Columns

ऋते ज्ञानाद् न मुक्ति:

અત્યાર સુધી આપણે આઠમા અધ્યાય એટલે કે અક્ષરબ્રહ્મ યોગની વિશદ માહિતી મેળવી. હવે આપણે ગીતાના નવમા અધ્યાય(રાજવિદ્યા યોગ)માં પ્રવેશ કરીએ. આજના યુગનો માનવી અનેક વિડંબણાઓથી ઘેરાયેલો અને અનેક સમસ્યાઓમાં અટવાયેલો છે. બહુધા વ્યક્તિઓના જીવનનો હેતુ યશ, કીર્તિ અને માન મેળવવા જેવી લૌકિક કામનાઓની પૂર્તિ કરવાનો જ હોય છે પરંતુ એમાંથી ઉત્પન્ન થાય છે કદી ન શમનારી પુન: અનેક કામનાઓ. આ જ ઇચ્છાઓ અને વાસનાઓ કારણ બને છે-જન્મજન્માંતરના ફેરાઓનું !

કારણ કે આ કામનાઓનો કોઈ અંત જ નથી અને મનુષ્ય જેમ જેમ ઇચ્છાપૂર્તિઓથી વધારે સુખ મેળવવા પ્રયત્નો કરતો રહે છે, તેમ તેમ આ કામનાઓ વધતી રહે છે અને સુખની અનુભૂતિ થતી નથી. ઊલટું તે આ વિષચક્રમાં ફસાતો રહે છે. અમેરિકાના સંગીતકાર માઈકલ જેક્સને અઢળક સંપત્તિ, યશ અને કીર્તિના માલિક હોવા છતાં હતાશ થઈને આત્મહત્યા કરી હતી.  તો શું મનુષ્ય પોતાના જીવન દરમ્યાન ક્યારેય આ પ્રકારના વિષાદોથી મુક્તિ નથી મેળવી શકતો ? ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સનાતન શાસ્ત્રોમાં આ અજ્ઞાનજન્ય દેહનાં દુઃખોથી મુક્ત થઈને અવિનાશી સુખ મેળવવાની રાજવિદ્યાની વાત વારંવાર પ્રતિપાદિત થઈ છે. આ જ્ઞાનનો અતિશય મહિમા ગીતા ગાય છે.    

ગીતાના નવમા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે-

‘राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् l
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ll9.2ll’

આ વિજ્ઞાનસહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું, ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. આ જ્ઞાન એટલે અક્ષરબ્રહ્મનું જ્ઞાન. બ્રાહ્મીસ્થિતિનું જ્ઞાન.

મોહમાં ડૂબેલો અર્જુન વિષાદોથી ઘેરાઈને આક્રંદ કરતો હતો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેને ગીતાજ્ઞાનનો ઉપદેશ આપીને મોહમાયાની બેડીમાંથી છોડાવવા અને વિષાદને ટાળવા માટે બ્રહ્મજ્ઞાનનું રસાયણ પીવડાવ્યું હતું. આ રસાયણ એટલે ‘બ્રાહ્મી સ્થિતિ’- પરાત્પરનું જ્ઞાન. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મની સ્થિતિ. અર્જુન આવી બ્રાહ્મી સ્થિતિને પામ્યો ન હતો. તેથી મોહમાં પ્લાવિત હતો, પરિણામે તે દુઃખના દરિયામાં ડૂબેલો હતો. અર્જુનના જીવનમાં જો આ જ્ઞાન સિદ્ધ થાય તો તેનો વિષાદ ટળે અને મોહમાયામાંથી છૂટકારો પામી શાશ્વત સુખશાંતિ પામી શકે, એ જ શ્રીકૃષ્ણને અભિપ્રેત હતું.

એટલે જે શ્રીકૃષ્ણ ભગવાન ભગવદગીતાના અંતમાં કહે છે કે ‘ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ‘ અર્થાત જે વ્યક્તિ બ્રહ્મભાવ પ્રાપ્ત કરે કહેતાં બ્રહ્મરૂપ થાય તે પ્રસન્નાત્માને પામે છે. તેને ક્યારેય શોક થતો નથી. તેને કોઈ વાસના રહેતી નથી(ગીતા 18/54). જીવનમાં મનુષ્યે ગમે તેટલી લૌકિક પ્રગતિ કરી હોય કે ધર્મના માર્ગે આગળ વધ્યો હોય પરંતુ જ્યાં સુધી પોતે અક્ષરરૂપ નથી થતો ત્યાં સુધી પરબ્રહ્મ પરમાત્માને સંપૂર્ણપણે નથી પામી શકતો. ભગવાન સ્વામીનારાયણ કિશોરવયમાં નીલકંઠ નામથી ઓળખાતા.

એક વાર આ કઠીન વનવિચરણ દરમ્યાન પોખરાના વનમાં નીલકંઠવર્ણીને મળેલા ગોપાળયોગી જેઓ અષ્ટાંગયોગી હતા. નીલકંઠવર્ણીએ એમને પણ સમજાવ્યું કે આત્મદર્શન કરતાં પણ જો બ્રહ્મ સંગાથે આત્માની એકતા થાય અને એ રીતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને પમાય તો તે સ્થિતિને શુદ્ધ ગુણાતીત સ્થિતિ કહે છે. આ જ સિદ્ધાંત શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક જુદા જ દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યો છે. ત્યાં કહ્યું છે કે-’ब्रह्मोडुपेन प्रतरेत विद्वान् स्त्रोतांसि सर्वाणि भयावहानि ‘અથાર્ત બુદ્ધિશાળી મનુષ્યે અક્ષરબ્રહ્મરૂપી નૌકાનો આશરો લઈ આ ભયંકર માયાના પ્રવાહને તરી જવું .(શ્વેતાશ્વતર ઉપનિષદ 2/8)  પરંતુ આ સિદ્ધાંતને સમ્યક રીતે સમજાવવા માટે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે જેમ રાતનું અંધારુ સૂર્ય વિના ટળતું નથી, કરોડો આગિયા ભેગા થઈને પ્રકાશ કરે તો પણ રાતનું અંધારુ ન હટે. તેમ ગુણાતીત ગુરુ વિના આ જ્ઞાન જીવનમાં સિદ્ધ થઈ શકતું નથી.  આવા એકાંતિક ધર્મવાળા ગુરુ મળવા દુર્લભ છે. આવા ગુરુ સૂર્ય સમાન છે. કનક કામિનીરૂપી સિંધુમાં સિદ્ધ, મનુષ્યને પ્રાણી સર્વે ડૂબકાં ખાય છે, દુઃખ ભોગવે છે. તેને આવા ગુરુ ઉગારે છે અને ભગવાનનું જ્ઞાન આપે છે. આવા ગુરુ બ્રહ્મસ્વરૂપ હોય છે. જીવોને જ્યારે તેમની ઓળખાણ થાય ત્યારે તે ગુરુની શરણમાં જાય છે. ગુરુ તેને ઉત્તમ ઉપદેશ આપીને ત્રિતાપ ટાળે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ કહેતા કે ‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આવા જ એક ભગવાનના ધારક વિરલ સંત હતા જેમના થકી અસંખ્ય લોકોએ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો અનુભવ કર્યો છે અને ભગવાનને પામવાની ખાતરી મેળવી છે.’ તો આવો આપણે પણ આ જ્ઞાનના માર્ગે આગળ વધીએ.

Most Popular

To Top