સમેન્થા રુથ પ્રભુ હિન્દી ફિલ્મોમાં કયારે કામ કરશે તે તો ખબર નથી પણ હમણાં ‘સીતાડેલ ઇન્ડિયા’માં તે વરુણ ધવન સાથે કામ કરવા તૈયાર થઇ છે. મૂળ ટી.વી. સિરીઝમાં પ્રિયંકા ચોપરા છે તે હવે હિન્દીમાં સમેન્થા વડે આવશે. આપણા પ્રેક્ષકો ટી.વી. શ્રેણીઓ તરફ વળી રહ્યા છે તેમ તેમ મોટા મોટા સ્ટાર્સ પણ વળી રહ્યા છે. સમેન્થા હજુ હિન્દી ફિલ્મો કે ટી.વી. શ્રેણી માટે મોટી સ્ટાર નથી પણ હમણાં તે ‘શાકુંતલમ’ ફિલ્મમાં શકુંતલા તરીકે આવી છે. તેલુગુમાં બનેલી આ ફિલ્મ સંસ્કૃતના મહાન કવિ કાલિદાસની ‘અભિજાન શાકુંતલમ’ આધારીત છે.
સાઉથનો ફિલ્મોદ્યોગ આવી કૃતિ આધારે ફિલ્મ બનાવવાનું વિચારે એ જ તેમની રેન્જ સૂચવે છે અને સમેન્થા તેમાં શકુંતલા બની છે તેનો પણ એવો જ મહિમા થવો જોઇએ. તેની સામે દુષ્યંત તરીકે દેવ મોહન છે. સચિન ખેડેકર મહર્ષિ કણ્વ તરીકે મોહનબાબુ દુર્વાસા તરીકે આ ફિલ્મમાં દેખાશે. સમેન્થા રૂથ પ્રભુની કારકિર્દીની આ મોટી ફિલ્મ કહેવાય અને તે આવા મોટા પાત્રો માટે જ પોતાને તૈયાર રાખે છે.
દિનેશ વિજનની એક હિન્દી ફિલ્મ માટે તેણે હા પાડી છે જેનો હીરો આયુષ્યમાન હશે. સમેન્થાને તરત જ મોટી હિન્દી ફિલ્મો ન જ મળે કારણ કે હિન્દીમાં તેણે તેનો પ્રેક્ષક ઉભો કર્યો નથીપણ સાઉથમાં તે મોટી સ્ટાર છે. ગયા વર્ષે જ તેની ‘યશોદા’ અને ‘કાથુ વાકુલા રેન્ડુ કાધલ’ રજૂ થઇ હતી. આ વર્ષે તેની વિજય દેવરકોન્ડા સાથેની ‘કુશી’ આવવાની છે જેમાં જમ્મુ-કાશ્મીરના પહાડોમાં કાશ્મીરી છોકરી સાથે લશ્કરના અધિકારીને પ્રેમ થઇ જાય છે. મતલબ શકુંતલા પછી પણ તે લવસ્ટોરીની જ નાયિકા તરીકે રજૂ થશે. તેની અન્ય ફિલ્મોમાં ‘ચેન્નઇ સ્ટોરી’ છે.
સમેન્થા પોતાને હિન્દી ફિલ્મો માટે તૈયાર કરી ચુકી છે એટલે જ તેણે મનોજ વાજપેયી સાથે ‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝમાં કામ કરેલું અને હવે ‘સીતાડેલ’ના ભારતીય વર્ઝનમાં કામ કરે છે. સમેન્થા હિન્દીમાં આવવા માટે અજય દેવગણ જેવાનો આધાર લેવા નથી માંગતી. હીરોકેન્દ્રી ફિલ્મમાં પોતાનું મહત્વ ઓછુ થઇ જાય તેની સમજ તેને છે. સાઉથમાં ટોપની હીરોઇન રહ્યા પછી તે આવું શું કામ કરે? તેલુગુ પિતા જોસેફ પ્રભુ અને મલયાલી માતા નીનેતની દિકરી નાગ ચૈતન્યને પરણી હતી પણ 2021ના ઓકટોબરમાં પાંચ જ વર્ષના લગ્ન જીવનનો અંત આવેલો. 35 વર્ષની સમેન્થા હવે પોતાની રીતે કારકિર્દીને આગળ વધારી રહી છે. તમિલની ઘણી બિગબજેટ ફિલ્મોનો હિસ્સો રહેલી સમેન્થા હિન્દી ફિલ્મોમાં શું કરશે? રાહ જુઓ, આવનારા વર્ષોમાં સાઉથ તરફથી ઘણું બની શકે છે. હવે ત્યાંની શકુંતલા અહીંના દુષ્યન્તને પણ શોધી શકે છે. •