં આકર્ષણ જોવાયું હતું. જોકે, કોરોનાના કહેરના પગલે ફાર્મા શેરોમાં ચાલી રહેલી તેજી બાદ વિતેલા સપ્‍તાહમાં મિશ્ર વલણ જોવાયું હતું.

Related Posts