તીવ્ર બનતી આર્થિક અસમાનતા ભયનજક બનશે!

ફિલ્મ ઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વ તરફી – વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં મદદ મળે! કોરોનાની મહામારીએ આપણી સ્થિતિ વિકટ બનાવી છે સાથે સાથે દેશના સામાજિક આર્થિક માળખાને નહીં સમજનારા આર્થિક સલાહકારો, સરકારી બાબુઓ પણ આ વિકટ સ્થિતિ માટે જવાબદાર બનવા લાગ્યા છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે સાવ સાદી બાબતો જે આપણને સમજાય છે તે આ દેશના નીતિ નિર્ધારકો-સત્તાવાળાઓને નહીં સમજાતી હોય?

તીવ્ર બનતી આર્થિક અસમાનતા ભયનજક બનશે!

થોડા સમાચારો યાદ કરો. કોરોના કાળમાં દેશનું અર્થતંત્ર ખાડે ગયું. જી.ડી.પી. માઇનસ થઇ કરોડો લોકોએ ધંધા – રોજગાર – આવક ગુમાવી ત્યારે દેશના થોડાક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અબજો રૂપિયાનો વધારો થયો. સરકારે પહેલાં વીસ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું અને સુપ્રિમકોર્ટે લોનના હપ્તા ન ભરનારને વ્યાજ પરના વ્યાજ ચુકવવામાંથી મુકત આપવા સુચવ્યું તો આર.બી.આઇ.એ તેને બોજો વધારનારું ગણાવ્યું. આંતર રાજય સંસ્થાઓએ ભારતની જીડીપી ચાલુ વર્ષે ૧૦ ટકા માઇનસ થશે તેવો અંદાજ આપ્યો અને સાથે જ આવતા વર્ષે તે 8 ટકા વધશે તેવું અનુમાન પણ આપ્યું છે. વળી સરકારે કરેલી છેલ્લી જાહેરાત મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દસ હજાર રૂપિયા એડવાન્સ તહેવારમાં વાપરવા માટે મળશે અને કર્મચારી તેને હજાર રૂપિયાના દસ હપ્તામાં પાછા ભરશે. વળી એલ.ટી.સી.ના સ્લેબ વર્ષને વધાર્યા છે અને વાપરવા માટે કેશ વાવચર આપવામાં આવશે! આ તમામ સમાચારો ધ્યાનથી જુઓ તો એમાં દેખાય છે. દેશમાં વ્યાપ્ત આર્થિક અસમાનતા અને બીજું દેખાય છે એ કે આ અસમાનતા દિવસે ને દિવસે વધતી જવાની છે.

કોવિડ-19 પછી સર્જાયેલી આર્થિક સ્થિતિ માટે સરકારે લીધેલા મોટા ભાગનાં પગલાઓ ‘ઉછીના આપવા’ જેવા છે. લોક હોય કે તહેવારમાં વાપરવાના એડવાન્સ તમારે તે પાછા તો ભરવાના જ છે! બરાબર છે. સરકારે આર્થિક દયાદાન શા માટે કરવું જોઇએ? પણ લોનના આધારે અર્થતંત્રમાં રીકવરીની આશા રાખનારાએ વિચારવું જોઇએ કે અર્થતંત્રમાં રીકવરીની આશા હોય, નફાની અપેક્ષા હોય તો લોકો લોન લે કે લોકો લોન લે પછી રીકવરી આવે? સરકાર વીસ લાખ કરોડ ઉછીના આપવા તૈયાર છે પણ આ નિરાશામાં લોકો એ લેવા તૈયાર છે ખરા?

સરકાર કહે છે કે અત્યારે તમામ કર્મચારીને તહેવારમાં વાપરવા દસ હજાર એડવાન્સ મળશે. પણ તેમણે દર મહિને હજાર પાછા ભરવાના છે. મતલબ આ મહિને દસ વાપરો પછી આખું વરસ દસ પાછા ભરો. તો કોઇ સમજાવો ભાઇ કે વરસના અંતે હિસાબમાં શું ફેર પડે!

બીજું સરકારની હાલની બન્ને જાહેરાત સરકારી અને તે પણ કેન્દ્રના કર્મચારીઓ માટે છે જે હાલમાં દેશની કુલ રોજગારીનો નાનો હિસ્સો છે. એમની ખરીદશકિત ઓલરેડી સ્થિર છે. કોવિડ-19 ની સ્થિતિમાં સૌથી સલામત અને સ્થિર આવક જો કોઇની રહી હોય તો તે છે સરકારનો પગારદાર વર્ગ! એને તો ઉલ્ટાનો લોકડાઉનમાં ખર્ચ બચ્યો છે.

હાલ દેશના સામાન્ય વર્ગની ખરીદશકિતમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પહેલાં ત્રણ-મહિના ધંધા રોજગાર બિલકુલ બંધ રહ્યા અને બીજા ત્રણ મહિનામાં તે અંશત: ચાલુ થયા. ખાનગી ક્ષેત્ર એક તો લોકોને પગાર ચૂકવતું નથી એમાં લાંબો સમય બંધ રહ્યું. હવે અડધા પગાર સાથે અડધી નોકરીઓ શરૂ થઇ છે. દેશમાં શહેરી રોજગારીનો મોટો આધાર સેવાક્ષેત્ર – એમાં એન્ટરટેનમેન્ટ આજે પણ બંધ છે. એટલે લોકોની પાસે આવકો નથી. જે મોટા બિઝનેસ ગૃહોની આવકો અબજો રૂપિયા વધી છે. તે દર્શાવે છે કે લોકડાઉન અને તે પછીના સમયમાં ઓનલાઇન બિઝનેસ વધ્યો છે. શેરસટ્ટા વધ્યા છે. સોનામાં રોકાણ વધ્યું છે. મતલબ થોડા ધનિકોની આવક વધી છે. કરોડો ગરીબોએ આવક ગુમાવી છે.

હવે સ્થિતિ એ છે કે દેશના મધ્યમ વર્ગની આવકો સ્થિર અને મર્યાદિત છે. લોકડાઉન ખૂલી ગયું એટલે ખર્ચા ખૂલી ગયા છે. શાળાની ફી, વીજળીના બીલ, પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ અને જીવનજરૂરી ચીજોનો ફુગાવો… બધી આવક આમાં જ વપરાઇ જાય છે. ધ્યાનથી જુઓ તો સરકાર પ્રજાને રાહત પેકેજમાં આપે છે એ શકયતા છે. ઘણી વાર તો કલ્પના છે. પણ ટોલટેક્ષમાં, પેટ્રોલ ડિઝલના ભાવમાં, ટેક્ષમાં લઇ લે છે તે હકીકત છે. હવે પ્રજા પાસે વાપરવા માટે કશું બચતું જ નથી! તો વાપરે શું? માટે જ આપણે તો સરકારને એટલું જ કહીએ કે આપો નહીં તો કંઇ નહીં… વિવિધ ટેક્ષ દ્વારા લઇ તો ના લો!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts