સુરતમાં અકસ્માતની વધુ એક ઘટના બની છે. સુરત મનપાની કચરા ગાડીએ રાજ્ય કક્ષાની ખેલાડીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું છે. પાલિકાની કચરા ગાડી ચલાવતા ડ્રાઈવર પાસે પાક્કું લાયસન્સ પણ નહોતું. પાલિકાની એજન્સીઓ દ્વારા જ નિયમોનું પાલન થતું નહીં હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 30 ઓગસ્ટને શનિવારની સવારે પનાસ વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ એક 20 વર્ષીય સ્ટેટ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારી હતી. એટલી જોરમાં ટક્કર મારી હતી કે વિધિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના બની ત્યારે વિધિ મોપેડ પર જીમ જઈ રહી હતી.
આ મામલે ખટોદરા પોલીસે કચરા ગાડીના ડ્રાઈવર ગિરીશ અડ્ડ (ઉં.વ.22)ની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે ડ્રાઈવર પાસે પાક્કું ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું. તે લર્નિંગ લાયસન્સ પર મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો.
વિધિને અનેક એવોર્ડ મેળવ્યા છે
શહેરના પનાસ ગામમાં રહેતી વિધિ કદમ મૂળ મહારાષ્ટ્રની છે. પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. પિતા સંતોષભાઈ ટેલર છે. મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવે છે. વિધિ બી.કોમ.ના બીજા વર્ષમાં ભણતી હતી અને સ્ટેટ લેવલ રનિંગની કોમ્પ્ટિશનોમાં ભાગ લેતી હતી. વિધિએ અનેક એવોર્ડ મેળવ્યા છે. હાલ તે અભ્યાસની સાથે ભટાર ખાતે જીમમાં ટ્રેનર તરીકે કામ કરતી અને પ્રેક્ટિસ પણ કરતી હતી.
ઘટના કેવી રીતે બની?
આજે તા. 30 ઓગસ્ટને શનિવારની સવારે વિધિ ઘરેથી મોપેડ પર ભટારમાં જીમ જઈ રહી હતી ત્યારે ઘર નજીક પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી ફૂલસ્પીડમાં આવતી પાલિકાની કચરા ગાડીએ ટક્કર મારી હતી. વિધિ રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું.