Gujarat

આજથી રાજ્યવ્યાપી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ

ગાંધીનગર : ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આજથી એક મહિના લાંબી ‘હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. ૧ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ચાલનારી આ ઝુંબેશ અંતર્ગત દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આ ડ્રાઇવની સૌથી મહત્વની બાબત એ છે કે હવે માત્ર વાહન ચાલક જ નહીં, પરંતુ પાછળ બેસનાર વ્યક્તિ (પિલિયન રાઇડર) માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૨૯ મુજબ, જો ચાલક કે પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ વગર ઝડપાશે, તો ટ્રાફિક નિયમો મુજબ સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે અથવા ઈ-ચલણ ફાડવામાં આવશે.

પોલીસ તંત્ર આ વખતે ‘ચેરિટી બિગીન્સ એટ હોમ’ના સૂત્રને સાર્થક કરતા સામાન્ય જનતા પહેલા સરકારી કર્મચારીઓ પર લાલ આંખ કરી છે. આ આદેશ મુજબ, રાજ્યની તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજા પર જ ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને જો કોઈ પણ અધિકારી કે કર્મચારી હેલ્મેટ વગર પકડાશે તો તેમની સામે સ્થળ પર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ અભિયાન માટે સુરત શહેરમાં હેલ્મેટ નિયમના સફળ અમલીકરણના મોડેલને આખા રાજ્યમાં લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં સઘન ચેકિંગ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર જેવા મેટ્રો શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઠેર-ઠેર પોઈન્ટ્સ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ વડાની સૂચના મુજબ, દરરોજ નોંધાયેલા કેસોની વિગતો સવારે ૮ વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે.

સ્પેશિયલ ડ્રાઇવના પ્રથમ દિવસે જ કેટલીક જગ્યાએ પોલીસની સુસ્તી અને કર્મચારીઓની બેદરકારીને કારણે નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગાંધીનગરમાં સચિવાલય બહાર પ્રથમ દિવસે કોઈ મોટી ડ્રાઇવ જોવા મળી ન હતી અને પોલીસ તંત્ર ઉંઘતું ઝડપાયું હતું, જ્યારે અમદાવાદના લાલ દરવાજા સ્થિત બહુમાળી ભવનમાં અનેક સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર બિન્દાસ્ત અવરજવર કરતા જોવા મળ્યા હતા. તેવી જ રીતે, રાજકોટમાં પણ પોલીસ કમિશનર કચેરી ખાતે કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા કેમેરે કેદ થયા હતા. જોકે, પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગરમીના બહાના હેઠળ હેલ્મેટ ટાળનારાઓ સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને સમગ્ર મે મહિના દરમિયાન ગુજરાતના રસ્તાઓ પર પોલીસની બાજ નજર રહેશે.

સીનીયર પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ અભિયાન કે ઝુંબેશનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. ગરમીના દિવસોમાં હેલ્મેટ ન પહેરવાની માનસિકતા સામે કડક વલણ અપનાવવામાં આવશે. દરરોજ નોંધાયેલા કેસોની માહિતી મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે.તેમ છતાં, સમગ્ર મે મહિના દરમિયાન પોલીસ એક્શન મોડમાં રહેશે અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરશે. હવે જોવાનું રહેશે કે આ ઝુંબેશથી લોકોમાં કેટલું જાગરણ આવે છે અને માર્ગ અકસ્માતોમાં કેટલો ઘટાડો થાય છે.

તાજેતરમાં સુરત શહેરમાં હેલ્મેટ નિયમના સફળ અમલને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં આ મોડલ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે “સુરક્ષા પહેલા” અને નિયમનો અમલ સૌએ કરવો જ પડશે.

Most Popular

To Top