ભારતમાં આમ તો અનેક એવા સ્થળો છે જેની ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને દાવો કરી રહ્યાં છે. જેમાં રામ જન્મભૂમિનો વિવાદ શમી ચૂક્યો છે ત્યારે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની જો વાત કરીએ તો આ મામલો હાલમાં વારાણસી કોર્ટ પૂરતો સિમિત હતો પરંતુ તેના એક બે જજમેન્ટ આવ્યા બાદ કેટલાક પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે અને સુપ્રીમે હાલ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટને કોઇ પણ કાર્યવાહી ઉપર રોક લગાવી છે. તે પહેલા વારાણસી કોર્ટે કમિશનની નિમણૂક કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરાવવાનો આદેશ કર્યો હતો. આ સર્વે દરમિયાન અહીંથી 12 ફિટનું શિવલિંગ મળી આવ્યાની વાત કોર્ટ સમક્ષ કહેવામાં આવી છે.
જો કે, મુસ્લિમ પક્ષ તે શિવલિંગ નહીં પરંતુ ફુવારો હોવાની વાત કહી રહ્યો છે. જો કે કોર્ટનો કોઇ નિર્ણય આવે તે પહેલા આ મામલે રાજનિતી ચોક્કસ જ શરૂ થઇ ગઇ છે. તેવી જ રીતે શ્રી કૃષ્ણના જન્મભૂમિનો મામલો પણ અદાલતમાં ચાલી રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને અન્ય ખાનગી પક્ષોએ અરજીમાં અપીલ કરી છે કે ઇદગાહ મસ્જિદને હટાવીને જમીનની માલિકી તેમને સોંપવામાં આવે. ઇદગાહ મસ્જિદ શ્રી કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં બનાવવામાં આવી છે, જે ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવે છે.
સમગ્ર વિવાદ 13.37 એકર જમીનને લઈને છે, જે અરજદારોનો દાવો છે કે તે ભગવાન કૃષ્ણની છે. સપ્ટેમ્બર 2020માં નીચલી અદાલત દ્વારા પ્રથમ અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશ સમક્ષ આ કેસમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. હવે આ સિવિલ કેસની સુનાવણી નીચલી કોર્ટ કરશે. રેવન્યુ રેકોર્ડ્સ જોવા ઉપરાંત, કોર્ટે મંદિર મેનેજમેન્ટ ઓથોરિટી-શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટ વચ્ચેના 1968ના કરારની માન્યતા પણ નક્કી કરવી પડશે. આ કરારમાં મંદિર સત્તાવાળાએ જમીનનો વિવાદિત ભાગ ઈદગાહને આપ્યો હતો. તેવી જ રીતે મધ્યપ્રદેશના ધારમાં પણ વર્ષોથી એક જ સ્થળ ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોનો દાવો છે.
અહીં આવેલી ભોજશાળામાં સરસ્વતી મંદિરનો દાવો કરી હિન્દુઓ પૂજા અર્ચનાની માગ કરી રહ્યાં છે તો મુસ્લિમ પક્ષ તેને ઇદગાહ ગણે છે. આ મામલો પણ સમયાંતરે પ્રકાશમાં આવતો જ રહે છે.દુનિયાની સાત અજાયબીઓમાની એક આગ્રાનો સુંદર તાજમહેલ, જે પોતાની સુંદરતા અને બનાવટ તેમજ કારીગરીને લઇને ચર્ચામાં રહે છે, તેના કરતા હવે હિન્દુ મિસલમાન લોકોમાં આપસી મતભેદ વધી ગયો છે. પોતપોતાના વિવાદોના કારણો પણ અલગ છે. મુસલમાનોનું માનવુ છે કે,શાહજહાએ પોતાની પત્નીના પ્રેમની નિશાનીના રૂપમાં 17 મી સદીમાં આ તાજમહેલ બંધાવ્યો હતો.
આગ્રાના તાજમહેલને લઇને હિન્દુઓનો દાવો છે કે, તાજમહેલ એક શિવ મંદિર હતુ. જેના માટે આગ્રા કોર્ટે 2015માં એક પીટિશન પણ દાખલ કરી હતી. 12 મી શતાબ્દીમાં ઇલ્તુતમિશે બનાવેલી મિનારના રૂપમાં કુતુબ મીનાર ઓળખાય છે. તો ઘણા હિન્દુઓ માને છે કે, આ કુતુબ મીનાર એ એક સમયમાં હિન્દુ ધર્મનું પ્રસિદ્વ મંદિર હતુ. જેમાં મીનારના હિન્દુ ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગની એક પ્રયોગશાળા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ તો વાત થઇ આપણા દેશની પરંતુ દુનિયામાં પણ અનેક સ્થળોએ ધાર્મિક સ્થળના માલિકીના મુદ્દે ભારતથી પણ મોટા વિવાદ ચાલી રહ્યાં છે.
આવું જ એક પવિત્ર શહેર છે જેરુસલલેમ. જેરુસલેમ ઇઝરાયેલમાં સ્થિત એક નાનું શહેર છે, જે એક નહીં પરંતુ ત્રણ ધર્મોમાં તેની ધાર્મિક આસ્થા પૂજનીય છે, યહૂદીઓના ધાર્મિક સ્થળ ‘જેરુસલેમ’ને અરબી ભાષામાં અલ-કુદુસ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ખ્રિસ્તીઓના મસીહા ઇસુનો જન્મ અહીં થયો હતો. તે જન્મથી યહૂદી હતા. તે જ સમયે, તેમને અરબીમાં ઇસ્લામના પયગંબર પણ માનવામાં આવે છે. એટલા માટે આ ત્રણેય ધર્મો તે ધાર્મિક સ્થળ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. આ પવિત્ર સ્થળ ઉપર ખ્રિસ્તી, આરબ અને યહુદી ત્રણેય દાવો કરી રહ્યાં છે. તેવી જ રીતે તારીખાનેહ મંદિર-મસ્જિદ ઈરાનના દામઘાનમાં સ્થિત આ પારસી સૂર્ય મંદિર છે, જે ત્યાંના માઇનોરિટી કમ્યુનિટી માટેનું ધાર્મિક સ્થળ છે, પરંતુ 8મી સદીમાં પારસી રાજા સસ્નિદની સત્તાના પતન પછી તેને તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવી હતી. આ હિસાબે તેને ઈરાનની સૌથી જૂની મસ્જિદ માનવામાં આવે છે. સમયાંતરે પારસીઓ આ મંદિરને પાછું મેળવવાનો પ્રયત્ન પણ કરતા જોવા મળ્યા છે, પરંતુ સંખ્યા ઓછી હોવાના કારણે તેમને હંમેશા દબાઇ દેવામાં આવ્યા છે. જો કે આ વિવાદ ભલે ધાર્મિક હોય પરંતુ તેનો લાભ હંમેશા રાજકીય પક્ષોને જ થયો છે. ભારત હોય કે પછી કોઇ અન્ય દેશ. જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે જ આવા મુદ્દા ઉછળે છે અને વિકાસની વાતો કરવાના બદલે લોકોની લાગણી સાથે રમવામાં આવે છે. અને સૌથી નવાઇની વાત તો એ છે કે તેમાં મહદ્દઅંશે રાજકીય નેતાઓ સફળ પણ થાય છે. એટલે ધાર્મિક લાગણી કોઇપણ પક્ષની ગમે તેટલી હોય પરંતુ કોઇ તેનો રાજકીય લાભ લઇ જાય તે કોઇ કાળે ચલાવી લેવું જોઇએ નહીં.