National

સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા

ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 4ના મોત થયા છે. સોમવારે પોલીસે હિંસા ભડકાવવા બદલ SP સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સદર ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઈઆર બાદ ઝિયાઉર રહેમાન બર્કે કહ્યું કે આ પૂર્વ આયોજિત ઘટના છે. સમગ્ર દેશમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મસ્જિદના બીજા સર્વેની શું જરૂર હતી? સર્વેકર્તાઓ લાકડીઓ લઈને આવ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા.

પોલીસે હિંસા સંબંધિત મામલામાં 7 FIR નોંધી છે. જેમાંથી 6 નામજોગ અને 2500થી વધુ અજાણ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસામાં જીવ ગુમાવનારા ચાર યુવકોના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એસપીએ કહ્યું કે સંભલ તાલુકામાં ઈન્ટરનેટ પ્રતિબંધ એક દિવસ માટે લંબાવવામાં આવી રહ્યો છે. આવતીકાલે એટલે કે મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રહેશે. આજે તમામ શાળાઓ બંધ રહેશે. ડીએમ રાજેન્દ્ર પાંસિયાએ સંભલ જિલ્લામાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

બીજી તરફ મૃતકના પરિજનો દાવો કરે છે કે પોલીસ ગોળીબારના કારણે તેમનું મૃત્યુ થયું છે. જો કે કમિશનરે કહ્યું કે પોલીસ ફાયરિંગમાં કોઈ મૃત્યુ થયું નથી. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં યુવકોએ જીવ ગુમાવ્યો છે. સંભલ પોલીસે પ્રથમ વખત હિંસા સાથે જોડાયેલા બદમાશોના ફૂટેજ જાહેર કર્યા છે.

સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી, અચાનક ત્રણ હજારની ભીડ એકઠી થઈ
રવિવારે સવારે 6.30 વાગ્યે ડીએમ-એસપી સાથેની એક ટીમ જામા મસ્જિદનું સર્વે કરવા પહોંચી હતી. ટીમને જોઈને મુસ્લિમ સમાજના લોકો ગુસ્સે થઈ ગયા. થોડી જ વારમાં લગભગ બેથી ત્રણ હજાર લોકો જામા મસ્જિદની બહાર પહોંચી ગયા. જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો તો ભીડમાંથી કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો. આ પછી નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધાબા પરથી પણ પથ્થરમારો શરૂ થયો, પોલીસને ભાગવું પડ્યું. હંગામો એટલો વધી ગયો કે પોલીસે પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી.

નોટિસ બાદ પણ સાંસદ બર્કે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા – એસ.પી
સંભલના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યું કે અમારા સબ-ઈન્સ્પેક્ટર દીપક રાઠી જે ગઈકાલે ઘાયલ થયા હતા, તેમણે 800 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઝિયાઉર રહેમાન બર્ક અને સોહેલ ઈકબાલને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે ટોળાને ઉશ્કેર્યા હતા. બર્કને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. તેણે અગાઉ પણ ભડકાઉ ભાષણો આપ્યા હતા.

ચંદ્રશેખરે કહ્યું- યુપીમાં ગોળીઓથી ન્યાય થઈ રહ્યો છે
સંભલ હિંસા પર આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે હું હિંસાનો વિરોધ કરું છું. યુપીમાં ગોળીઓથી ન્યાય થઈ રહ્યો છે અને આ ગુંડાગીરી સહન કરી શકાય નહીં. આ એક ષડયંત્ર છે અને આપણા ગરીબ લોકો તેનો શિકાર બની રહ્યા છે.

Most Popular

To Top