સુરતઃ જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે. પરંતુ મૃત્યુનો સ્વીકાર કરવો સહેલો નથી. જ્યારે પરિવારના કોઈ સભ્ય કે નજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરિવારજનો તે આઘાત સહન કરી શકતા નથી. પરંતુ સુરતમાં કંઈક અલગ દ્રશ્ય જોવા મળ્યું. સુરતમાં વયોવૃદ્ધ માતાના મૃત્યુના દુઃખદ પ્રસંગને 7 દીકરાઓએ ઉત્સવમાં બદલી નાંખ્યો હતો.
- કતારગામના કાકડીયા પરિવારે વયોવૃદ્ધ માતાની અંતિમયાત્રામાં ઢોલ-નગારા વગાડ્યા
- કતારગામના વૈકુંઠધામ સોસાયટીમા રહેતા મધુભાઈ કાકડીયાના માતાનું 95 વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી
સુરતમાં એક વયોવૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવી સંતાનોએ ઉજવણી કરી હતી. માતાના પાર્થિવ દેહને ઢોલ નગારાના તાલે દીકરાઓએ વિદાય આપી હતી. આવી અદ્દભૂત અંતિમ યાત્રા લોકો જોતા રહી ગયા હતા.
પરિવારમા કોઈ સ્વજનનું મૃત્યુ દરેક સભ્ય માટે દુઃખની ઘડી હોય છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી. જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો. વૈકુંઠધામ સોસાયટીમા રહેતા મધુભાઈ કાકડીયાના માતાનું 95 વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પરિવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી.
મૃતક મણીબા રામભાઈ કાકડિયાના સંતાનોએ કહ્યુ કે, મૃતક દાદીએ 7 દીકરા અને 8 દીકરીઓની લીલી વાડી મૂકી અંતિમ શ્વાસ લીધા છે. બાના પરિવારના 48 સભ્યોએ અગાઉ દેહદાન જાહેર કર્યા છે. તેઓની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઇચ્છા હતી. જેને લઈ એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી. જેમાં સૌ કોઈ જોડાયા હતા. તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ.