ભારતમાં નોટબંધીને ઘણો સમય થઇ ગયા બાદ પણ હજી જૂની ચલણી નોટો પકડાવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત રદ કરવામાં આવેલી રૂપિયા 500ના દરની 36 લાખ રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ નોટ બંધી લાગુ કરવામાં આવી હતી. ત્યારે નોટ બંધી લાગુ કર્યા ને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતાં અવારનવાર રાજકોટ સહિત સમગ્ર દેશભરમાંથી રદ કરવામાં આવેલી રૂપિયા 500 તેમજ રૂપિયા 1000 ના દરની રદ થયેલી ચલણી નોટો મળી આવતી હોય છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડા ગામે રહેતો હરેશ ચાવડા નામનો વ્યક્તિ પોતાના પિતરાઈ સાથે રાજકોટ શહેરમાં રદ કરવામાં આવેલી ચલણી નોટો એક્સચેન્જ કરવા આવ્યો છે. તો સાથે જ મેહુલ ઉર્ફે મૌલિક બાબરીયા કે જે ધોરાજી ગામનો છે તે રદ થયેલી ચલણી નોટ એક્સચેન્જ કરી કમિશન મેળવવાનો છે. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતાં બંસીધર કાંટાની સામે આવેલા રામ પાર્કના ખૂણેથી ત્રણેય આરોપીઓ ઝડપાઇ જતાં તેમની અટક કરવામાં આવી છે. તો સાથોસાથ તેમની પાસે રહેલી 36 લાખ રૂપિયાની રદ કરવામાં આવેલી ચલણી નોટો પણ ઝડપાઈ છે.

‘RBIમા આપણું સેટિંગ છે, નોટો બદલાવી દઈશ’,
ક્રાઇમ બ્રાન્ચે આરોપીના નિવેદન લીધા તો પોલીસ પણ ચોકી ગઈ હતી. ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે મેહુલ અને હરેશ છેલ્લા એક-દોઢ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. ત્યારે હરેશએ પોતાની પાસે કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલી ચલણી નોટ હોવાનું મેહુલને જણાવ્યું હતું. જે સંદર્ભે મેહુલે હરેશને કહ્યું હતું કે “રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં મારું સેટિંગ છે જ્યાં હું તને રદ થયેલી ચલણી નોટ બદલાવી આપીશ”. ત્યારે મેહુલએ કરેલી વાતમાં હરેશ ફસાઈ જતા સૌપ્રથમ તેને રાજકોટ 36 લાખ રૂપિયા રદ થયેલી ચલણી નોટ પોતાના ભાઈ દિલીપને ત્યાં મૂકી હતી.

આખરે મેહુલ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કોઈ અધિકારીને ઓળખે છે કે કેમ? આ ગુનાહિત પ્રવૃત્તિમાં મેહુલ સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ. રદ થયેલી ચલણી નોટ કઈ રીતે બદલાવી આપવાનો હતો. જે અંતર્ગત તે કેટલું કમિશન લેવાનો હતો. તે સહિતની બાબતો અંગે હાલ પૂછપરછ શરૂ છે. ત્યારે ઝડપી પાડવામાં આવેલ ત્રણેય આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.