કોરોનાકાળમાં શાળાઓ ફરી શરૂ કરવાનો મુદ્દો ભારે મૂંઝવનારો બની રહ્યો છે

દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિવિધ ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ તો તબક્કાવાર રીતે ફરી શરૂ થઇ ગઇ છે અને ધાર્મિક સ્થળો, મોટા શોપીંગ  મોલ્સ વગેરે પણ કેટલાક નિયંત્રણો સાથે શરૂ થઇ ગયા છે અને કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ પર હજી નિયંત્રણો ચાલુ છે જે પ્રવૃત્તિઓ ખાસ આવશ્યક નથી. પરંતુ  દેશના ભાવિ માટે જે ખૂબ જરૂરી છે તે શિક્ષણની બાબતમાં ભારે મૂંઝવનારી સ્થિતિ છે. ખરેખર તો આર્થિક નુકસાન કરતા પણ શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલું નુકસાન લાંબા  ગાળા માટે વધુ મોટું પુરવાર થઇ શકે છે પરંતુ હાલ તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂર્ણપણે ફરી શરૂ કરી શકાય તેવા કોઇ સંજોગો દેખાતા નથી. કેન્દ્ર સરકારે હાલમાં મર્યાદિત  રીતે શાળા-કોલેજોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે છૂટ આપી છે અને ૨૧ સપ્ટેમ્બરથી શાળા કોલેજો મર્યાદિત રીતે શરૂ કરવા માટે માર્ગદર્શિકાઓ જારી કરી  છે જ્યારે આ સમયે શાળા કોલેજો ફરી શરૂ કરવા માટે રાજ્ય સરકારોએ પોત પોતાના નિયમો અને નિયંત્રણો ઘડવાનું પણ ફરી શરૂ કર્યું છે.

કોરોનાકાળમાં શાળાઓ ફરી શરૂ કરવાનો મુદ્દો ભારે મૂંઝવનારો બની રહ્યો છે

કેન્દ્ર સરકારે જે માર્ગદર્શિકા જારી કરી છે તે મુજબ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને તેમની શાળાઓની મુલાકાત તેમના શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા માટે લેવા  દેવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે આ મુલાકાત લઇ શકશે અને આ માટે તેમના માતા-પિતા કે વાલીઓની લેખિત સંમતિની જરૂર રહેશે. સ્વાભાવિક રીતે  વિદ્યાર્થીઓ શાળાઓ અને કોલેજોની મુલાકાતે જાય ત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે તથા અન્ય કાળજીઓ રાખવી પડશે. આ માટે  શાળાઓમાં વિદ્યાર્થીઓને મર્યાદિત સંખ્યામાં જ આવવા દેવા પડશે અને દેખીતી રીતે દસ-દસના કે એવી નાની સંખ્યાના જૂથમાં જ એક વર્ગના વિદ્યાર્થીઓ આવે તે  પ્રકારની કાળજીઓ શાળાઓએ રાખવી પડશે.

આમાં વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાની લેખિત સંમતિ આપે તે જરૂરી રહેશે અને તેમાં પણ સમસ્યાઓ  તો ઉભી થઇ જ શકે છે. અત્યાર સુધી ઓનલાઇન શિક્ષણ અને વીડિયો લિંક મારફતે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા માર્ગદર્શન જેવા પ્રયોગો તો ચાલતા જ હતા પરંતુ  ગરીબ વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ગરીબ વિદ્યાર્થીઓને આનો પુરતો લાભ મળી શકતો ન હતો. અને જેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે  તેવા વિદ્યાર્થીઓને પણ રૂબરૂ શિક્ષણ જેવી સમજ ઘણી બાબતોમાં પડતી ન હોવાની ફરિયાદો તો થઇ જ રહી છે. સમજી શકાય તેવી બાબત છે કે ઉનાળુ વેકેશન પુરું  થયા બાદ શાળાઓ આટલા મહિનાઓ સુધી બંધ રહી તેના કારણે ઘણુ બધું શિક્ષણ બગડ્યું છે અને ઓનલાઇન શિક્ષણ, ટીવી ચેનલો પર માર્ગદર્શન જેવા વિકલ્પો  શાળામાં શારીરિક હાજરી સાથે શિક્ષણની ખોટ પુરી શક્યા નથી. ઘરે રહીને ઘણા વિદ્યાર્થીઓ ગંભીરતા અને શિસ્ત સાથે અભ્યાસ કરી શકતા નથી તે પણ એક  મહત્વનો મુદ્દો છે.

આ બધી બાબતોને ધ્યાનમાં લઇને ઘણા શિક્ષણશાસ્ત્રીઓ આ વર્ષના શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા સેવી રહ્યા છે. એક સૂચન એવું પણ  છે કે આ આખું શૈક્ષણિક વર્ષ માંડી જ વાળવું અને વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ચડાવવા જ નહીં, પણ આ સૂચન સાથે નહીંવત સંખ્યામાં વાલીઓ સહમત થઇ શકે.  વિદ્યાર્થીઓને નાની કસોટી પરીક્ષાઓ લઇને માસ પ્રમોશન આપી દેવાનો વિકલ્પ છે જેમાં શિક્ષણની ગુણવત્તાના પ્રશ્નો તો ઉભા થઇ જ શકે છે અને અનેક  વિષયોમાં વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જવાનો ભય આમાં રહે છે.

શાળાઓ ૨૧ સપ્ટેમ્બરથી મર્યાદિત રીતે શરૂ કરવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે કેટલીક રાજ્ય સરકારો સહમત થઇ ગઇ છે અને કેટલીક ખંચકાટ અનુભવી રહી છે.  ઝારખંડ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો કેન્દ્રના સૂચન મુજબ શાળાઓ મર્યાદિત રીતે શરૂ કરી દેવા માટે સહમત થઇ ગયા છે જ્યારે જ્યારે દિલ્હી, ઉત્તરાખંડ જેવા રાજ્યો ૩૦  સપ્ટેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો મત ધરાવે છે જ્યારે ગુજરાત સરકાર તો દિવાળી પછી જ શાળાઓ શરૂ કરવાની વાત કરે છે. કોરોનાવાયરસના રોગચાળાના  આ સમયગાળામાં શાળા-કોલેજો ફરી શરૂ કરવાનો મુદ્દો ખરેખર ખૂબ ગુંચવાડાભર્યો, મૂંઝવનારો અને સંવેદનશીલ પણ છે.

આમાં ખાસ કરીને સગીર વયના પોતાના  સંતાનોની સલામતી માટેની વાલીઓની ચિંતા એક સંવેદનશીલ મુદ્દો છે અને શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારોના ખંચકાટનું એક મહત્વનું કારણ આ પણ છે.  કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯ની રસી શોધાય તે પછી જ શાળાઓ શરૂ કરવાના મત સાથે સંમત થઇ શકાય તેમ નથી. આ રસી શોધાતા અને ત્યારબાદ પણ  વ્યાપક રસીકરણ થતા તો ઘણી વાર લાગી શકે છે અને ત્યાં સુધી શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ રાખી શકાય નહીં. ચીન સહિત અનેક દેશોએ શાળાઓ ફરી શરૂ કરી જ  દીધી છે તો કેટલાક દેશોએ શાળાઓ શરૂ કર્યા બાદ ચેપના કેસો વધવાને કારણે ફરી બંધ કરવી પડી છે. ખરેખર કોરોનાવાયરસના આ રોગચાળાના સમયમાં શાળાઓ  ફરી શરૂ કરવાની બાબત ખૂબ ગુંચવાડાભરેલી અને મૂંઝવણોથી ભરપૂર છે.

Related Posts