રશિયામાં જંગી કાર્ગો વિમાન ઇમરજન્સી લેન્ડિંગ વખતે રન-વે પરથી લપસી પડ્યું

રશિયાના એક એરપોર્ટ પર એક વિશાળ માલવાહક વિમાન તાકીદનું ઉતરાણ કરતી વખતે આજે રન-વે પરથી સરકી ગયું હતું જેને નોંધપાત્ર નુકસાન થયું હતું પરંતુ સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી.

વિશ્વના સૌથી મોટા વિમાનોમાં જેની ગણતરી થાય છે તે એન્ટોનોવ કાર્ગો વિમાન ટોલમાચેવો એરપોર્ટ પરથી આજે રવાના થયું કે થોડી જ વારમાં તેમાં તકલીફ સર્જાઇ હતી અને તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે એરપોર્ટ પર પરત ફરવું પડયું હતું.

જો કે તે ઇમરજન્સી લેન્ડિંગ કરે તેની થોડી જ વાર પહેલા તેના એક એન્જિનનો કેટલોક ભાગ એરપોર્ટ પરના ગોદામ પર ઝિંકાયો હતો, જો કે ગોદામ નજીક ઉભેલા કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો. આ પછી આ વિમાને રન-વે પર ઉતરાણ કર્યું ત્યારે તે રન-વે પરથી સરકી ગયું હતું અને ૯૦૦ ફૂટ જેટલા દૂરના અંતરે જઇને અટકયું હતું.

આ ઘટનાથી વિમાનના આગળના પૈંડા અને ડાબી પાંખને ગંભીર નુકસાન થયું હતું. આ વિમાનમાં ૧૪ કર્મચારીઓ હતા. જો કે સદભાગ્યે વિમાનની અંદરના લોકો અને જમીન પરના લોકોની પણ કોઇ જાનહાનિ થઇ ન હતી.

Related Posts