મહિલા દિને રાજ્યની મહિલાની સશક્તિકરણની ગાથા…

8 માર્ચ વિશ્વભરમાં ‘વુમન્સ ડે’ તરીકે ઉજવાય છે અને આ વર્ષે ‘વુમન્સ ડે’ની થિમ ‘ચુઝ ટુ ચેલેન્જ’ રાખવામાં આવી છે. ‘ચુઝ ટુ ચેલેન્જ’નો અર્થ જે અભિપ્રેરિત કરવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે સમાનતા અને જેન્ડર બાયસને પડકારનો છે. આ થિમમાં જે અન્ય બાબત સમાવિષ્ટ છે તે મહિલા રોજબરોજના તેમના વિચારો અને પ્રવૃત્તિ માટે પોતાને જવાબદેહ ગણશે.

સમાનતાની આ લડત મહિલાઓના અસ્તિત્વકાળથી ચાલી આવી છે અને આજના આધુનિક યુગમાં પણ તે લડત જારી છે. આવી લડતનાં નાનાં-મોટાં મોડલ વિશ્વભરમાં જડી આવશે અને તેનાથી નિશ્ચિત ક્ષેત્ર, વર્ગની મહિલાઓએ પોતે સ્વનિર્ભર થઈને સમાનતા હાંસલ પણ કરી છે. ગુજરાતમાં મહિલાઓને સશક્ત કરવાનું કાર્ય છેલ્લા પાંચ દાયકાથી ‘સેવા’[સેલ્ફ એમ્પ્લોયડ્ વીમેન્સ એસોસિયેશન] સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. ‘સેવા’ સંસ્થાની શરૂઆત 1972માં નાનકડી એક પહેલથી થઈ હતી અને તેનો આરંભ કરનાર ઇલા ભટ્ટ હતાં. આજે આ સંસ્થા મહિલાના ઉત્કર્ષ માટે વિશ્વભરમાં મોડલ બની ચૂકી છે. મહિલાઓને કેન્દ્રમાં રાખીને તેમને લગતાં અલગ-અલગ પાસાંમાં કેવી રીતે કાર્ય થઈ શકે તે માટે ‘સેવા’ એક અદ્વિતીય મોડલ બનીને ઊભરી છે. આજે વટવૃક્ષ બનેલી આ ‘સેવા’ પ્રવૃત્તિનો આરંભ કેવી રીતે થયો હતો તેની ઇલા ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં!’નામના પુસ્તકમાં કથા આલેખાયેલી છે. મહિલા દિને આપણા જ રાજ્યની મહિલાઓની સમાનતાની સફરની આ ગાથા વાંચવા જેવી છે.

કોઈ પણ કથા આલેખાય ત્યારે તેના આરંભબિંદુ સુધી જવું રહ્યું અને તે રીતે ઇલાબહેન પોતાના કોલેજકાળના દિવસોને વાગોળે છે અને લખે છે : “બહારના જગત પરત્વે મારી આંખો નાખી રમેશે. એ વર્ષ 1949નું. હું યુનિવર્સિટીની એક શરમાળ અભ્યાસરત વિદ્યાર્થિની. રમેશ નિર્ભીક, આકર્ષક, વિદ્યાર્થીનેતા અને યુથ કોંગ્રેસના સક્રિય સભ્ય. દૂર રહ્યે રહ્યે હું એમની પ્રશંસા કરતી. સ્વતંત્રતા પછી ભારતની પહેલી વસતીગણતરી માટે 1951માં રમેશ ઝૂંપડપટ્ટીના પરિવારોની પ્રારંભિક માહિતી એકઠી કરી રહ્યા હતા. આ કામ માટે એમણે જ્યારે મારો સાથ માંગ્યો ત્યારે હું જરા સંકોચ સાથે તૈયાર થયેલી. મને ખબર હતી કે મારાં માતા-પિતાને પોતાની દીકરી ‘જેના કુટુંબ વિશે કશી માહિતી ન હોય તેવા જુવાન સાથે ગંદા વિસ્તારોમાં રખડે’ તે ગમે નહીં.’’ રમેશ પછીથી ઇલાબહેનના જીવનસાથી બન્યા. રમેશ ભટ્ટ દ્વારા જ ઇલાબહેનને એવી દુનિયાનો પરિચય થયો, જે દુનિયા નવાસવા આઝાદ થયેલા દેશમાં સર્વવ્યાપી હતી.

આગળ તેઓ પોતે કેવા પરિવારમાંથી આવતાં હતાં તેની વાત લખે છે : “મારા બાપુજી એક સફળ વકીલ હતા. એમની વકીલાત ધમધોકાર ચાલતી, સમાજમાં એમનું સ્થાન મોખરાનું. મારી મા વધારે પ્રગતિશીલ, એના પિતા સ્વાતંત્ર્યસેનાની, ગાંધીજી સાથે દાંડીકૂચમાં ય જોડાયેલાં. આમ છતાં દીકરીઓ સંદર્ભે – મારી નાની બહેન રૂપાની અને મારી બાબતે – એ કંઈક રૂઢિગ્રસ્ત ખરી. અમને પોતાની છત્રછાયામાં રાખ્યા કરવાનું એનું વલણ જણાય” જે દુનિયામાં આજીવન કામ કરીને ઇલાબહેન આજે રૉમેન મૅગ્સેસેય એવોર્ડ, રાઇટ લાઇલીહુડ એવોર્ડ અને પદ્મભૂષણ જેવાં સન્માન મેળવી ચૂક્યાં છે, તે દુનિયાથી તેઓ કેટલાં દૂર હતાં, તે માટે તેઓ પોતાના પરિવારની પૃષ્ઠભૂમિ આપે છે અને આમાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યાં તે અંગે તેઓ લખે છે : “સુરતમાં અમે જ્યાં રહેતાં ત્યાંથી મનાપળિયાની ઝૂંપડપટ્ટી ખાસ દૂર નહોતી, આમ છતાં એ જાણે સાવા બીજી જ દુનિયા હોય એવું. ત્યાંની હવામાં માછલીની અને મળમૂત્રની દુર્ગંધ આવે. એક જ ઓરડીનાં એ રહેઠાણોમાં ફર્શ લીંપેલી હોય, એક પણ બારી ન હોય, છાપરાંની જગ્યાએ પતરાના ટુકડાઓ દેખાય અને અલાયદી જગ્યા ઊભી કરવા માટે કંતાનના પડદા. વાડાની જરાક અમથી જગ્યાનો ઉપયોગ ન્હાવાધોવા માટે અને કુદરતી હાજત પતાવવા માટે થાય. ગંદું પાણી નીકમાં વહીને પપૈયાં કે કેના જેવા છોડને પહોંચે. એમાંથી જે કંઈ મળે તે બજારમાં વેચવા ખપ લાગે. જ્યાં નજર પડે ત્યાં સર્વત્ર મચ્છર અને માખીઓનું સામ્રાજ્ય”

“…રમેશ આ વાતાવરણમાં સરળતાથી ભળી જતા. ઝૂંપડાવાસીઓ સાથે મજાક-ગમ્મત કરતા એમને ચીડવતા અને એમ વાતો કરતાં કરતાં પોતાને જરૂરી માહિતી ભેગી કરી લેતા, બિલકુલ પંચાતિયા પાડોશીની જેમ જ! મેં આ પહેલાં, આવું જીવન, આ રીતે નજીકથી દીઠેલું નહીં અને હું જરા અજંપ બની જતી. મારા કોચલામાંથી બહાર આવવાની અશક્તિને કારણે હું હતાશા અનુભવતી હતી. મારી જાત મને જરા પાંગળી લાગી અને હું સક્રિય થઈ ન શકી. આમ છતાં બાકીની અડધી દુનિયા કેવી રીતે જીવે છે એ જાણવાનો આ અનુભવ મુક્તિદાયી નીવડ્યો અને એની મારા પર ઊંડી છાપ પડી.”

દેશની બહુલક આવી પરિસ્થિતિ ધરાવનારા સાથે ઇલાબહેનનો આ પહેલોવહેલો પરિચય અને એ પછી પણ આ પરિચયને વધુ ઘનિષ્ઠ બનવા સુધીની સફરમાં રમેશ ભટ્ટની સહાય કેવી રીતે રહી તે આગળ ઇલાબહેન વર્ણવે છે. જો કે પછી જ્યારે 1955માં તેમનો કાયદાનો અભ્યાસ પૂરો થયો ત્યારે તેમની સામે ટેક્ષટાઈલ લેબર એસોસિયેશનના કાયદાકીય વિભાગમાં જુનિયર વકીલનું કામ સંભાળવાનો પ્રસ્તાવ મુકાયો અને એ રીતે પછીથી અમદાવાદની મજૂર મહાજન નામે ઓળખાતી આ સંસ્થા ઇલાબહેનની માતૃસંસ્થા બની. ઇલાબહેન લખે છે તેમ આ સંસ્થાની સ્થાપના 1920માં ગાંધીજી અને અનસૂયાબહેન સારાભાઈ દ્વારા થઈ હતી. સંસ્થા મજૂરોના વિવાદાસ્પદ મુદ્દાઓના નિરાકરણ સંદર્ભે પોતાના વિશિષ્ટ અભિગમ માટે જાણીતી હતી.

લાબહેન જ્યારે મજૂર મહાજન સાથે જોડાયાં ત્યારે તે ભારતનું સૌથી સશક્ત સંગઠનોમાં એક ગણાતું. કોંગ્રેસ પક્ષ અને એની સરકાર સાથે પણ આ સંગઠનનું રાજકીય જોડાણ હતું.
મજૂર મહાજનના મજબૂત સંગઠનમાં ઇલાબહેન આરંભમાં કામ કર્યું અને પછીથી જ્યારે અમદાવાદનો મિલઉદ્યોગ પડી ભાંગ્યો ત્યારે તેમણે જોયું કે મિલ કામદારોના પરિવારોની જવાબદારી સ્ત્રીઓ પર આવી પડી. પુરુષવર્ગ મિલ ફરી ચાલુ થાય તેના આંદોલનમાં રોકાયા હતા ત્યારે પરિવારની મહિલાઓએ આર્થિક મોરચો સંભાળવો પડ્યો હતો. આ સ્થિતિને જોઈને ઇલાબહેનની બેચેની વધી. આ બેચેની વચ્ચે તેઓને શ્રમશ્રેત્રે અને સહકારી મંડળીઓના અભ્યાસ અને તાલીમ અર્થે ઇઝરાયેલ જવાનું બન્યું. ઇઝરાયેલમાં રહીને ઇલાબહેને કામદાર સંઘ અને સહકારી મંડળીઓને સુમેળથી કામ કરતા જોયા.

આ અનુભવ મેળવીને જ્યારે ઇલાબહેન પાછાં ફર્યાં ત્યારે તેઓ ફરી મજૂર મહાજન સંઘમાં પરોવાયાં. સ્ત્રીઓ માટે કશુંક નક્કર કરવાનો તેઓ નિર્ધાર કરી ચૂક્યાં હતાં. તેઓ લખે છે : “આ પ્રક્રિયા દરમિયાન એક સાદું સત્ય મને લાધ્યું કે યુનિયન એટલે એકત્ર થવું, ભેગાં થવું અને માત્ર કોઈની સામે થવા માટે સ્ત્રીઓએ એકઠાં થવાનું નહોતું. એમણે તો પોતાના માટે, પોતાના જ હિતમાં સંગઠિત થવાનું હતું. સંગઠન દ્વારા એમણે કામદારો તરીકેની પોતાની ઓળખ સ્થાપવાની હતી. ….મારી દૃષ્ટિએ તો આ સ્ત્રીઓ પોતાનો રોજગાર મેળવતી સ્વાશ્રયી બહેનો હતી. એ જે વિવિધ ક્ષેત્રોમાંથી આજીવિકા રળતી હતી તે એમને પરંપરાગત કે વારસાગત વ્યાવસાયિક આવડતમાંથી પ્રાપ્ત થતી હતી. બદલાતા સમય અને પલટાતી જરૂરિયાત મુજબ એમાં ફેરફાર થતા રહ્યા. …એમને માત્ર સમાજ અને સરકારના ટેકાની જરૂર હતી. પણ આ બધું તો ક્રમશઃ સ્પષ્ટ થયું. 1972ના એપ્રિલમાં જ્યારે સેવાની સ્થાપાના થઈ ત્યારે તો મને તમામ સંજ્ઞાઓનો ધૂંધળો ખ્યાલ જ હતો.”

સેવાનો આ પાયો નંખાયો અને પછી તો તેના સંલગ્ન એક પછી એક ગરીબ સ્વાશ્રયી બહેનોની કહાની તેના ખાતે લખાતી ગઈ. આજે સેવા મહિલા માટેનું એક બહોળું સંગઠન બન્યું છે અને તેની શરૂઆત થઈ ત્યારે તેની સભ્યસંખ્યા 4,900ની આસપાસ હતી. 2013 સુધી તેની સાથે જોડાયેલી બહેનોની સંખ્યા વીસ લાખ સુધી પહોંચી છે. સેવા પાસે શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને લગભગ 90 જેટલાં સહકારી એકમો છે. ફેરિયાઓ, દાયણો, કચરો વીણનારાં અને વણાટકામ કરનારાં, એમ વિવિધ વ્યવસાયોની સહકારી મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે. સૌથી અગત્યનું કે સેવા દ્વારા મહિલાઓ માટે અલાયદી બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે રાજ્ય-દેશની અનેક બહેનો સેવા બેન્ક દ્વારા પોતાના જીવનની મૂડી એકઠી કરે છે ને જરૂર પડ્યે આ બેન્ક તેમને ઓછા વ્યાજે લોનો પૂરી પાડે છે. સેવાની આ પ્રવૃત્તિ આજે ખૂબ વિસ્તરી ચૂકી છે અને તેની ખ્યાતિ વિશ્વ સુધી પહોંચી છે.

આજે અનેક માધ્યમોથી સૌ કોઈ કનેક્ટ હોવા છતાં આવું સંગઠન રચવાનું કોઈ વિચારી સુદ્ધાં શકતું નથી, જ્યારે આપણી સામે સેવાનું આ મોડલ રૂબરૂ મુલાકાતો દ્વારા રચાયું છે અને તે પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યું છે.

Related Posts