બારડોલીમાં ગાજવીજ સાથે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી (Bardoli) પંથકમાં શનિવારે બપોર બાદ વીજળીના (Thunderstorm) કડાકા-ભડાકા અને ભારે પવનના સુસુવાટા સાથે ધોધમાર વરસાદ (Rain) પડતાં ડાંગરના પાકને મોટાપાયે નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. બારડોલીમાં બે કલાકમાં 66 મિમી એટલે કે લગભગ 2.6 ઇંચ વરસાદ નોંધાયો હતો. બારડોલી પંથકમાં બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધોધમાર વરસતા માર્ગો ઉપરથી પાણી વહેતા થઈ ગયા હતા. ભારે પવનના સુસુવાટાને પગલે ખેતરમાં લહેરાતો ડાંગરનો પાક પડી જતા ખેડૂતોને (farmer) મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. પવન સાથે પડેલા વરસાદને કારણે ડાંગર જ નહીં અન્ય પાકને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. ચાલુ સિઝને સારા વરસાદને પગલે હાલ ખેતરોમાં ડાંગરનો પાક લહેરાઈ રહ્યો હતો. જ્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલીમાં બપોરે 4 થી6 વાગ્યા દરમ્યાન 66 મિમી વરસાદ નોંધાયો હતો. જેને કારણે ઠેરઠેર પાણી ભરાય ગયા હતા.

બારડોલીમાં ગાજવીજ સાથે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

ઉમરપાડામાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો

મોસાલી: હવે થોડા દિવસોમાં ચોમાસાની મૌસમ વિદાય લેશે. ત્યારે આજે તારીખ ૧૭મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં જાણે ચોમાસુ ફરી શરૂ થયું હોય એ રીતે ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો ઉંચે ચઢ્યો હતો અને જાણે ઉનાળાની મૌસમમાં જેવી ગરમી પડે એ રીતની ગરમી પડતી હોય એવો અહેસાસ પ્રજાજનોને થઈ રહ્યો હતો .તેવા સમયે વરસાદ પડતાં વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી હતી. જો કે આ વરસાદથી ખેડૂતોનાં ખેતરમાં જે પાકો ઉભા છે એને નુકશાન થવા પામ્યું છે.સાથે જ ઘાસચારાને પણ નુકશાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે.

બારડોલીમાં ગાજવીજ સાથે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ

સાપુતારા સહિતનાં ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ

સાપુતારા: આહવા, વઘઇ, ગિરિમથક સાપુતારા સહિત સરહદીય વિસ્તારનાં ગામડાંમાં શનિવારે બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા, વઘઇ, ગિરિમથક સાપુતારા સહિત સરહદીય પંથકોમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ રહેતાં જનજીવન ત્રસ્ત બન્યું હતું. શનિવારે બપોર બાદ, આહવા, વઘઇ, બોરખલ, સાપુતારા, માલેગામ, ગલકુંડ, જાખાના, શામગહાન, બારીપાડા, ચીખલી સહિત સરહદીય પંથકનાં ગામડાંમાં વીજળીનાં કડાકાભડાકા સાથે ક્યાંક ઝરમરિયો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદી ઝાપટું પડતાં સર્વત્ર શીતલહેર વ્યાપી ગઈ હતી. જેના પગલે ડાંગરની કાપણી કરતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે પણ વરસાદી ઝાપટાં પડતાં અહીં જોવાલાયક સ્થળોનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. શનિવારે બપોર બાદ વાતાવરણમાં શીતલહેર વ્યાપી જતાં ફરવા આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.

Related Posts