પાંગોંગ લેકની દક્ષિણે ભારતીય સૈન્યે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે

ગલવાન ખીણમાં ભારતીય સૈન્યને હાથે માર ખાધા પછી પણ ચીનના લશ્કરની સાન ઠેકાણે આવી હોય તેમ લાગતું નથી. ચીને લાગ જોઈને પાંગોંગ લેકની ઉત્તર બાજુએ ભારતની કેટલીક જમીનો પર કબજો કરી લીધો હતો. આ વિવાદનો હલ કાઢવા માટે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે મંત્રણાઓ ચાલી રહી હતી ત્યાં ચીનના સૈન્યે પાંગોંગ લેકની દક્ષિણ બાજુએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સજાગ ભારતીય સૈન્યના ધ્યાનમાં આ વાત આવી જતાં તેઓ ચીન તરફ આગેકૂચ કરી ગયા હતા અને તેમણે દક્ષિણ દિશામાં આવેલા કેટલાક પહાડો પર પોતાનો કબજો જમાવી દીધો છે. તેને કારણે પાંગોંગ લેકની દક્ષિણે ઘુસણખોરી કરવાનો ચીનનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. દક્ષિણ દિશાના પહાડો ઉપર ચીનના લશ્કર દ્વારા કેટલાક સંદેશાનાં સાધનો પણ ગોઠવવામાં આવ્યાં હતાં તેને ભારતીય લશ્કરે ખતમ કર્યાં છે. ચીનના વિદેશ મંત્રી વાંગ લિએ નફ્ફટાઇથી જાહેર કર્યું છે કે ભારત-ચીન વચ્ચેની સરહદ નક્કી કરવામાં ન આવી હોવાથી આવા વિવાદો થતા રહેશે.

ગલવાન ખીણમાં ચીને ઘુસણખોરી કરી તેને કારણે તા. ૧૫ જૂનના ભારત અને ચીનના લશ્કર વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તેમાં ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા હતા, જેનો આંકડો ચીન દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. ગલવાન વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે વાટાઘાટો ચાલી હતી, જેમાં બંને પક્ષે પોતાની જગ્યાથી બે કિલોમીટર અંદર હટવાનું નક્કી કર્યું હતું; જેથી સશસ્ત્ર સંઘર્ષ ટાળી શકાય. આ સમજૂતીનો ભંગ કરીને ચીનના લશ્કરે તા. ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ રાતના અંધારાનો લાભ લઈને પાંગોંગ ત્સો લેકના દક્ષિણ ભાગ તરફ આગળ વધવાની કોશિષ કરી હતી. ભારતીય સૈન્યને આ વાતની જાણ થતાં તેઓ લાઇન ઓફ કન્ટ્રોલ તરફ આગળ વધ્યા હતા. હવે તેમણે લેકની દક્ષિણે આવેલા પહાડો પર કબજો જમાવી દીધો છે. ચીની સૈન્ય હવે ભારતીય સૈન્યની ફાયરિંગ રેન્જમાં આવી ગયું છે.

લડાખના મોરચે ભારતની પરિસ્થિતિ કાયમ સંરક્ષણાત્મક રહી હતી. ગલવાન ખીણમાં ચીની સૈન્ય ભારતીય સીમામાં ઘૂસી ગયું તે પછી ભારતે પોતાની જમીન મુક્ત કરાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. સોમવારની ઘટનાઓ દર્શાવે છે કે ભારતના મિજાજમાં પરિવર્તન આવ્યું છે. ચીની લશ્કર ભારતના ઇલાકા પર કબજો જમાવવાની કોશિષ કરતું હતું તેની બાતમી મળતાં જ ભારતીય સૈન્ય સતર્ક થઈ ગયું હતું. ચીનનું લશ્કર બફર ઝોનમાં પ્રવેશ કરે તે પહેલાં જ ભારતીય લશ્કરે બ્લેક ટોપ તરીકે ઓળખાતા પહાડો પર કબજો જમાવી દીધો હતો. વ્યૂહાત્મક રીતે આ વિસ્તારમાં ભારતીય સૈન્યની પરિસ્થિતિ મજબૂત બની ગઈ છે. આ કારણે પૂર્વ લડાખમાં નવો મોરચો ખોલવાની ચીનની યોજના ધૂળમાં મળી ગઈ છે. જો કે હવે ભારતનું અને ચીનનું લશ્કર સામસામે ખડકાઈ ગયું હોવાથી જરાક પણ છેડછાડ થાય તો સશસ્ત્ર અથડામણ થવાની સંભાવના વધી ગઈ છે.

ચીને ભારતની જમીન પર ઘુસણખોરી કરી ત્યારથી તે મંત્રણાઓ દરમિયાન યુદ્ધની પરિસ્થિતિને હળવી બનાવવાની અને સૈન્યને પાછું ખેંચી લેવાની વાતો કરી રહ્યું છે; પણ જમીન પર તેનું વર્તન અલગ જ છે. ચીનની કહેણી અને કથની વચ્ચે મોટો ગેપ જોવા મળે છે. ચીનનાં નિવેદનો સરહદ વિવાદનો શાંતિપૂર્ણ હલ કાઢવાનાં છે, પણ તેની પ્રવૃત્તિ ભારતની જમીન દબાવવાની છે. ચીન પોતાના સૈન્યને તેની પરિસ્થિતિથી જરાક પાછળ હટાવવા તૈયાર થયું ત્યારે ભારતને આશા બંધાઇ હતી કે તે લશ્કરની જમાવટ ઘટાડીને સરહદ પર તાણ ઓછી કરવામાં મદદ કરશે. તેને બદલે ચીને લશ્કરની જમાવટ કાયમ રાખીને તક મળે ભારતની જમીનમાં ઘુસણખોરી કરવાની નીતિ ચાલુ રાખી છે.

ભારત અને ચીન વચ્ચે લશ્કરી સ્તર પર થયેલી મંત્રણાને પરિણામે ચીની લશ્કર ગલવાન ખીણમાંથી હટવા તૈયાર થયું હતું; પણ પાંગોંગ ત્સો લેકની ઉત્તર દિશાએ તે જરાક જ પાછું હટ્યું હતું. ભારતને મંત્રણામાં વ્યસ્ત રાખીને તેણે ઉત્તર દિશામાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી કાઢી હતી. ઉત્તર દિશામાં તાણેલા તંબુઓ વડે શિયાળો ગાળવાની તૈયારી પણ તેણે કરી રાખી છે. પાંગોંગ ત્સો લેકની ઉત્તર દિશામાં ચીનના લશ્કરને પાછું ખેંચવા બાબતમાં જે કોઈ મંત્રણાઓ થતી હતી તેમાં ચીનના અફસરોનું વલણ દિનપ્રતિદિન અક્ક્ડ બનતું જતું હતું. તેમનો સૂર ભારતના સૈન્યને પડકારવાનો રહેતો હતો. ચીનના લશ્કરે જ્યારે ભારતના લશ્કરે પણ પીછેહઠ કરવી તેવો આગ્રહ પકડી રાખ્યો ત્યારે મંત્રણાઓ પડી ભાંગી હતી. હવે લડાખના મોરચે સન્નાટો વ્યાપી ગયો છે. ભારતીય સૈન્યે દક્ષિણ પાંગોંગ ત્સો લેકમાં આક્રમક વલણ દેખાડ્યું તે પછી ચીન તેનો બદલો પણ લઈ શકે છે.

ચીનના લશ્કરે ભારતની જમીન પર ઘૂસવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો તે પછી મંગળવારે ચુશુલમાં ચીનના અને ભારતના કમાન્ડરો વચ્ચે વાટાઘાટો થઈ હતી. ભારતે ચીન પર આક્ષેપ કર્યો હતો કે તેણે પાંગોંગ ત્સો લેકની દક્ષિણ દિશામાં ઘુસણખોરી કરીને સ્ટેટસ ક્વો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચીને ઇનકાર કર્યો હતો કે તેના તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી નથી. નવી દિલ્હીમાં ચીનના પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે ભારતીય સૈન્યે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગવાની કોશિષ કરી હતી. ભારતીય સૈન્ય કહે છે કે તેમણે લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગી નથી, પણ પોતાની જમીનનું રક્ષણ કરવા આગેકૂચ કરી છે. લડાખ સરહદે તંગદિલી વધી જતાં નવી દિલ્હીમાં પણ સળવળાટ વધી ગયો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે મંત્રણા કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે. જો ભારતીય લશ્કરે આક્રમક વલણ દર્શાવ્યું તેના જવાબમાં ચીન દ્વારા કોઈ હરકત કરવામાં આવે તો ભારતીય સૈન્ય જવાબ આપવા તૈયાર છે.

ભારતના લશ્કરે લડાખ સરહદે ચીન દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ રોકી કાઢ્યો તેના ઉગ્ર પ્રત્યાઘાતો ચીનમાં પણ પડ્યા છે. ચીની સરકારના વાજિંત્ર જેવા દૈનિક ગ્લોબલ ટાઇમ્સમાં તંત્રીલેખ લખીને ભારતને ચેતવણી આપવામાં આવી છે કે જો યુદ્ધ થશે તો ભારતની હાલત ૧૯૬૨ કરતાં પણ ખરાબ થશે. ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ચીનમાં કથિત સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનના ૯૦ ટકા લોકો ભારત સાથે યુદ્ધ કરવાની તરફેણમાં છે. જો કે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગાઉથી ચીનને જવાબ આપ્યો હતો કે ૧૯૬૨ ના ભારતમાં અને હાલના ભારતમાં ફરક છે. જો ચીન સરહદ પર કોઈ પણ હરકત કરે તો ભારત જવાબ આપવા સક્ષમ છે. ચીન દાવો કરે છે કે તેઓ કોઇને છેડવામાં માનતા નથી; પણ હકીકતમાં તેઓ છેડ્યા વિના રહેતા નથી.

ભારત-ચીન સરહદે જે પરિસ્થિતિ હતી તેમાં ત્રણ મહિનામાં ઘણું પરિવર્તન આવ્યું છે. ગયા મે મહિનામાં ચીની લશ્કર ગલવાન ખીણ વગેરે ભારતીય પ્રદેશોમાં ઘૂસી ગયું ત્યારે ભારતીય લશ્કર ઊંઘતું ઝડપાયું હતું. ચીની સૈન્યને ભારતની ભૂમિ પરથી ખદેડવા માટે ભારતે રાજનૈતિક કસરત ઉપરાંત લશ્કરી પગલું પણ ભરવું પડ્યું હતું. 

આ વખતે ચીની સૈન્યે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો તેને નાકામ બનાવવામાં આવ્યો છે અને ભારતીય સૈન્યે પોતાની પરિસ્થિતિ મજબૂત બનાવી છે. હવે પાંગોંગ ત્સો લેકના ઉત્તર ભાગમાં ચીને જે કબજો જમાવ્યો છે, તેને હટાવવાનું બાકી છે. ભારતે  લશ્કરી પગલું ભરવાની તૈયારી કરી રાખી છે, પણ તેનો પ્રયાસ વાટાઘાટોથી સમસ્યા સુલઝાવવાનો છે.

         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts