સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે

બોલિવૂડના ઉગતા સિતારા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જે નવી હકીકતો બહાર આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે અને રૂપેરી દુનિયાની વરવી બાજુ ઉઘાડી કરનારી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. 

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે

મુંબઈ પોલિસે દિશા સાલિયનની હત્યાને આપઘાતમાં ખપાવી હતી. નારાયણ રાણેના કહેવા મુજબ દિશા સાલિયને મરતા પહેલાં આ બધી વાત સુશાંત સિંહ રાજપૂતને કરી હતી, જેને કારણે તે ચિંતાગ્રસ્ત બની ગયો હતો. દિશા સાલિયન પર બળાત્કાર કરીને તેની હત્યા કરનારાને આ વાતની જાણ થઈ જતાં તેમણે સુશાંતને ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. તેમને ડર લાગ્યો હતો કે સુશાંત દિશાની હત્યાનો ભાંડો ફોડી કાઢશે, માટે તેમણે સુશાંતની પણ હત્યા કરી નાખી હતી. મુંબઈ પોલિસે સુશાંતની હત્યાને પણ આપઘાતમાં ખપાવી દીધી હતી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે એક પીઢ રાજકારણી છે. તેઓ બાળ ઠાકરે પરિવારના પણ વિશ્વાસુ રહ્યા હતા. નારાયણ રાણે જો કોઈ ગંભીર આક્ષેપ કરતા હોય તો તેમની પાસે તેના નક્કર પુરાવા પણ હશે. આ બાજુ સુશાંત સિંહના પિતા કે.કે. સિંહે બિહાર સરકાર સમક્ષ માગણી કરી હતી કે સુશાંતનો કેસ સીબીઆઈને સોંપવામાં આવે.

બિહાર સરકારે આ માગણી સ્વીકારી લીધી છે. બિહાર સરકારે સીબીઆઈને કેસ સોંપી પણ દીધો છે. નારાયણ રાણેના જણાવ્યા મુજબ આ કેસમાં મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન પણ સંડોવાયેલા હોવાથી મુંબઈ પોલિસ તેમને છાવરી રહી છે અને સત્ય બહાર ન આવી જાય તેની કોશિષ કરી રહી છે. નારાયણ રાણેનો ઇશારો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે તરફ છે. જોકે આદિત્ય ઠાકરેએ જાહેર કર્યું છે કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવા માટે વિપક્ષો ગંદું રાજકારણ રમી રહ્યા છે.

બોલિવૂડમાં કેટલીક નવોદિત હિરોઈનો સ્ટાર પુત્રોના બળાત્કારનો અને હત્યાનો ભોગ બની હતી, પણ તે સત્યને ઢાંકી રાખવામાં આવતું હતું. વર્ષો પહેલાં દિવ્યા ભારતીનું મૃત્યુ બાલકનીમાંથી પડી જવાને કારણે થયું હતું તેમ જાહેર કરવામાં આવ્યું હતું.  કેટલાક લોકો કહે છે કે બોલિવૂડની પાર્ટીમાં દિવ્યા ભારતી પર બળાત્કાર કરીને તેને બાલકનીમાંથી ફેંકી દેવામાં આવી હતી.

દિવ્યા ભારતીના મોતમાં અને દિશા સાલિયનનાં મોતમાં ઘણું સામ્ય છે. સૂરજ પંચોલીએ તા. ૯ જૂનની રાતે પોતાના પેન્ટ હાઉસમાં પાર્ટી રાખી હતી. તેમાં દિશા સાલિયનને પણ બોલાવવામાં આવી હતી. આ પાર્ટીમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાનો ભાઈ શૌમિક ચક્રવર્તી, સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન, સિદ્ધાર્થ પિઠાની, સંદીપ સિંહ વગેરે હાજર હતા. કહેવાય છે કે આદિત્ય ઠાકરે પણ પાર્ટીમાં હાજર હતા.

આ પાર્ટી પતી ગઈ તે પછી દારૂના નશામાં દિશા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પછી દિશાને તેના એપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવી હતી અને ૧૪મા માળની બાલકનીમાંથી ફેંકી દેવામાં આવી હતી. બીજા દિવસે દિશાએ આત્મહત્યા કરી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. દિશાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેના ગુહ્યાંગો પર ઇજાના નિશાન હતા, પણ પોલિસે તેની ઉપેક્ષા કરી હતી.

દિશા સાલિયન પર બળાત્કાર કરવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી તેની વચ્ચે તેને થોડો સમય મળ્યો હતો. આ દરમિયાન તેણે સુશાંત સિંહ રાજપૂતને ફોન કરીને રડતા અવાજે તેની સાથે જે બન્યું હતું તેનું વર્ણન કર્યું હતું. સુશાંતે સવારે તેને મળવાનું વચન આપ્યું હતું. સવારે કહેવામાં આવ્યું કે દિશાએ આત્મહત્યા કરી છે.

આ જાણી સુશાંત અત્યંત ડિસ્ટર્બ થઈ ગયો હતો. તેણે પોતાની ગર્લફ્રેન્ડ રિયાને બધી વાત કરી હતી. રિયાનો ભાઈ શૌમિક પણ પાર્ટીમાં સામેલ હોવાથી તેણે સુશાંતને ચૂપ રહેવાની સલાહ આપી હતી. રિયાએ આ બધી વાત મહેશ ભટ્ટને કરી હતી. મહેશ ભટ્ટે તેને સુશાંતનું ઘર તાત્કાલિક છોડી દેવાની સલાહ આપી હતી.

૧૦ જૂનના રિયા સુશાંતનું ઘર છોડીને ચાલી ગઈ હતી અને તેણે સુશાંતનો નંબર બ્લોક કરી નાખ્યો હતો. આ બાજુ દિશાના બળાત્કારીઓને ખબર પડી ગઈ હતી કે સુશાંત સાચી વાત જાણી ગયો છે. તેમણે સુશાંત પર ધમકીભર્યા ફોન કરવાના શરૂ કર્યા હતા. સુશાંતે પોતાનું સિમ કાર્ડ બદલી નાખ્યું તો નવા સિમ કાર્ડ પર પણ ધમકીના ફોન આવતા રહ્યા હતા.

તા. ૯ અને ૧૩ જૂન વચ્ચે સુશાંતે ૧૪ વાર પોતાનાં સિમ કાર્ડ બદલ્યાં હતાં. સુશાંત પ્રેસ કોન્ફરન્સ બોલાવીને બધી વાતો જાહેર કરવા માગતો હતો પરંતુ તેના પર ધમકીના ફોન ચાલુ જ રહ્યા હતા. એક તબક્કે તેણે દેશ છોડીને જતા રહેવાનો વિચાર પણ કરી લીધો હતો.

તા. ૧૩ જૂનના રોજ આદિત્ય ઠાકરેનો જન્મદિન હોવાથી તેના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં સૂરજ પંચોલી, સંદીપ સિંહ વગેરે ભેગા થયા હતા. સંદીપ સિંહે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત વધુ સમય ચૂપ રહે તેમ નથી. આ કારણે તેમણે પાર્ટી પૂરી થયા પછી સુશાંતના ઘરે જવાનો પ્લાન બનાવ્યો હતો.

તા. ૧૩ના રાતે સુશાંતના ઘરે પણ પાર્ટી હતી, કારણ કે તા. ૧૨ના સુશાંતે નવી ફિલ્મ સાઇન કરી તેની ખુશીમાં તેણે પાર્ટી યોજી હતી. બધા નબીરાઓ પાર્ટીમાં પહોંચી ગયા હતા. તેમાં સુશાંત સાથે બોલાચાલી થઈ હશે. કહેવાય છે કે સુશાંતના કૂતરાના ગળે બાંધવાના પટ્ટા વડે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા પછી તેની લાશને પલંગ પર ગોઠવી દેવામાં આવી હતી.

તા. ૧૪ના સવારે સુશાંતના નોકર સેમ્યુઅલ મિરાંડાએ ફોન કરીને બાંદ્રા પોલિસને બોલાવી હતી. તેણે પોલિસને જણાવ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરી હતી. સેમ્યુઅલ મિરાંડાના કહેવા મુજબ સુશાંતની લાશ પંખા પર લટકતી હતી, જે તેણે ઊતારીને પલંગ પર ગોઠવી હતી. બાંદ્રાની પોલિસ સુશાંતના પોસ્ટ મોર્ટમ માટે તેને કૂપર હોસ્પિટલ લઈ ગઈ હતી.

કૂપર હોસ્પિટલમાં પહોંચીને પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવે તે પહેલાં પોલિસે જાહેર કર્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સુશાંતનું મરણ ક્યારે થયું? તેનો સમય બતાડવામાં આવ્યો નહોતો. સુશાંતના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા તો તા. ૧૩ જુનની રાતના ફૂટેજ ગાયબ હતા. જોકે સામેના બિલ્ડિંગના કેમેરામાં સુશાંતના બિલ્ડિંગમાં જતા ઇસમો ઝડપાઈ ગયા હતા, જેમાં આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થતો હતો. આ કારણે મામલો ગંભીર બની ગયો છે.

સુશાંત સિંહ રાજપૂતના કમોત પછી મુંબઈ પોલિસે તેની તપાસ શરૂ કરી હતી; પણ તેમાં સત્ય સુધી પહોંચવાને બદલે મોટાં માથાંઓને બચાવવાની મથામણ વધુ હતી. મુંબઈ પોલિસ દ્વારા સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ, કંગના રનૌત વગેરેને બોલાવવામાં આવ્યા હતા; પણ આ મામલામાં સંડોવાયેલા સૂરજ પંચોલી કે અરબાઝ ખાન જેવા મોટા નામોની પૂછપરછ કરવામાં આવી નહોતી. આ મામલામાં મુખ્ય પ્રધાનના પુત્ર આદિત્ય ઠાકરેનું નામ પણ આવ્યું હોવાથી રાજકીય દૃષ્ટિએ પણ આ કેસ અત્યંત નાજુક થઈ ગયો છે.

આ કારણે જ મહારાષ્ટ્ર સરકાર તેને સીબીઆઈને સોંપવાનો વિરોધ કરી રહી હતી. સુશાંતના પિતાએ ચાલાકી વાપરીને બિહારમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં જેડીયુની અને ભાજપની ગઠબંધન સરકાર છે. હવે આ કેસ ભાજપ વિરુદ્ધ શિવસેના જેવો થઈ ગયો છે. જો તેમાં રાજકીય સોદાબાજી થઈ જશે તો સત્ય ક્યારેય બહાર આવી નહીં શકે.

(આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts