Comments

શું કિશોરોને હત્યા કરીને બચી જવાની છૂટ આપવી જોઈએ?

પુણેના કલ્યાણી નગરમાં 19મી મેના રોજ સવારે 3 વાગ્યે એક 17 વર્ષીય એક કિશોરે તેમની પોર્શ કાર બેફામ, પૂરપાટ અને બેજવાબદારીપૂર્વક હંકારીને એક મોટરસાઇકલ પર સવાર બે વ્યક્તિને કચડી માર્યા હતા. જેના પગલે તેના પર લોકોના ગુસ્સાએ ફરી એક ચર્ચા ફરી શરૂ કરી છે કે શું કિશોરોને હત્યા કરીને બચી જવાની મંજૂરી આપવી જોઈએ? પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે માત્ર 17 વર્ષીય છોકરો નશામાં હતો. મૃતકોમાં બે આઈટી પ્રોફેશનલ હતા. આ કેસમાં એક અમીર ઉદ્યોગપતિના પુત્ર કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) દ્વારા હળવી શરતો પર તરત જ જામીન આપવામાં આવ્યા હતા.

તેણે પ્રાદેશિક પરિવહન કાર્યાલયની મુલાકાત લેવી, ટ્રાફિક નિયમોનો અભ્યાસ કરવો અને માર્ગ અકસ્માતો અને તેના ઉકેલો પર 300 શબ્દોનો નિબંધ લખીને 15 દિવસમાં બોર્ડમાં સબમિટ કરવાનો હતો. આ જામીનના આદેશથી સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી) દ્વારા લેવામાં આવેલા આવા ઉદાર વલણ પર સવાલ ઉઠાવવો પડ્યો હતો. તેથી, પુણે પોલીસે જામીનના હુકમને પડકારી જેજબી સમક્ષ રિવિઝન દાખલ કર્યું હતું. અહેવાલ મુજબ, પોલીસે 17 વર્ષીય કિશોરને પુખ્ત વયનો યુવક ગણીને કેસ ચલાવવા અરજી દાખલ કરી હતી.

ત્યાર બાદ 22 મેના રોજ જેજેબીએ 17 વર્ષીય યુવકના જામીન રદ કર્યા અને તેને 5 જૂન 2024 સુધી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો. કિશોર ડ્રાઇવરના બ્લડ સેમ્પલની હેરાફેરીના આરોપસર પુણેની સાસૂન જનરલ હોસ્પિટલના બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છોકરાના દાદાની પણ ધરપકડ કરી હતી અને દાવો કર્યો હતો કે તેના પિતા અને દાદા બંનેએ પરિવારના ડ્રાઇવરને નાણાંની ઓફર આપીને અને ધમકીઓ આપીને અકસ્માત માટે ગુનો કબૂલી લેવા દબાણ કર્યું હતું. આ કેસમાં કિશોરો અથવા સગીરો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અને આવાં કાર્યોની કાનૂની અસરો અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. 2000ના જુવેનાઇલ જસ્ટિસ એક્ટને 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓની સુરક્ષા, રક્ષણ અને પુનર્વસન માટે રજૂ કરવામાં આવ્યો હતો જેમના પર ગુનાહિત કૃત્યો કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એવું વિચારવામાં આવ્યું હતું કે બાળકોની અસુરક્ષા અને અપરિપક્વતાના કારણે તેઓને પુખ્ત અપરાધીઓથી અલગ વર્ગ તરીકે ગણવામાં આવે. જોકે, નિર્ભયા કેસ દરમિયાન જબરદસ્ત જનાક્રોશ જોતાં, જેમાં એક હુમલાખોર સગીર હતો, એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એક અપવાદ બનાવવામાં આવ્યો હતો: કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં 16 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, પરંતુ 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ પર પુખ્ત તરીકે કેસ ચલાવી શકાય છે.  આચરવામાં આવેલ ગુનાઓ જઘન્ય હોવા જોઈએ એટલે કે ઓછામાં ઓછી સાત વર્ષ કે તેથી વધુ સજા હોવી જોઈએ. અપરાધ કરતી વખતે બાળકની ઉંમર 16 વર્ષથી વધુ પરંતુ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ.

કલમ 15 હેઠળ, જેજેબીએ ગુનો કરવા માટે બાળકની માનસિક અને શારીરિક ક્ષમતા અને ગુનાના પરિણામોને સમજવાની ક્ષમતા અને જે સંજોગોમાં ગુનો આચરવામાં આવ્યો હતો તેની ખાતરી કરવા માટે પ્રારંભિક મૂલ્યાંકન કરવું જોઈએ. જેજેબી મનોવૈજ્ઞાનિકો અને અન્ય નિષ્ણાતોની મદદ લઈ શકે છે. આ મૂલ્યાંકન ત્રણ મહિનામાં પૂર્ણ થવું જોઈએ. જો બોર્ડ નિષ્કર્ષ પર આવે છે કે બાળક પર ગુના માટે કેસ ચલાવવાની જરૂર છે તો તેણે કેસને બાળકોની કોર્ટમાં ટ્રાન્સફર કરવો જોઈએ, જે કેસની સુનાવણી કરી શકે છે.

અહેવાલ મળ્યા પછી બાળકોની અદાલતે એ નક્કી કરવું જોઈએ કે બાળક પર પુખ્ત તરીકે કે બાળક તરીકે કેસ ચલાવવાની જરૂર છે. તે નિષ્કર્ષ પર આવ્યા પછી જ કે બાળક પર પુખ્ત તરીકે કેસ ચલાવવાની જરૂર છે, ટ્રાયલ શરૂ કરવા માટેના આદેશો પસાર કરી શકાય છે. ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સગીર પર પુખ્ત વયના તરીકે કેસ ચલાવવો જોઈએ કે કેમ તે મૂલ્યાંકન કરવા માટે આ બધી પ્રક્રિયાઓનું સખતપણે પાલન કરવું જોઈએ અને તેને નજરઅંદાજ કરી શકાતું નથી.

અમે પોર્શે કાર અકસ્માત કેસમાં જોયું છે, પુણે પોલીસે શરૂઆતમાં સગીર પર આઈપીસીની કલમ 304એ એટલે કે બેદરકારીથી મૃત્યુનો આરોપ મૂક્યો હતો. આ જોગવાઈ હેઠળ મહત્તમ બે વર્ષની કેદની સજા થઈ શકે છે. છોકરા પર આઈપીસીની કલમ 304  એટલે બિનઇરાદાથી હત્યા હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ જોગવાઈ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદની મહત્તમ સજા સૂચવે છે.

રસપ્રદ વાત એ છે કે, જોગવાઈમાં કોઈ ન્યૂનતમ કેદની સજાની જોગવાઈ નથી. આમ, તે આ અધિનિયમ હેઠળ ‘જઘન્ય અપરાધ’ કહેવાની જરૂરિયાતને સંતોષતું નથી. આ પ્રશ્ન 2020માં શિલ્પા મિત્તલ વિરુદ્ધ એનસીપી દિલ્હી રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. હાલના કેસની જેમ, તે કેસ પણ એક સગીર દ્વારા થયેલા માર્ગ અકસ્માતનો હતો, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

પીડિતનું પ્રતિનિધિત્વ કરતા વકીલે દલીલ કરી હતી કે, જ્યારે કાનૂનમાં સાત વર્ષ કે તેથી વધુની ‘લઘુત્તમ સજા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે તેનો અર્થ મહત્તમ સાત વર્ષ કે તેથી વધુ સજાનો અર્થ કરી શકાય છે. વકીલે ગુનાઓની સૂચિ પ્રદાન કરી હતી, જેને કોઈ પણ રૂપે આવરી લેવામાં આવશે નહીં, જેમ કે, નાના ગુનાઓ (મહત્તમ ત્રણ વર્ષ), ગંભીર ગુનાઓ (ત્રણ થી સાત વર્ષ) અથવા જઘન્ય ગુનાઓ (ગુનાઓ જેમ કે હત્યા, બિનઇરાદાથી હત્યા, અપહરણ જેવા ગુના અને લઘુત્તમ સાત વર્ષ કે તેથી વધુની સજા), જેજેએ હેઠળની વ્યાખ્યાના કડક વાંચન પર. કારણ કે આ એવા ગુના હતા કે જેમાં ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ ન હતી, પરંતુ વધુમાં વધુ આજીવન કે તેથી વધુ સજાની જોગવાઈ હતી. જોકે, કોર્ટે દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને નોંધ્યું હતું કે આ પ્રકારનું વાંચન કાયદો બનાવવા સમાન જ હશે, જે ફક્ત સંસદ જ કરી શકે છે. આ ઉપરાંત, અધિનિયમના ઉદ્દેશ્યને ધ્યાનમાં લેતાં કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે સગીરને ફાયદો થાય તેવું અર્થઘટન હાથ ધરવું આવશ્યક છે.

કાયદો અમલમાં આવ્યો ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે આવા ગુનાઓ કે જેમાં લઘુત્તમ સજા નિર્ધારિત ન હોય તેને ગંભીર અપરાધો તરીકે ગણવામાં આવશે. આમ, સુપ્રીમ કોર્ટ મુજબ, આઈપીસી કલમ 304 એ ગંભીર ગુનો છે અને જેજેબીએ આ અર્થઘટનનું પાલન કર્યું છે કે કેમ તે આદેશ બહાર આવશે ત્યારે જ સ્પષ્ટ થશે. સમયાંતરે સગીરો દ્વારા આચરવામાં આવેલા ગુનાઓના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. જેમ કે, રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હત્યા. આવા અસાધારણ કિસ્સાઓ અને પુણે પોર્શ કાર દુર્ઘટના કેસનો ઉપયોગ સગીરોના ખરાબ હીરો હોવાની કથા બનાવવા માટે કરવામાં આવે છે, જે જાણીજોઈને સજાથી બચવા માટે અપરાધ કરે છે. વાસ્તવિકતા એ છે કે કિશોર હોય કે પુખ્ત, કાયદો અમીર અને ગરીબ માટે અલગ-અલગ રીતે કામ કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top