સમૃદ્ધ અને વગદાર મરાઠા કોમને ખરેખર અનામતની જરૂર છે?

અનામતનો લાભ લેવા સમૃદ્ધ અને વગદાર સવર્ણોમાં હોડ જામી છે. બંધારણના ઘડવૈયાઓ દ્વારા માત્ર પછાત જાતિઓને સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં મર્યાદિત કાળ માટે અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંધારણ અમલમાં આવ્યું તેને ૭૦ વર્ષ વીતી ગયાં પછી પણ આ મર્યાદિત કાળ પૂરો થયો નથી. હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ગુજરાતમાં પાટીદારો, રાજસ્થાનમાં ગુજ્જરો અને હરિયાણામાં જાટો પણ અનામતની માગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે તો ૨૦૧૮ માં વિધાનસભામાં કાયદો પસાર કરીને મરાઠાઓને ૧૬ ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા પછાત કોમોને જે ૫૦ ટકા આરક્ષણ આપવામાં આવે છે તેની ઉપરવટ જઈને આ ૧૬ ટકા આપવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ આરક્ષણની ટકાવારી કોઈ અસામાન્ય સંયોગોને બાદ કરતાં  ૫૦ ટકાથી વધી જવી ન જોઈએ.

મહારાષ્ટ્ર સરકારે કાયદો કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મરાઠાઓ માટે જે ૧૬ ટકા આરક્ષણની જોગવાઈ કરી હતી તેને બોમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈ કોર્ટે આરક્ષણને મંજૂરી આપી હતી પણ ૧૬ ટકાની જોગવાઈને વધુ પડતી જણાવી હતી. હાઈ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે ૧૨ ટકાની અને સરકારી નોકરીઓ માટે ૧૩ ટકાની મર્યાદા બાંધી આપી હતી. હાઈ કોર્ટના ચુકાદાને મરાઠા આરક્ષણવિરોધી નાગરિકો દ્વારા  સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેન્ચ દ્વારા મરાઠા આરક્ષણ પર સ્થગિતનો આદેશ આપવામાં આવ્યો છે, પણ જેમને આરક્ષણના લાભો મળી ચૂક્યા છે તેને ચાલુ રાખવા જણાવાયું છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આરક્ષણના મુદ્દાને બંધારણીય બેન્ચ તરફ વાળવામાં આવ્યો છે. આ ગતિવિધિ જોતાં લાગે છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી ત્યારે તેણે મરાઠાઓના આંદોલન સામે નમી જઈને તેમને આરક્ષણ આપી દીધું હતું; પણ હવે તેઓ વિપક્ષમાં છે ત્યારે તેમાં ફેરફાર કરવા માગે છે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતિ ૩૨ ટકા છે, પણ રાજ્યની ૭૮ ટકા જમીન મરાઠાઓની માલિકીની છે. મહારાષ્ટ્રમાં જેટલાં પણ સાકરનાં કારખાનાં છે, શિક્ષણ સંસ્થાઓ છે, સહકારી બેન્કો છે, તેમાંની મોટા ભાગની મરાઠાઓની માલિકીની છે. મહારાષ્ટ્ર રાજ્યના ૧૬ પૈકી ૧૩ મુખ્ય પ્રધાનો મરાઠા કોમના હતા. મરાઠા આગેવાનો દલીલ કરે છે કે મરાઠાઓની બધી સમૃદ્ધિ પાંચ ટકા લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી છે, બાકીના ૯૫ ટકા આર્થિક રીતે પછાત છે, માટે તેમને અનામતનો લાભ મળવો જોઇએ. ગુજરાતના પાટીદારો પણ આવી જ દલીલ કરી રહ્યા છે. જો મહારાષ્ટ્રના મરાઠાઓ અને ગુજરાતના પાટીદારોની માગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો આવતી કાલે જૈનો, બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો પણ આવી માગણી કરી શકે છે. જો ૯૫ ટકા આર્થિક રીતે નબળા મરાઠાઓને અનામતનો લાભ આપવામાં આવશે તો સદ્ધર મરાઠાઓ તે લાભ જતો કરવા તૈયાર થશે ખરા?

મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસતિ ૩૨ ટકા હોવાથી કોઇ પણ શાસક પક્ષ તેમની માગણીની ઉપેક્ષા કરી શકે નહીં. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવિસે મરાઠાઓની માગણી અન્ય પછાત જાતિઓના પંચને સોંપવાનો નિર્ણય જાહેર કર્યો કે તરત જ સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ સવાલ કર્યો હતો કે, તમે મુસ્લિમોની માગણીની ઉપેક્ષા કરીને મરાઠાઓને લાભ કરાવવા કેમ તત્પર થયા છો? મહારાષ્ટ્ર સરકારને ડર હતો કે જો મરાઠાઓને ઓબીસી ક્વોટા હેઠળ આરક્ષણ આપવામાં આવશે તો રાજ્યના દલિતો તેનો વિરોધ કરશે; કારણ કે તેમના લાભોમાં મરાઠાઓ ભાગ પડાવશે. તેને કારણે મરાઠાઓને ઓબીસી ક્વોટામાં આરક્ષણ આપવાને બદલે તેમના માટે ૧૬ ટકાની અલગ જ કેટેગરી ઊભી કરવામાં આવી હતી.

મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિચિત્ર માગણી કરી હતી કે મુંબઇ શહેરમાં મુસ્લિમોની વસતિ ૨૧ ટકા છે, માટે મુંબઇ મહાનગરપાલિકાના બજેટનો ૨૧ ટકા હિસ્સો મુસ્લિમ કોમના કલ્યાણ માટે ફાળવવો જોઇએ. આ તર્ક મુજબ મુંબઇ મહાનગરપાલિકાએ વર્ષે ૭,૭૭૦ કરોડ રૂપિયા મુસ્લિમોના કલ્યાણની યોજના માટે ફાળવવા પડે. જો મુસ્લિમોની માગણી સ્વીકારી લેવામાં આવે તો મુંબઇના જૈનો, શીખો અને ખ્રિસ્તીઓ પણ આવી માગણી કરી શકે છે.  મુસ્લિમો જો ધર્મના પાયા પર લાભો માગી રહ્યા છે તો મરાઠાઓ જાતિના પાયા પર લાભો માગી રહ્યા છે. કોઇ પણ કોમને કે સમુદાયને તેની લાયકાતના આધારે કે આર્થિક માપદંડને આધારે મદદ કરવી જોઇએ. ધર્મ કે જાતિના આધારે લાભ આપવામાં આવશે તો સમાજમાં ભાગલા પડવાની સંભાવના છે.

ભારતની લોકશાહીની સૌથી નબળી કડી એ છે કે કોઇ પણ શાસક પક્ષને જનતાના મતની જરૂર પડતી હોવાથી તેઓ તેને નારાજ કરવાની હિંમત કરી શકતા નથી. ઘણી વખત રાજકીય પક્ષો વગદાર કોમોનું કે વર્ગોનું તુષ્ટીકરણ કરવા કમ્મરેથી બેવડ વળી જતા હોય છે તો ઘણી વખત તેમના દ્વારા કરવામાં આવતા બ્લેક મેઇલિંગનો ભોગ બની જતા હોય છે, જેને કારણે બંધારણે દેશના તમામ નાગરિકોને બક્ષેલો સમાનતાનો મૂળભૂત અધિકાર જોખમમાં મૂકાઇ જાય છે. હજુ ત્રણ વર્ષ પહેલાં મહારાષ્ટ્ર સરકારે આંદોલન કરી રહેલા કિસાનોને શાંત પાડવા માટે લોનમાફીનું ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું હતું. હવે મરાઠાઓ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

વર્તમાનમાં દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ મળી રહ્યો છે. અનામતનો લાભ મેળવનારા કેટલાક લોકો હવે કરોડોપતિ થયા છે અને ગાડી-બંગલા પણ ધરાવતા થયા છે. આ સમૃદ્ધ નાગરિકોનાં સંતાનોને પણ અનામતનો લાભ મળે અને ગરીબ મરાઠાને કે ગરીબ પાટીદારને તેનો લાભ ન મળે ત્યારે સમાજમાં વિસંવાદિતા પેદા થાય તે સ્વાભાવિક છે. આ સિસ્ટમમાં સામાજિક ન્યાયના બહુચર્ચિત સિદ્ધાંતનો પણ ભંગ થાય છે. દેશનાં તમામ નાગરિકોને જાતિ, ધર્મ કે જ્ઞાતિના લેબલ વિના માત્ર આર્થિક પછાતપણાને ધોરણે અનામતનો લાભ મળે તો જ બંધારણની સમાનતાની ભાવનાનો પણ આદર થાય છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે અનામતની જોગવાઇ કરવામાં આવી હતી તે કામચલાઉ ઉપાય તરીકે જ કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયાઓ ઇચ્છતા હતા કે સ્વતંત્રતાના એકાદ બે દાયકા પછી અનામતની જરૂર રહેશે નહીં.

આપણા રાજકારણીઓએ સ્વતંત્રતાના સાત દાયકા પછી જાતિના ધોરણે અનામતની પ્રથાને નાબૂદ કરવાને બદલે અન્ય પછાત જાતિઓને પણ અનામત આપીને તેને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. હવે દેશના તમામ રાજકીય પક્ષોએ ભેગા મળીને નાગરિકોને આર્થિક ધોરણે અનામત મળે તે દિશામાં પુરુષાર્થ કરવો જોઇએ. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કોમો માટે આરક્ષણનો મુદ્દો બંધારણીય બેન્ચને સોંપ્યો તે પણ મહત્ત્વની ઘટના છે.

સ્વતંત્રતાનાં ૭૨ વર્ષ પછી ભારતે જે પ્રગતિ કરી છે તે જોતાં આરક્ષણ બાબતમાં પણ સમ્યક્ રીતે ફેરવિચારણા કરવાનો સમય પાકી ગયો છે. આ કામ સુપ્રિમ કોર્ટ જ કરી શકે તેમ છે. પોતાની મતબેન્કને જ સર્વસ્વ માનતા રાજકારણીઓ તેમાં દખલગીરી ન કરે તે પણ એટલું જ જરૂરી છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts