SMCના જુનિયર ઇજનેરે પાણી પીવા માસ્ક ઉતાર્યુ અને લોકોએ વાંધો લેતાં કર્યું આ કામ..

સુરત : એકબાજુ શહેરમાં માસ્ક (Mask) વગર ફરતા લોકોને સુરત મનપા દ્વારા દંડ કરવામાં આવે છે. ત્યારે મનપાની કતારગામ ઝોનની ઓફિસમાં પાણી વિભાગના જુનિયર ઇજનેરે (SMC’s junior engineer) મોં ઉપરથી માસ્ક ઉતાર્યા ત્યારે લોકોએ વાંધો લેતાં આ અધિકારીએ સ્વૈચ્છાએ પોતાની પાસેની રસીદ બુકમાં જ દંડની પાવતી ભરી દંડ ભરી દીધો હતો. આ ઉપરાંત પણ ઝોન ઓફિસમાં અન્ય કર્મચારીઓ માસ્ક વગર ફરતા હોવાનો વિડીયો મનપા કમિશનરને મળતાં કમિશનરે કરેલા આદેશના પગલે કુલ સાત કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો તેમજ બે કર્મચારીને નોટિસ પાઠવાઇ હતી.

SMCના જુનિયર ઇજનેરે પાણી પીવા માસ્ક ઉતાર્યુ અને લોકોએ વાંધો લેતાં કર્યું આ કામ..

પ્રાપ્ત વિગત મુજબ કતારગામ ઝોનમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા મુકેશ ટંડેલ નામના જુનિયર ઇજનેર પોતાની ઓફિસમાં હતા ત્યારે પાણી પીવા માટે માસ્ક ઉતાર્યુ હતું. ત્યારે જ કોંગ્રેસના એક કાર્યકર પહોંચી ગયા હતા અને મુકેશભાઇનો વિડીયો બનાવી બીજા લોકોને તો માસ્ક ના પહેરે તો દંડ કરો છે, તમે કેમ માસ્ક ઉતાર્યું તેવું પૂછ્યું હતું. જો કે, મુકેશ ટંડેલે જણાવ્યું હતું કે, મેં પાણી પીવા માટે માસ્ક ઉતાર્યુ છે. જો કે, વધુ વિવાદ ના થાય એ માટે આ અધિકારીએ પોતાના ટેબલના ખાનામાંથી જ રસીદ બુક કાઢી માસ્ક ઉતારવા બદલ રૂ.200ના દંડની પોતાના નામની જ પાવતી બનાવી દંડ ભરી દીધો હતો. જો કે, વિડીયોમાં અન્ય એક મહિલા કર્મચારી પણ માસ્ક વગર દેખાય છે. તેણે સોફોકેશન થતું હોવાથી માસ્ક ઉતાર્યુ હોવાનું જણાવ્યું હતું. આ પ્રકારના માસ્ક વગરના કર્મચારીઓ બાબતે બનાવાયેલો વિડીયો મનપા કમિશનર સુધી પહોંચી જતાં આખરે કમિશનરના આદેશના પગલે સાત કર્મચારીને દંડ તેમજ બેને નોટિસ ફટકારાઇ હતી.

SMCના જુનિયર ઇજનેરે પાણી પીવા માસ્ક ઉતાર્યુ અને લોકોએ વાંધો લેતાં કર્યું આ કામ..

શહેરમાં હવે શનિ-રવિવારે મોલ ખુલ્લાં રહેશે

શહેરમાં (Surat city) સાત માસથી ચાલી રહેલા કોરોનાના સંક્રમણનો અંત હજુ નજીકના ભવિષ્યમાં દેખાતો નથી, ત્યારે ઓગષ્ટ અને સપ્ટેમ્બર (august-September) માસમાં શહેરના પોશ મનાતા અઠવા ઝોનમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ હતું તેથી આ ઝોનમાં શનિ-રવિ જયારે વધુ લોકો ખરીદી માટે બહાર નિકળતા હોય તે દિવસોમાં શોપિંગ મોલ (shopping Mall) બંધ રાખવા મનપાએ આદેશ કર્યો હતો. બાદમાં આ જ આદેશ કતારગામ ઝોનમાં પણ કરાયો હતો. જો કે હવે અનલોકની નવી ગાઇડલાઇનમાં મલ્ટિપ્લેક્ષ (Multiplex) અને બાગ બગીચાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે ખોલવા પણ પરવાનગી આપી દેવાઇ હોય, માત્ર મોલ પર પાબંદીનો કોઇ મતલબ રહેતો નથી તેથી મનપા દ્વારા આ શનિવારથી જ શનિ-રવિમાં શોપીગ મોલ બંધ રાખવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે તહેવારોની ખરીદી તેમજ શોપિંગ મોલના સંચાલકોની વારંવારની રજુઆતો બાદ શનિ-રવિમાં પણ મોલ ખોલવા મંજુરી આપી દેવાઇ છે. જો કે શોપિંગ મોલમાં ગાઇડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે તેમાં ભંગ થશે તો કાર્યવાહી કરાશે તેમજ સ્ટ્રીટ ફુડ (street food) માટે જે ગાઇડ લાઇન બનાવાઇ છે. તે હજુ પણ ચાલુ જ રહેશે.

Related Posts