National

યુપી પોલીસમાં 60 હજાર ભરતીઓ, 20% દીકરીઓને મળશે અનામત, યોગી સરકારની મોટી જાહેરાત

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી પોલીસમાં (UP Police) નોકરીઓને લઈને મોટી જાહેરાત (Announcement) કરી હતી. એક સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગમાં હમણા સુધીની સૌથી વધુ 60 હજાર ભરતી કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી પોલીસમાં 60 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી સીધી સરકાર દ્વારા કરવામાં આવશે. જે રક્ષાબંધન પછી થશે અને તેમાંથી 20 ટકા જગ્યાઓ દીકરીઓ માટે આરક્ષિત હશે. આ પહેલા ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં ક્યારેય એક સાથે 60 હજાર ભરતી થઈ નથી. સીએમ યોગીએ કહ્યું કે અમે પોલીસ વિભાગમાં 20 ટકા દીકરીઓની ભરતી કરીશું, જેથી તેઓ પીડિતાઓને યોગ્ય ન્યાય આપી શકે.

આંબેડકર નગરમાં એક સભાને સંબોધતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “7 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશને ભારતનું ‘ડાર્ક સ્પોટ’ માનવામાં આવતું હતું. કહેવામાં આવતું હતું કે યુપી ભારતના વિકાસમાં અવરોધ છે અને આજે યુપી બ્રાઇટ સ્પોટ બની ગયું છે અને દેશમાં સૌથી આગળ છે.’’

CMએ વધુમાં કહ્યું કે યુપીનો ભારતના વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. અહીં રમખાણો અને અરાજકતા હતી, માફિયાઓનું વર્ચસ્વ હતું, દીકરીઓ અને ઉદ્યોગપતિઓ સુરક્ષિત નહોતા, આજે યુપી રોકાણ માટે એક સ્વપ્ન સ્થળ છે. ઉત્તર પ્રદેશ ભવિષ્યમાં કોઈની પણ મદદ કરી શકે છે અમે અહીં કોઇપણ ગડબડ થવા દઇશુ નહીં. એક સમય હતો જ્યારે યુવાનો માટે ભર્તીઓ નીકળતી અને ‘કાકા-ભત્રીજા’ની ટોળકી ‘વસુલી’ પર નીકળી પડતી. હવે જો કોઈ આવું કરશે તો અમે તેની મિલકત જપ્ત કરીશું અને ગરીબોમાં વહેંચી કલ્યાણ કરીશું.”

આગામી દિવસોમાં યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજ્યમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે. ત્યારે વિપક્ષ બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહી છે અને તેનો સરકાર સામે હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. અગાઉ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે પણ બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરી હતી. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા વિપક્ષનો બેરોજગારીનો મુદ્દો પૂર્ણ કરવા માટે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે.

બીજી બાજુ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ઉત્તર પ્રદેશમાં સહાયક શિક્ષક ભરતી પરીક્ષા (ATRE) હેઠળ 69 હજાર શિક્ષકોની નિમણૂક માટે જૂન 2020 માં જાહેર કરાયેલ પસંદગી યાદી અને 5 જાન્યુઆરીએ 6800 ઉમેદવારોની પસંદગી યાદીને અવગણી હતી. તેમજ આ યાદી ફરી બનાવવાના આદેશો આપ્યા હતા.

Most Popular

To Top