Entertainment

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટથી રાહત

ભાઈ શ્રીપાલ બોલ્યા“15 વર્ષ બાદ અમારી વાત સાંભળવામાં આવી”; 1200 સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વનો વળાંક આવ્યો છે. 7 ઓક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવ પોતે હાજર રહ્યા હતા અને તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ તથા વર્ષોથી ચાલી રહેલા વિવાદ અંગે કોર્ટ સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. કોર્ટે તાત્કાલિક ₹2 કરોડની ચુકવણી કરવાની શરત સાથે તેમને રાહતનો માર્ગ આપ્યો છે. રાજપાલ યાદવે ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જ્યારે બાકીના ₹85 લાખ માટે તેમની મિલકતના સંભવિત ખરીદદારે ચુકવણી કરવાની તૈયારી દર્શાવી છે.આ સમગ્ર વિવાદ રાજપાલ યાદવની વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલો છે. આ ફિલ્મ માટે રાજપાલ યાદવને મર્લી પ્રોજેક્ટ્સ નામની કંપની પાસેથી આશરે ₹5 કરોડની રકમ મળી હતી. ફિલ્મનું નિર્માણ અને સમયસર પૂર્ણ થવામાં મુશ્કેલી ઊભી થતાં બંને પક્ષો વચ્ચે અનેક કરાર થયા હતા. બાદમાં નાણાકીય ચુકવણીને લઈને વિવાદ વધ્યો અને રાજપાલ યાદવ દ્વારા આપવામાં આવેલા કેટલાક ચેક બાઉન્સ થતાં કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી.

કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની સામે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. નીચલી અદાલતમાં કેસ ચાલ્યા બાદ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ તેમની સજા અંગેનો નિર્ણય જાળવી રાખ્યો હતો. રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. જોકે, તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.આ દરમિયાન ચુકવણીને લઈને તેમને અગાઉ પણ કોર્ટ તરફથી અનેક તકો આપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટમાં પોતાની વાત રાખતા રાજપાલ યાદવે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ વિવાદને કારણે તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. તેમણે ખાસ કરીને ‘અતા પતા લાપતા’ ફિલ્મનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ફિલ્મ પાછળ તેમને આશરે ₹17 કરોડનું નુકસાન થયું હતું. રાજપાલના જણાવ્યા પ્રમાણે, ફિલ્મને કારણે તેમનું ઘણું મોટું રોકાણ અટવાઈ ગયું અને ત્યારથી તેમની આર્થિક સ્થિતિ પર અસર પડી. તેમણે એવો પણ દાવો કર્યો કે ફિલ્મની રિલીઝને અસર થઈ હતી અને ફિલ્મ લગભગ 1200 સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ એક પણ સિનેમાઘરમાં રિલીઝ થઈ શકી નહોતી.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે રાજપાલ યાદવને ચુકવણીનો રસ્તો કાઢવા કહ્યું. કોર્ટના વાતાવરણમાં એક સમયે હળવી ક્ષણ પણ આવી, જ્યારે મુખ્ય ન્યાયાધીશે તેમને સારી ફિલ્મ બનાવી ફરી દર્શકોનું મનોરંજન કરવાની સલાહ આપી. કોર્ટનું કહેવું હતું કે સારી ફિલ્મ બનાવવાથી તેમની છબી ફરી મજબૂત થઈ શકે છે. રાજપાલ યાદવે પણ કોર્ટમાં પોતાના છેલ્લા ઘણા વર્ષોના અનુભવો પર ફિલ્મ બનાવવાનો વિચાર હોવાનું જણાવ્યું અને તેનું નામ ‘સોળ સાવન ઝેલ કે’ રાખવાની વાત કરી.આ દરમિયાન રાજપાલ યાદવના ભાઈ શ્રીપાલ યાદવે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા મુજબ,લાંબા સમય બાદ પરિવારની વાત કોર્ટમાં સાંભળવામાં આવી રહી છે અને તેમને આશા છે કે હવે આ વિવાદનો યોગ્ય ઉકેલ આવશે.હાલ સુપ્રીમ કોર્ટે ₹2 કરોડની ચુકવણી સાથે જોડાયેલી પ્રક્રિયાને મહત્વ આપી છે. રાજપાલ યાદવ તરફથી ₹1.15 કરોડની રકમ રજૂ કરવામાં આવી છે, જ્યારે બાકીના ₹85 લાખ માટે મિલકતના ખરીદદારે ચુકવણી કરવાની તૈયારી બતાવી છે. હવે આગામી સુનાવણીમાં આ સમગ્ર ચુકવણી અને કેસની આગળની કાનૂની કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

Most Popular

To Top