દેશમાં શાળાઓ બંધ હોવાથી શિક્ષણ ક્ષેત્રે ઘાર્યા કરતા ઘણું વધારે નુકસાન જઇ રહ્યું છે

આપણા દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે ૨પમી માર્ચે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું તેના પણ દસેક દિવસ પહેલાથી દેશભરની શાળા-કોલેજો બંધ કરી દેવાઇ હતી  અને તે અનલૉકની પ્રક્રિયા શરૂ થયાના મહિનાઓ પછી આજ દિન સુધી મહદઅંશે બંધ જ છે. આ લૉકડાઉનને કારણે બંધ રહેલી આર્થિક પ્રવૃતિઓને કારણે થયેલા નુકસાનની તો ઘણી ચર્ચા  થઇ છે પરંતુ એક ઘણા મોટા નુકસાનની બહુ ઓછી ચર્ચા થઇ છે અને તે નુકસાન છે ભણતરની બાબતમાં દેશને જઇ રહેલું નુકસાન.

દેશમાં શાળાઓ બંધ હોવાથી શિક્ષણ ક્ષેત્રે ઘાર્યા કરતા ઘણું વધારે નુકસાન જઇ રહ્યું છે

શાળા કોલેજો લાંબા સમયથી બંધ હોવાથી કેટલું જંગી  નુકસાન જઇ રહ્યું છે અને ભવિષ્ય માટે પણ આ નુકસાન કેટલું મોંઘુ પુરવાર થશે તે વર્લ્ડ બેન્ક દ્વારા હાલમાં ભારત અને દક્ષિણ એશિયાને શાળાઓ બંધ હોવાથી શિક્ષણની બાબતમાં  નુકસાનનો જે અંદાજ મૂકવામાં આવ્યો છે તેના પરથી સમજી શકાય છે. ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાને કારણે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેવાને કારણે દેશની ભવિષ્યની  કમાણીઓને ૪૦૦ અબજ ડૉલર કરતા વધુની ખોટ જઇ શકે છે, આ ઉપરાંત શીખવાની પણ નોંધપાત્ર ખોટ જઇ શકે છે એમ વિશ્વ બેન્કનો એક અહેવાલ જણાવે છે.

હાલના પરિદ્રશ્યમાં દક્ષિણ એશિયાના પ્રદેશમાં શાળાઓ બંધ રહેવાને કારણે ૬૨૨ અબજ ડૉલર સુધીની ખોટ જઇ શકે છે જ્યારે વધુ નિરાશ કરે તેવા સંજોગોમાં ૮૮૦ અબજ ડૉલર સુધીનું  પણ નુકસાન જઇ શકે છે. આ અહેવાલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પ્રાદેશિક ખોટ મોટે ભાગે ભારતથી દોરવાયેલ છે ત્યારે તમામ દેશો તેમના જીડીપીના એક મોટા હિસ્સાનું નુકસાન સહન  કરશે. બીટન ઑર બ્રોકન? ઇન્ફોર્માલિટી એન્ડ કોવિડ-૧૯ ઇન સાઉથ એશિયા મથાળાવાળા આ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ એશિયા ૨૦૨૦માં તેની અત્યાર સુધીની  સૌથી ખરાબ મંદીમાં ખાબકવાની તૈયારીમાં છે કારણ કે આ પ્રદેશના અર્થતંત્ર પર કોવિંદ-૧૯ની વિનાશક અસરો ઝળુંબી રહી છે.

તમામ દક્ષિણ એશિયન દેશોમાં શાળાઓ હંગામી રીતે બંધ  કરી દેવાની મોટી અસરો વિદ્યાર્થીઓ પર થઇ છે. તેમણે ૩૯ કરોડ ૧૦ લાખ બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી બહાર રાખ્યા છે અને શિક્ષણની કટોકટી ઉકેલવાના પ્રયાસો વધુ  ગુંચવાઇ રહ્યા છે એમ અહેવાલ જણાવે છે. જ્યારે મોટા ભાગની સરકારોએ શાળાઓ બંધ રહેવાની અસરને પહોંચી વળવા પ્રયાસો કર્યા છે, ત્યારે બાળકોને દૂરથી શિક્ષણના કાર્યમાં જોતરવાનું  મુશ્કેલ બની રહ્યું છે. આ અહેવાલમાં એ વાતની પણ નોંધ લેવાઇ છે કે આ રોગચાળાને કારણે પપ લાખ બાળકો ભણવાનું છોડી દઇ શકે છે અને તેનાથી શિક્ષણનું મોટું નુકસાન જશે અને  તેની વિદ્યાર્થીઓની પેઢીની ઉત્પાદકતા પર જીવનભરની અસર રહેશે. બાળકો પાંચ મહિના કરતા વધુ સમય શાળાઓથી દૂર રહ્યા છે કારણ કે મોટા ભાગની શાળાઓ માર્ચમાં બંધ થઇ ગઇ  હતી. આટલા લાંબા સયમ સુધી શાળામાંથી બહાર રહેવાને કારણે બાળકો ફક્ત નવું શીખતા જ અટકી ગયા નથી પરંતુ તેઓ જે કાંઇ શીખ્યા છે તેમાંથી પણ કેટલુંક ભૂલી ગયા છે. સમજી  શકાય તેવી બાબત છે કે ભણતરની બાબતમાં, ભાવિ પેઢીના ભવિષ્યની બાબતમાં, તેમના જ્ઞાન અને કૌશલ્યની બાબતમાં અને ભવિષ્યની તેમની ઉત્પાદકતાની બાબતમાં કેટલું મોટું નુકસાન  જઇ રહ્યું છે.

વિશ્વ બેન્કે પોતાના અહેવાલમાં એ બાબત તરફ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે દક્ષિણ એશિયામાં શિક્ષણની બાબતમાં જે જંગી નુકસાન જઇ રહ્યું છે તે મહદઅંશે ભારતથી દોરવાયેલું જ  છે એટલે કે ભારતમાં જ સૌથી વધુ નુકસાન જઇ રહ્યું છે. આનું કારણ એ છે કે ભારતની ઘણી વિશાળ છે અને દક્ષિણ એશિયામાં વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે અને ભારતમાં  જ કદાચ સૌથી લાંબો સમય શાળાઓ બંધ રહી છે. દક્ષિણ એશિયાના અન્ય દેશો જેવા કે અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા વગેરેએ પોતાની શાળાઓ શરૂ કરી દીધી છે. શ્રીલંકાએ  તો ઓગસ્ટ મહિનામાં શાળાઓ શરૂ કરી દીધી હતી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેપાળે આ મહિને શાળાઓ શરૂ કરી છે, જ્યારે કે ભારત અને બાંગ્લાદેશમાં શાળાઓ હજી શરૂ થઇ  નથી. ભારતમાં શાળાઓ ખોલવાનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવ્યો છે અને મોટાભાગના રાજ્યો શાળાઓ ખોલવાની બાબતમાં અવઢવમાં જણાય છે.

જ્યારે કેન્દ્ર સરકારે ૧પ ઓકટોબરથી શાળાઓ તબક્કાવાર રીતે ખોલવા માટે મંજૂરી આપી છે ત્યારે દિલ્હી, કર્ણાટક અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ આ તારીખથી શાળાઓ નહીં  ખોલવાનો નિર્ણય કર્યો છે જ્યારે હરિયાણા અને મેઘાલય જેવા અન્ય રાજ્યો હજી આ બાબતે અચોક્કસ છે અને તેઓ કોવિડ-૧૯ના કેસોના વધતા આંકડાઓના સંદર્ભમાં સ્થિતિનું મૂલ્યાંકન  કરી રહ્યા છે. કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં યુનિવર્સિટીઓ અને શાળાઓ ૧૬ માર્ચે બંધ કરી દેવા આદેશ અપાયો હતો. ૨પમી માર્ચે કેન્દ્ર સરકારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન  જાહેર કર્યું હતું.

જ્યારે ૮ જૂનથી અનલોકના વિવિધ તબક્કાઓમાં ઘણા નિયંત્રણો તબક્કાવાર રીતે હળવા કરવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ સંસ્થાઓ બંધ જ રહી છે. અલબત્ત, છેલ્લામાં છેલ્લી  અનલોકની માર્ગદર્શિકા પ્રમાણે કોવિડ-૧૯ કન્ટેઇન્મેન્ટ ઝોનોની બહારની શાળાઓ, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ૧પ ઓકટોબર પછી ફરીથી ખોલી શકાશે. જો કે આ સંસ્થાઓ  ફરીથી ખોલવા અંગેનો નિર્ણય રાજ્યો અને સંઘ પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ભારતમાં અન્ય દક્ષિણ એશિયન દેશો કરતા કેસો ઘણા વધારે છે એ હકીકત છે, તો સાથે એ પણ હકીકત છે  કે જ્યાં ભારત કરતા ગંભીર સ્થિતિ છે તેવા કેટલાક યુરોપિયન દેશોએ પણ શાળાઓ શરૂ કરી દીધી છે. શિક્ષણ ક્ષેત્રે જતી ખોટને ગંભીરતાથી વિચારીને, સાથો સાથ બાળકોની સલામતીને  પણ ધ્યાનમાં રાખીને પૂર્ણ કક્ષાએ નહીં તો આંશિક રીતે શાળાઓ શરૂ કરીને, વિદ્યાર્થીઓને સપ્તાહમાં અમુક જ દિવસ શાળામાં બોલાવીને તેમને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવીને  પણ શિક્ષણ પ્રવૃત્તિ શરૂ કરવાનું રાજ્યોએ વિચારવું જ જોઇએ.

Related Posts