રાજકોટમાં જર્જરિત બ્રિજની દીવાલ તૂટી પડતાં બેનાં મોત

રાજકોટ શહેરમાં એક ઓવરબ્રિજની દીવાલ તૂટી પડતાં બે લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક વહીવટ તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે. રાજકોટ શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખોલતી આ ઘટનામાં એક બાઇકચાલકનું પણ મોત થયું હોવાના અહેવાલ છે.

આ ઘટનામાં એક સ્કૂટર ચાલકનું મોત થયું હતું જેમાં તેના વાહનની જે હાલત થઈ હતી તે જોઈને ઘટનાની ગંભીરતા કેવી હશે તે સમજી શકાય છે. મૃતકોને અને ઘાયલ થયેલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ બ્રિજ 30 વર્ષ જૂનો હોવાનું સામે આવી રહ્યું છે. દેખીતું છે કે બ્રિજની મરામત ન થઇ હોવાને લીધે આ દુર્ધટના થઇ છે.આટલા વર્ષોમાં આ બ્રિજની હાલત આ કેવી રીતે થઈ તે એક મોટો સવાલ છે. આ કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જવાબદારી સ્વીકારશે કે નહીં તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. શું આ બ્રિજની સમયાંતરે તપાસ થતી નહોતી કે પછી તેને સમયસર મરામત કરવાની હતી તે થઈ નહોતી? આવા ઘણાં સવાલો આ ઘટનાએ ઊભાં કરી દીધાં છે.

બ્રિજની દીવાલ તૂટી પડવાની ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કોઇ નિવેદન હજી સામે આવ્યું નથી. પોલીસ અને સ્થાનિક વહીવટ તંત્રએ પહોંચીને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બે લોકોનાં મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Related Posts