Business

ટ્રમ્પના ટેરિફ વોરની ગંભીર અસર, શેરબજારમાં ભારે અફરાતફરી

દેશનું સામાન્ય બજેટ (કેન્દ્રીય બજેટ 2025) રજૂ થયા બાદ આજે શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. એવી અપેક્ષા હતી કે બજેટમાં કરવામાં આવેલી તમામ મોટી જાહેરાતોની પોઝિટિવ અસર બજાર પર જોવા મળશે, પરંતુ તેમ થયું ન હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો આજે ખૂબ જ ખરાબ રીતે ખુલ્યા હતા.

BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 700 પોઈન્ટ્સ ડાઉન થયો હતો જ્યારે NSE નિફ્ટી પણ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સામાન્ય બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવા સહિત મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય મોટી જાહેરાતોની અસર પણ બજારમાં જોવા મળી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની વૈશ્વિક બજારની જેમ જ ભારતીય શેરબજાર પર નેગેટિવ અસરો જોવા મળી રહી છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ (BSE સેન્સેક્સ) બજેટના દિવસે 77,505.96 ના બંધની સરખામણીમાં 77,063 .94 ના સ્તર પર ખૂલ્યો હતો ત્યાર બાદ થોડી જ મિનિટોમાં તે 700 પોઈન્ટ ઘટીને 76,774.05 પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ શરૂઆતની સાથે જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી તેના અગાઉના 23,482.15ના બંધની સરખામણીએ 23,319ના સ્તરે ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે પણ 220 પોઈન્ટથી વધુ ઘટીને 23,239.15 પર પહોંચી ગયો હતો.

આ અગાઉ શનિવારે બજેટના દિવસે શેરબજાર ખુલ્લું રહ્યું હતું પરંતુ સેન્સેક્સ-નિફ્ટી દિવસભર સુસ્તીથી ટ્રેડ થઈને અંતે ફ્લેટ લેવલે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 77,637 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગના અંતે 5.39 પોઈન્ટના મામૂલી વધારા સાથે 77,506 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી (NSE નિફ્ટી) 26.25 પોઈન્ટ લપસીને 23,482.15 પર બંધ થયો હતો. પરંતુ નિષ્ણાતોને આશા હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો અને વિવિધ ક્ષેત્રો માટે કરવામાં આવેલી ફાળવણીની અસર દેખાઈ શકે છે.

Most Popular

To Top