કેનબેરામાં વરસાદે ક્રિકેટ ચાહકોને દુઃખી કરી દીધા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ રદ કરવામાં આવી છે. વરસાદને કારણે માત્ર 58 બોલ રમાઈ શકાયા. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા હતા પરંતુ 10મી ઓવરમાં વાવાઝોડું શરૂ થયું અને ભારે વરસાદ શરૂ થયો. વરસાદ ઓછો થવાની રાહ જોયા બાદ મેચ રદ જાહેર કરવામાં આવી.
કેનબેરા T20માં પહેલાથી જ વરસાદની અપેક્ષા હતી. જોકે મેચ સમયસર શરૂ થઈ હતી છઠ્ઠી ઓવરમાં વરસાદ આવ્યો, જેના કારણે લગભગ અડધા કલાક સુધી રમત રોકાઈ ગઈ. ત્યારબાદ મેચને 18-18 ઓવર કરવામાં આવી. વરસાદ પછી જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે સૂર્યા અને ગિલે આક્રમક બેટિંગ શરૂ કરી. બંને ઓસ્ટ્રેલિયન બોલરોને ફટકારી રહ્યા હતા પરંતુ અચાનક 10મી ઓવરમાં ફરી ભારે વરસાદ શરૂ થયો. આ પછી મેચ ફરી શરૂ થઈ શકી નહીં. જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ 24 બોલમાં 39 રન બનાવી રહ્યા હતા. તેમણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલ 20 બોલમાં 37 રન બનાવી રહ્યા હતા. તેમણે 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. ભારતે માત્ર 9.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 97 રન બનાવી લીધા હતા.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે ભારતીય બેટ્સમેનોએ તેમના નિર્ણયને ખોટો સાબિત કર્યો. અભિષેક શર્માએ 14 બોલમાં 19 રન બનાવી 4 ચોગ્ગા ફટકાર્યા. નાથન એલને અભિષેકને આઉટ કર્યો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 39 રન બનાવ્યા અને શુભમન ગિલે 20 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. ગિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા જ્યારે સૂર્યાએ ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
ઓસ્ટ્રેલિયા માટે જોશ હેઝલવુડે ત્રણ ઓવરમાં 24 રન આપ્યા. મેથ્યુ કુન્હેમેને બે ઓવરમાં 22 રન, માર્કસ સ્ટેને એક ઓવરમાં 10 રન અને નાથન એલિસે 1.4 ઓવરમાં 25 રન આપ્યા. ઝેવિયર બાર્ટલેટે બે ઓવરમાં 16 રન આપ્યા.