આપણે જીવનમાં કઈ વાતને મહત્વ આપવું જોઈએ ‘નાની વાત મોટું સ્વરૂપ’

આપણો માનવ સ્વભાવ છે નાની નાની વાતને વધુ મહત્ત્વ આપીએ…..પણ તમને ખબર છે આ નાની નાની વાતોને મહત્ત્વ ચીવટને લીધે ન આપતાં મોહને કારણે આપીએ અને મોહમાં અહંકાર પણ ગમે ત્યારે ભળી જાય.જીવનમાં નાના નાના નુકસાન ન થાય તેની ચીવટ રાખવામાં ક્યારેક નાની નાની વસ્તુનો મોહ મોટું નુકસાન નોતરે છે અને નાની નાની વાતોમાં વાંધા વચકા કરવાથી સંબંધોને નુકસાન થાય છે. દ્રશ્ય એક: આખું કુટુંબ ભેગું થયું.બધા સાથે મળીને ફરવા જવાનો અને દિવાળી સાથે ઉજવવાનો પ્લાન કરતાં હતા.ઘરની વહુઓએ બધો પ્રોગ્રામ અને મેનુ નક્કી કર્યું અને સૌથી નાનાં કાકીજીને માઠું લાગ્યું કે મને કોઈ વાતે કંઈ પૂછ્યું નહિ.

આપણે જીવનમાં કઈ વાતને મહત્વ આપવું જોઈએ ‘નાની વાત મોટું સ્વરૂપ’

મારે હવે નથી આવવું.અને આખા કુટુંબનો બધો પ્રોગ્રામ રદ થઇ ગયો. દ્રશ્ય બે: જ્ઞાતિના પ્રમુખના ઘરે ચાર જણ દીકરીના લગ્નની કંકોતરી આપવા ગયા.ખૂબ પ્રેમથી કંકોતરી આપી.તેમના ગયા પછી પ્રમુખ પત્ની છણકા સાથે બોલ્યાં, ‘તમે એકલા જજો લગ્નમાં, હું નહિ આવું.કંકોતરી આપી પણ મને બે વાર આગ્રહ કરીને કીધું નથી કે આવજો.’પ્રમુખ હસ્યા કહ્યું, ‘જેવી તારી મરજી મારે તો જવું પડશે.’ પ્રમુખ પત્ની વધારે રીસાયાં. દ્રશ્ય ત્રણ: એક બહેન શાક લેવા ગયાં. રસ્તામાં સામેથી તેમને દૂરથી જૂના મકાનમાં રહેતા પાડોશીને જોયા.પેલાં બહેનનું ધ્યાન ન હતું.આ બહેને જેમણે પાડોશીને જોયા હતા છતાં તેમણે તેમને સામેથી બોલાવ્યા નહિ અને રસ્તો બદલી નાખ્યો.અને ઘરે આવી ફરિયાદ કરવા લાગ્યા કે મને લાગે છે કે તેણે મને જોઈ પણ મને બોલાવી નહિ.

દ્રશ્ય ચોથું: એક છોકરીએ અચાનક પોતાના મિત્રને ફોનમાં ગુસ્સામાં મેસેજ કર્યા કે તું મારો મિત્ર નથી…તું અભિમાની છે…તું સ્વાર્થી છે …વગેરે વગેરે. પેલા મિત્રને કંઈ સમજાયું નહિ કે આમ શું કામ લખે છે અને હજી તો તે કંઈ પૂછે તે પહેલાં તે છોકરીએ તેને બ્લોક કરી નાખ્યો.પેલા મિત્રે બીજા મિત્ર મારફત પૂછાવ્યું ત્યારે છોકરીએ કહ્યું મેં તેને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો હતો તેને બપોર સુધી જોયો નહિ અને જવાબ પણ ન આપ્યો.

ઉપર જણાવેલા બધા સંજોગો અને પ્રસંગમાં તમે જોશો કે કેટલી નાની અને નકામી વાતને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે.આ આપના જીવનમાં બનતા જ પ્રસંગો છે.આવું નાની નાની વાતોનું ખરાબ આપણે લગાડીએ છીએ.મને માન ન આપ્યું…મારી સામે હસ્યો નહિ …મારી સલાહ ન લીધી…આવી નાની નાની બાબતે વાંધા કાઢી આપણે મહામૂલા સંબંધો બગાડીએ છીએ અને તમને ખબર છે આવા વર્તન પાછળ આપનો સૂક્ષ્મ અહંકાર હોય છે જેની આપણને અહંકાર કરનારને પણ ખબર પડતી નથી કે હું આ ઝઘડો માત્ર અહંકારને લીધે કરું છું.આ અહંકારને છોડી …સંબંધોને જીવાડો…સબંધોમાં સ્નેહને ઉગાડો અને નાની નાની ખોટી ખોટી સંબંધોને નુકસાન પહોંચાડતી ફરિયાદો ઘટાડો. 

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts