રિલાયન્સ અને એમેઝોન વચ્ચે ૨૦ અબજ ડોલરનો સોદો થવાનો છે

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૩ મિનિટનું ભાષણ આપ્યું તેમાં ૧૭ વખત આત્મનિર્ભર શબ્દનો પ્રયોગ કર્યો હતો. અત્યાર સુધી આપણે માનતા હતા કે આપણા દેશની કંપનીઓ દ્વારા આપણા દેશમાં પેદા થયેલો માલ જ વેચવામાં આવે તેને આત્મનિર્ભર ભારત કહેવાય. હવે ભાજપે અને મોદીએ આત્મનિર્ભર શબ્દનો અર્થ જ બદલી નાખ્યો છે. તેમની નવી પણ કઢંગી વ્યાખ્યા પ્રમાણે જો કોઈ વિદેશી કંપની આપણા દેશમાં આવીને આપણા દેશનો માલ આપણા દેશમાં, આપણી જ પ્રજાને વેચે અને તેનો નફો પોતાના દેશમાં લઈ જાય તો તેને પણ આત્મનિર્ભર ભારત કહેવાય. ગાંધીજી કહેતા હતા કે લોકોએ સ્થાનિક ધોરણે પેદા થયેલો માલસામાન જ વાપરવો જોઈએ, જેથી આપણા દેશનાં શ્રમજીવીઓને લાભ થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્થાનિક કહેતા લોકલ પેદાશને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે. તાજેતરના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ‘‘સમયે આપણને શીખવ્યું છે કે આપણે સ્થાનિકને આપણો જીવનમંત્ર બનાવવો પડશે.’’

રિલાયન્સ અને એમેઝોન વચ્ચે ૨૦ અબજ ડોલરનો સોદો થવાનો છે

તેમની સ્થાનિકની વ્યાખ્યામાં પણ મલ્ટિનેશનલ કંપનીઓ માટે તક છે. જો એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપની રિલાયન્સ જેવી સ્થાનિક કંપની સાથે ભાગીદારી કરીને ભારતના સ્થાનિક વેપારીઓની કમ્મર ભાંગી નાખે તો ભાજપ તેને પણ સ્થાનિક મંત્રનો ભાગ કહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સ્વદેશી જાગરણ મંચ જેવી સંસ્થાઓ દાયકાઓથી મલ્ટિબ્રાન્ડ રિટેલમાં વોલમાર્ટ જેવી જાયન્ટ કંપનીઓને પ્રવેશ આપવાનો વિરોધ કરતી રહી છે; કારણ કે તેથી ભારતનાં કરોડો નાના દુકાનદારો બેરોજગાર થઈ જવાનો ડર છે. હવે ભારતની જાયન્ટ રિલાયન્સ કંપની પોતાના રિટેલ બિઝનેસનો ૪૦ ટકા હિસ્સો ટેકનોલોજી જાયન્ટ એમેઝોનને ૨૦ અબજ ડોલરમાં વેચવાની તૈયારી કરી રહી છે. જો આ સોદો થશે તો તે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ હશે. આ કંપનીઓ ભેગી થઈને મરવા પડેલાં કરોડો નાના વેપારીઓની કબર ખોદવાની ક્ષમતા ધરાવે છે.

કોરોનાને કારણે દેશમાં અને દુનિયાભરમાં જે લોકડાઉન ઠોકી બેસાડવામાં આવ્યું તેને કારણે અનાજ, કરિયાણું, કાપડ વગેરે વેચતા કરોડો નાના વેપારીઓ ખોટના ખાડામાં ઊતરી ગયા છે, પણ ડેટા, મોબાઇલ, ઈ-કોમર્સ વગેરે સેવાઓ આપતી કંપનીઓનો નફો બેફામ વધી ગયો છે. લોકડાઉનને કારણે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિમાં વિક્રમી વધારો થયો છે. હવે તેની સંપત્તિ ૨૦૦ અબજ ડોલરથી પણ વધી ગઈ છે. આ વર્ષના જાન્યુઆરી મહિનાથી લઈને આજ સુધીમાં તેની સંપત્તિમાં ૭૪ અબજ ડોલરનો વધારો થયો છે.

લોકડાઉન દરમિયાન જેફ બેઝોસની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો કોરોનાને કારણે ઘરમાં જ બંધ થઈ ગયાં હોવાથી તેમણે ઓનલાઇન ખરીદી કરવાનું પસંદ કર્યું હતું. દાખલા તરીકે કોઈ ગલીના નાકા પર શાકભાજીની દુકાન હોય તો તેમાંથી ખરીદી કરવાનું ટાળીને ગૃહિણીઓ એમેઝોન પર શાકભાજી ખરીદવાનું રાખતી હતી. આ રીતે આપણા દેશની ચીજો આપણા દેશની જનતાને વેચીને એમેઝોને નફો કર્યો હતો; જ્યારે પડોશમાં રહેતા દુકાનદારો ગ્રાહકની રાહ જોઈ બેસી રહેતા હતા.

લોકડાઉન દરમિયાન જેમ જેફ બેઝોસની સંપત્તિમાં પ્રચંડ વધારો થયો તેમ ભારતના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ જોરદાર વધારો થયો હતો. મુકેશ અંબાણી ૮૮ અબજ ડોલરની સંપત્તિ સાથે વોરેન બફેટને વટાવીને વિશ્વના પાંચમા  નંબરના ધનિક બની ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ લોકડાઉન દરમિયાન લોકો ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરવા લાગ્યાં હોવાથી જિયોનો નફો વધતો ગયો અને તેનું માર્કેટ કેપ પણ વધવા લાગ્યું. તેનો સૌથી વધુ ફાયદો મુકેશ અંબાણીને થયો હતો. હવે જો વિશ્વનો સૌથી ધનિક માણસ ભારતના સૌથી ધનિક માણસ સાથે ધંધામાં ભાગીદારી કરશે તો ભારતમાં ઓનલાઈન ઉપરાંત ઓફલાઇન છૂટક વેપાર પર પણ તેમની મોનોપોલી સ્થપાઈ જશે. એમેઝોન કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડનો ૪૦ ટકા હિસ્સો ખરીદી લેવા માટે તેમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરવા માગે છે.

ભારતમાં સુગ્રથિત રિટેલના ક્ષેત્રમાં જો કોઈ પહેલવહેલી અને સૌથી મોટી કોઈ કંપની હોય તો તે ફ્યુચર ગ્રુપની બિગ બાઝાર હતી. રિલાયન્સે તાજેતરમાં ફ્યુચર ગ્રુપને ૨૪,૭૧૩ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું. આ કારણે તે સુગ્રથિત રિટેલ ક્ષેત્રની ભારતની સૌથી મોટી કંપની બની ગઈ હતી. હવે જો એમેઝોન રિલાયન્સ રિટેલમાં ૪૦ ટકા હિસ્સો ખરીદી લેશે તો બિગ બાઝાર કંપનીએ દાયકાઓની મહેનત પછી જે ધંધો જમાવ્યો છે તેમાં એમેઝોન પણ ભાગીદાર બની જશે.

રિલાયન્સે લોકડાઉન શરૂ થયું તે પછી જિયોમાં તેનો હિસ્સો વિદેશી કંપનીઓને વેચવાની શરૂઆત કરી હતી. ફેસબુક અને ગુગલ જેવી એક ડઝન કંપનીઓને જિયોના શેરો વેચીને તેમણે ૨૦ અબજ ડોલર જેટલી મૂડી ઊભી કરી હતી. તેમ કરીને તેમણે ભારતની બેન્કો પાસેથી લીધેલી આશરે દોઢ લાખ કરોડ રૂપિયાની લોનો ચૂકવી દીધી હતી. ચાલુ વર્ષમાં જ મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨૪ અબજ ડોલરનો વધારો થયો હતો. રિલાયન્સ જિયો ભારતનાં ૭,૦૦૦ શહેરોમાં કુલ ૧૨,૦૦૦ જેટલી દુકાનો ધરાવે છે. તદુપરાંત જિયોમાર્ટના પ્લેટફોર્મ મારફતે તે ઓનલાઇન બિઝનેસ પણ કરે છે. એમેઝોન કંપની ભારતમાં ઓનલાઇન બિઝનેસમાં સૌથી મોટી કંપની છે. તેણે પોતાની તાકાત પર ભારતમાં રિટેલ ધંધામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી જોયો, પણ ભારતના કાયદાઓ તેને નડી રહ્યા છે. વળી ભારતની સરકાર અને અમલદારશાહી સાથે કેવી રીતે કામ પાડવું તેની પણ તેને સમજણ નથી. જો તે રિલાયન્સ સાથે ભાગીદારી કરે તો તે તમામ સમસ્યાઓ હલ થઈ જાય તેમ છે. રિલાયન્સ જિયો ભારતની સૌથી મોટી મોબાઇલ કંપની બની ગઇ છે. તેનાં આશરે ૪૦ કરોડ ગ્રાહકો છે. રિલાયન્સે ફેસબુક અને ગુગલ સાથે પણ ભાગીદારી કરી છે. ફેસબુક વ્હોટ્સ એપની પણ માલિકી ધરાવે છે.

રિલાયન્સ હવે ફેસબુક સાથેની ભાગીદારીનો ઉપયોગ કરીને દેશનું સૌથી મોટું ઇ કોમર્સનું પ્લેટફોર્મ ઊભું કરવા માગે છે. તેમાં રિલાયન્સની સ્પર્ધા સીધી એમેઝોન સાથે હશે. જો રિલાયન્સ ફેસબુક અને ગુગલ સાથે મળીને ઇ કોમર્સનો બિઝનેસ કરે તો એમેઝોનની મોનોપોલી તૂટી જાય. માટે તે રિલાયન્સ સાથે ભાગીદારી કરવાની વિચારણા કરી રહી છે. રિલાયન્સ અને એમેઝોન જો ભેગાં થઈ જાય તો ભારતમાં પરચુરણ વેપારીઓ તેની સામે ટકી શકે જ નહીં.

હવે તો કોઈ સ્વદેશી કંપનીમાં રોકાણ કરવામાં કે તેનો માલ ખરીદવામાં પણ જોખમ છે. ફ્લિપકાર્ટ નામની કંપની શુદ્ધ સ્વદેશી હતી અને તેનો કન્ટ્રોલ પણ ભારતીયો પાસે હતો. એક દિવસ વોલમાર્ટે ફ્લિપકાર્ટ ખરીદી લીધી માટે તે રાતોરાત વિદેશી કંપની બની ગઇ. તેવી રીતે આપણે બધાં માનતાં હતાં કે રિલાયન્સ જિયો ભારતીય કંપની છે. હવે વિદેશી કંપનીઓ દ્વારા તેનો ૨૫ ટકા હિસ્સો ખરીદી લેવામાં આવ્યો હોવાથી તે તેટલા અંશે વિદેશી કંપની બની ગઈ છે.

સરકારે રિલાયન્સને સ્વદેશી કંપની ગણીને જેટલા પણ લાભો આપ્યા તેનો ફાયદો હવે વિદેશી કંપનીઓ ઉઠાવી રહી છે. હવે ટૂંક સમયમાં સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ વેચવા કાઢવાની છે. તે કંપનીઓ પણ સ્વદેશી કંપનીઓના માર્ગે વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે તો ભારતની હાલત કેવી થશે?

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts