ભારતના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ઈજા અંગે ચાહકોને મોટું અપડેટ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા થતા તેને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયા દ્વારા સૌના પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો છે.
શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ દરમિયાન એલેક્સ કેરીનો કેચ લેતા સમયે ઘાયલ થયો હતો. કેચ લેતી વખતે તે જમીન પર પડ્યો અને તેની ડાબી પાંસળી તૂટી ગઈ હતી. બાદમાં કરાયેલા સ્કેનમાં જાણવા મળ્યું કે તેને આંતરિક રક્તસ્રાવની ઈજા થઈ છે. ઈજાની ગંભીરતાને કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો.
29 વર્ષીય શ્રેયસ ઐયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું “હું હાલમાં સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છું અને દરરોજ થોડું સારું અનુભવી રહ્યો છું. તમારા પ્રેમ, શુભેચ્છાઓ અને સમર્થન માટે હૃદયથી આભાર. આ સમય દરમિયાન મળેલા સહકાર માટે હું સૌનો આભારી છું.”
શ્રેયસની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે. BCCIના મેડિકલ ટીમના જણાવ્યા મુજબ તેને હજી પૂરતી તાકાત મેળવવા માટે કેટલાક મહિના લાગી શકે છે. આ ઈજાને કારણે તે આગામી શ્રેણીમાંથી બહાર રહેશે.
મળેલી માહિતી મુજબ શ્રેયસ જાન્યુઆરી 2026 પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી નહીં કરી શકે. એટલે કે તે દક્ષિણ આફ્રિકા સામેની આવનારી શ્રેણી ચૂકી જશે. હાલ તે સિડનીમાં જ આરામ કરી રહ્યો છે અને જ્યારે ડોક્ટર તેને પ્રવાસ માટે ફિટ જાહેર કરશે ત્યારે જ ભારત પરત ફરશે.
ભારતીય ટીમ માટે શ્રેયસ ઐયર એક મહત્વપૂર્ણ મધ્યક્રમનો બેટ્સમેન ગણાય છે. તેણે તાજેતરના વર્લ્ડ કપમાં પણ ભારત માટે મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી. તેની આ ઈજાએ ટીમને ઝટકો આપ્યો છે. પરંતુ ચાહકો માટે રાહતની વાત એ છે કે તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને ફરી મેદાનમાં જોવા માટે આતુર છે.