SURAT

સચીનની હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં સીધું પાણી છોડતી બે ડાઈંગ મિલોને કલોઝર નોટીસ ફટકારાઈ

સુરત: (Surat) સુરત શહેરમાં સરેઆમ પ્રદૂષણ (Pollution) ફેલાવતો સચીન જીઆઇડીસી વિસ્તાર ફરી વિવાદમાં (Controversy) આવ્યો છે. સચીનની (Sachin) બે ડાઈંગ મિલોને (Dyeing Mill) જીપીસીબી (GPCB) દ્વારા ક્લોઝર નોટીસ (Notice) ફટકારવામાં આવી છે. રોબીન ડાય એન્ડ ઇન્ટરમિડિએટ સહિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીની રચના વીવ્ઝને જીઆઇડીસીની લાઇનમાં પાણી છોડવા બદલ કલોઝર ફટકારવામાં આવ્યા છે.

  • જીપીસીબીની તપાસમાં ત્રણ એકમો પકડાયા હતા, જેમાં રચના વીવ્ઝ, રોબિન ડાઈંગ તેમજ ગૌતમ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થતો હતો
  • ત્રણને નોટિસ અપાઈ હતી પરંતુ રોબિન ડાઈંગ અને રચના વીવ્ઝ દ્વારા પૂર્તતા કરવામાં નહી આવતા ક્લોઝર આપી પાવર કટ કરી દેવાયા

સુરત શહેરમાં લાંબા સમયથી પ્રદૂષણ માફિયાઓ સરકારી તંત્રને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. શહેરના પાંડેસરા જીઆઇડીસી સહિત સચીન જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા એકમો બેફામ બન્યા છે. સચીન જીઆઇડીસીના કેમિકલકાંડના ડાઘ હજી દુર થયા નથી ત્યાં ફરી પ્રદૂષણ ફેલાવનારા એક્ટિવ થઇ ગયા છે. સચીન જીઆઇડીસી અને હોજીવાલા સહિત પાંડેસરા વિસ્તારમાં સતત નિરીક્ષણ ચાલુ કરી દેવાયું છે. આ અંગે પુછપરછ કરતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના કાર્યકારી પ્રાદેશિક અધિકારી જીજ્ઞાબેનએ કહ્યું હતું કે તેમની તપાસ દરમિયાન 3 એકમો પકડાયા હતા. જ્યાં પોલ્યુશન રીલેટેડ કાયદાઓનો ભંગ થતો હતો. સચીન જીઆઇડીસી વિસ્તારની ગૌતમ ઇન્ડસ્ટ્રી તેમજ રોબીન ડાય એન્ડ ઇન્ટરમિડિએટને પંદર દિવસમાં પૂર્તતા કરવા સમય અપાયો હતો.

આ એકમો ખુલ્લેઆમ પ્રદૂષણ ફેલાવાતા હતા. તે પૈકી રોબીન ડાયમાં તો સિક્યુરીટી કેબીન પાસે વ્યવસ્થા કરી પાણી છોડાય તેવી ભીતિ હતી. જેને પગલે જીપીસીબીએ આ એકમને પંદર દિવસમાં કમ્પ્લાયન્સ કરવા સમય આપ્યો હતો. તેવી જ રીતે હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં રચના વીવ્ઝના કારભારીઓ વોટરજેટ મશીન ઓપરેટ કરી તેમાંથી નીકળુતું દૂષિત પાણી જીઆઇડીસીની લાઇનમાં છોડતા હતા. આ મામલે આ એકમને પણ પંદર દિવસમાં પૂર્તતા કરવા જણાવાયું હતું. પરંતુ આ એકમો કોઇ પૂર્તતા નહિં કરી શકતા કલોઝર આપી પાવર કટ કરી દેવાયા છે. સુરત શહેરમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે હવે જીપીસીબી વધુ આકરા પગલા ભરવા સંકતો આપી દીધા છે.

Most Popular

To Top