રાજકુમાર રાવને સાથી હીરો જ અભિનયમાં ટક્કર આપશે!

રાજકુમાર રાવની આગામી બે ફિલ્મોમાં કામ કરતા અભિનેતાઓ તેને મોટો પડકાર આપી રહ્યા હોય એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. ‘છલાંગ’ માં જીશાન ઐયુબ અને ‘ધ વ્હાઇટ ટાઇગર’ માં આદર્શ ગૌરવ રાજકુમારની જેમ જ વધુ પ્રભાવિત કરી રહ્યા છે. ‘ધ વ્હાઇટ ટાઇગર’ માં રાજકુમાર અને પ્રિયંકા ચોપડા જોનસ જેવા સ્ટાર્સ હોવા છતાં આદર્શ ગૌરવનો અભિનય બધાંનું ધ્યાન ખેંચી રહ્યો છે. દસ વર્ષ પહેલાં શાહરૂખ ખાને જે ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો એમાં તેના બાળપણની ભૂમિકા કરનાર આદર્શ એક દિવસ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે એવી કોઇએ કલ્પના કરી નહીં હોય. ખુદ રાજકુમાર તેના અભિનયથી પ્રભાવિત છે.

‘ધ વ્હાઇટ ટાઇગર’ નામના પ્રખ્યાત પુસ્તક પર આધારિત આ ફિલ્મમાં રાજકુમાર અને પ્રિયંકા એનાઆરઆઇ પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે તેમના ગરીબ ડ્રાઇવર તરીકે આદર્શ છે. તેનો અભિનય જોયા પછી એમ કહેવામાં આવી રહ્યું છે કે આખી ફિલ્મનું સંચાલન તેના હાથમાં છે.

તે રાજકુમારને દગો આપીને ઘણી પ્રગતિ કરે છે. એક સીધોસાદો ડ્રાઇવર બલરામ કેવી રીતે ખોટા માર્ગે જાય છે એની વાર્તાનું નિર્દેશન રમીન બહરાનીએ ઉત્સુક્તા જગાવે એવું કર્યું છે. અંતમાં એક સીધા માણસમાંથી અલગ પ્રકારનું તેનું ગજબનું ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. આદર્શે વર્ષો પહેલાં એક રોક બેન્ડમાં કામ કર્યું હતું અને જાણીતા નિર્દેશકોની ફિલ્મોમાં ગીતો ગાયા હતા. બાળ કલાકાર તરીકે શાહરુખની ફિલ્મથી શરૂઆત કરનાર આદર્શને શ્રીદેવીની ‘મોમ’ માં નાનો રોલ મળ્યો હતો.

અનુરાગ કશ્યપની ‘મેડલી’ અને મનોજ વાજપેઇ સાથેની ‘રુખ’માં પણ તે જોવા મળ્યો હતો. ‘ધ વ્હાઇટ ટાઇગર’ માં તેને પહેલી વખત મહત્વની ભૂમિકા મળી છે. એને તેણે એવી નિભાવી છે કે રાજકુમારે તેની પ્રશંસા કરવી પડી છે. નવાઇની વાત એ છે કે ‘નેટફ્લિક્સ’ દ્વારા ટ્રેલરમાં તેનું નામ રાજકુમારની ઉપર લખવામાં આવ્યું છે અને તે ખરેખર અભિનયમાં તેના પર ભારે પડતો દેખાય છે. ‘છલાંગ’ માં રાજકુમાર માટે જીશાન ઐયુબ એવો જ પડકાર ઊભો કરી રહ્યો છે. ફિલ્મમાં રાજકુમાર એક પીટી ટીચર તરીકે છે.

તે પોતાની નોકરીને ગંભીરતાથી લેતો નથી. પરંતુ પીટી ટીચર તરીકે જીશાન આવ્યા પછી વળાંક આવે છે અને તેની જિંદગી બદલાઇ જાય છે. ફિલ્મના એક સંવાદમાં જીશાન રાજકુમારને ખરેખર પડકાર આપતો હોય એમ એક દ્રશ્યમાં કહે છે કે, “બેટા, અગર જીતના અપને બસ કા ન હોના તો હાર માન લેની ચાહીએ.” જોકે, રાજકુમાર હાર માને એવા અભિનેતાઓમાંથી નથી.

Related Posts