દેશના અર્થતંત્રને બેઠું કરવા રિઝર્વ બેન્કે વારંવાર હસ્તક્ષેપ કરવો પડે તે એક કરૂણ સ્થિતિ છે

માર્ચના અંતભાગમાં કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું તેને પરિણામે દેશના અર્થતંત્રને જે ગંભીર ફટકાઓ પડ્યા તેના પછી દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાડે ગયેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે અનેક પગલાઓ ભર્યા છે, પરંતુ આ પગલાઓની હજી પણ પુરતી અસર દેખાતી નથી. આમ તો દેશનું અર્થતંત્ર આ કોરોનાવાયરસની કટોકટી અને તેના પગલે લદાયેલા લોકડાઉનના ઘણા સમય પહેલાથી જ તીવ્ર મંદીથી પીડાવા માંડ્યુ હતું અને લોકડાઉન તથા વાયરસ કટોકટીને કારણે આ મંદી વધુ ઘેરી બની.

દેશના અર્થતંત્રને બેઠું કરવા રિઝર્વ બેન્કે વારંવાર હસ્તક્ષેપ કરવો પડે તે એક કરૂણ સ્થિતિ છે

દેશના અર્થતંત્રને વેગ આપવા માટે સરકારે પ્રોત્સાહક પગલાઓ અમલમાં મૂક્યા અને પછી વડાપ્રધાને જંગી પેકેજ પણ જાહેર કર્યું. સરકારના પ્રોત્સાહક પગલાઓને ટેકા તરીકે આરબીઆઇએ પણ વિવિધ પગલાઓ અમલમાં મૂક્યા. અનેક વખત રેપો રેટ ઘટાડવાથી માંડીને ધિરાણ લેનારાઓને રાહત આપવા માટે ત્રણ મહિનાઓ સુધી ધિરાણ ચુકવણીના હપ્તાઓ ભરવામાંથી છૂટ જેવા અનેક પગલાઓ રિઝર્વ બેન્કે જાહેર કર્યા છે ત્યારે હજી પણ સરકારના અને આરબીઆઇના આ પગલાઓની પુરતી અસર દેશના અર્થતંત્ર પર દેખાતી નથી ત્યારે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે જરૂર જણાશે તો આરબીઆઇ હજી પણ દેશના અર્થતંત્રને બેઠું કરવા માટે પગલાઓ ભરતા અચકાશે નહીં.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે  ઉદ્યોગજગતને હાલમાં ખાતરી આપી છે કે મધ્યસ્થ બેંક આર્થિક સ્થિતિ પર બારીક નજર રાખે છે અને યોગ્ય પગલાઓ લેતા અચકાશે નહીં, જ્યારે તેમણે કોવિડ-૧૯થી અસરગ્રસ્ત બનેલ વિકાસને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોકાણ કરવા પર ભાર મૂક્યો હતો. ઉદ્યોગ ચેમ્બર સીઆઇઅાઇના સભ્યોને સંબોધન કરતા દાસે જણાવ્યું હતું કે કેટલાક ટાર્ગેેટેડ મેગા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોને વધુ વેગ આપવાથી અર્થતંત્રને વેગ મળી શકે છે જેવું ભૂતકાળમાં ગોલ્ડન ક્વોડ્રિલેટર પ્રોજેકટમાં કરવામાં આવ્યું હતું.આ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ એક્સપ્રેસ હાઇવેના કેસમાં કરી શકાય છે અને અાનાથી અર્થતંત્રને લાભ થઇ શકે છે.

આપણા માળખાકીય રોકાણો માટે બંને જાહેર અને ખાનગી રોકાણો મહત્વના છે એ મુજબ તેમણે જણાવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણના વિકલ્પો અંગે તેમણે જણાવ્યું હતું કે આમાં બેન્કો દ્વારા અપાયેલ ધિરાણોમાં એનપીએનું પ્રમાણ વધારે રહ્યું છે અને આ સેકટરને ભંડોળો પુરા પાડવા માટે વૈવિધ્યપૂર્ણ વિકલ્પોની જરૂર છે. હું તમને ખાતરી આપી શકું છું કે આરબીઅાઇ અત્યંત જાગૃત છે. અમે સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છીએ અને જ્યારે અને જેવા પગલાઓની જરૂર પડશે તો તે ભરતા અમે અચકાઇશું નહીં…તમે જાણો છો કે આરબીઆઇ કઇ રીતે હસ્તક્ષેપ કરે છે… એ મુજબ અારબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું. તાજેતરમાં કૃષિ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઅોની સરાહના કરતા દાસે કહ્યું હતું કે આ પહેલને કારણે ઉદ્યોગો અને વેપાર માટે તકોનું આખું વિશ્વ ઉભુ થઇ ગયું છે અને નવી રોજગારીના સર્જન સાથે ખેડૂતોની આવક પણ વધી છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે લાંબા સમયથી માહિતી અને સંદેશવ્યવહાર ટેકનોલોજીનું ક્ષેત્ર ભારતના વિકાસ માટે ઘણુ મહત્વનું રહ્યું છે. આપણા અર્થતંત્રમાં ફેરફારો ઉદ્યોગ જગત માટે પડકારોની સાથે તક પણ ઉભી કરે છે અને એક શાંત ક્રાંતિ સર્જવામાં ઉદ્યોગ જગતે મહત્વની ભૂમિકા ભજવવાની છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કના ગવર્નરે ઉદ્યોગ જગતને ખાતરી તો આપી છે કે જરૂર પડ્યે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પગલાઓ ભરતા અચકાશે નહીં પણ કયા પ્રકારના પગલાઓ ભરશે તેનો ફોડ તેમણે આપ્યો નથી. રેપો રેટ અને રિવર્સ રેપો રેટને આરબીઆઇ કેટલી હદે નીચે લઇ જઇ શકે? દેખીતી રીતે આરબીઆઇના હવે પછીના પગલાઓ પણ સિસ્ટમમાં નાણા પ્રવાહ વધારવા અંગેના હશે જ, તો તે કેવી રીતેે આ કાર્ય હાથ ઘરે છે તે જોવાનું રહે છે.

એનપીએના ઢગલા હેઠળ દબાયેલી જાહેર ક્ષેત્રની બેંકોનું વારંવારનું ફેરમૂડીકરણ કરવું એ લાંબે ગાળે તો દેશના અર્થતંત્ર માટે નુકસાનકારક જ સાબિત થશે. લાગે છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ આરબીઆઇની પણ આકરી કસોટી કરી રહી છે. આમ તો આ મધ્યસ્થ બેંકે દેશની નાણાકીય વ્યવસ્થા યોગ્ય રીતે ચાલતી રહે તેનું જ ધ્યાન રાખવાનુ હોય, પણ દેશના કથળેલા અર્થતત્રને વેગ આપવા માટે મધ્યસ્થ બેંકે વારંવારના અને હદ બહારના હસ્તક્ષેપ કરવા પડે તે એક કરૂણ બાબત છે.

Related Posts