Vadodara

SSG હોસ્પિટલમાંથી ફરાર થયેલો ગુજસીટોકનો આરોપી મોહસીન મીંડી ફરી ઝડપાયો

બાથરૂમ જવાના બહાને પોલીસ જાપ્તામાંથી છટક્યો હતો, : બેદરકારી બદલ ચાર પોલીસ કર્મચારીઓ ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ શરૂ

વડોદરા તા.11

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા ગુજસીટોકના આરોપી મોહસીન ઉર્ફે શેખ મીંડીને ફરી ઝડપી લેવામાં આવ્યો છે. બેડ સાથે હથકડી બાંધેલી હોવા છતાં આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ જતાં પોલીસ બંદોબસ્ત સામે સવાલો ઊભા થયા હતા. જોકે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, રેલવે એલસીબી અને ગોધરા જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી આરોપીને ફરી ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં ફરજમાં બેદરકારી બદલ ચાર પોલીસ કર્મચારીઓ ફરજ મોકુફ કરી તેમની સામે ગુનો નોંધી ખાતાકીય તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકના આરોપી મોહસીન મીંડીના ફરાર થવાના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે એસપી અભય સોનીએ આપેલી માહિતી મુજબ, આરોપી સામે લૂંટ, સ્નેચિંગ અને ચોરી સહિતના આશરે 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ ગોધરા પોલીસ સ્ટેશન દ્વારા તેને પકડીને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની દેખરેખ માટે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
આરોપીને બેડ સાથે હથકડી બાંધવામાં આવી હોવા છતાં તે બાથરૂમ જવાના બહાને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપીનું હોસ્પિટલમાંથી જાપ્તામાંથી છટકી જવું પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચાનો વિષય બન્યું હતું. ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, રેલવે એલસીબી અને ગોધરા જિલ્લા પોલીસની સંયુક્ત કામગીરીથી ફરાર આરોપીને ફરી ઝડપી લેવામાં આવ્યો છે. બીજી તરફ, આ ઘટનામાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ ચાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આરોપીની સુરક્ષા માટે પોલીસ જાપ્તો હોવા છતાં તે ફરાર થઈ જતાં જાપ્તાની વ્યવસ્થા અને પોલીસ કર્મચારીઓની જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે આરોપી ફરી ઝડપાઈ જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે ફરજમાં બેદરકારી દાખવનાર ચાર પોલીસ કર્મચારીને ફરજ મોકુફ કરી તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.

Most Popular

To Top